કોંગ્રેસના કાર્યકરોમાં નારાજગી!:ઊંઝા શહેર અને તાલુકાના કોંગ્રેસ પ્રમુખોને હટાવી રાતોરાત નવા પ્રમુખની વરણી કરાઇ, જુના જોગીઓને જાણ કર્યા વિના જ નિર્ણય લેવાતા નારાજગી

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષે હોદ્દેદારો અને કારોબારીને વિશ્વાસમાં લીધા વિના નિર્ણય લીધો હોવાના આક્ષેપ
  • ઊંઝા કોંગ્રેસના 40 જેટલા કાર્યકરો કોંગ્રેસ સાથે છેડો ફાડે તેવા એંધાણ

ઊંઝા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે ગુણવંતસિંહ પ્રધાનસિંહ ઝાલા અને ઊંઝા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે કેતનકુમાર સોમાભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. જેના પગલે શહેર તેમજ તાલુકા કોંગ્રેસમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ દ્વારા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને કારોબારીને વિશ્વાસમાં લીધા વિના આ નિર્ણય લેવામાં આવ્યો હોવાના હાલમાં આક્ષેપ કરાયા છે.
રાતોરાત પ્રમુખ પદમાં બદલાવ કરવામાં આવ્યો
તાલુકા શહેર કોંગ્રેસના બદલાવ સામે કોંગ્રેસ અધ્યક્ષને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, હાલમાં ઊંઝા તાલુકા અને શહેર કોંગ્રેસ પ્રમુખ પદમાં નવા ઉમેદવારની રાતો રાત સર્વ સંમતિ સાંધ્યા વિના વરણી કરવામાં આવી છે. તે સામે સખત નારાજગી અને વાંધો છે. છેલ્લા બે વર્ષથી પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને જિલ્લા કોંગ્રેસ સમિતિના આદેશ મુજબ તમામ કાર્યક્રમો ચૂંટણી લક્ષી કામગીરી બંને પ્રમુખો દ્વારા સંપૂર્ણ રીતે કરી હોવા છતાં જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ રણજીતસિંહ ઠાકોરે તાલુકા શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને કારોબારીને વિશ્વાસમાં લીધા વિના રાતોરાત પ્રમુખ પદે બદલાવ કરવામાં આવ્યો છે.

પ્રમુખની વરણી કરાઈ છે એ કોંગ્રેસનો પ્રાથમિક સભ્ય પણ નથી
​​​​​​​
ઊંઝા તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દશરથ ઝાલાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, અમને કોઈ પ્રકારની જાણ કર્યા વિના જિલ્લા પ્રમુખે ઊંઝા શહેર અને તાલુકા પ્રમુખોની રાતોરાત બદલી કરી દીધી છે. ત્યારે પ્રમુખને આ બાબતે પૂછતાં યોગ્ય જવાબ મળતો નથી. તેમજ હાલમાં જે પ્રમુખની વરણી કરવામાં આવી છે એ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પણ નથી અને નવા નિશાળીયાને પ્રમુખ બનાવી દેવા એ કેટલું યોગ્ય છે એની જગ્યાએ કોંગ્રેસમાં ભોગ આપ્યો હોય એવા લોકોની વરણી કરી હોય તો અમને અફસોસ નહોતો. જેથી આગામી બે દિવસમાં યોગ્ય નિરાકરણ નહિ આવે તો અમારા 40 જેટલા કાર્યકરો તાલુકા ડેલીગેટ પણ બે દિવસોમાં રાજીનામું ધરી દેવાનો નિર્ણય કરી લીધો છે.

અન્ય સમાચારો પણ છે...