તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ઊંઝા APMC કથિત કૌભાંડમાં ધારાસભ્ય, ચેરમેન ફરી વિવાદમાં

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૂળ ઊંઝાના અને અમદાવાદમાં રહેતા પ્રવિણ પટેલે સોલા પોલીસમાં અરજી આપી
  • ઊંઝાના ધારાસભ્ય અને ચેરમેનના પત્નીએ ઘેર જઈ અપશબ્દો બોલી બરબાદ કરી નાખવાની ધમકી આપી

ઊંઝા એપીએમસી કૌભાંડમાં નવો વિવાદ શરૂ થયો છે. મૂળ ઊંઝાના અને હાલ અમદાવાદ રહેતા પ્રવિણ પટેેલે ઊંઝાનાં મહિલા ધારાસભ્ય, ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલ અને તેમની પત્નીથી પોતાને જોખમ હોવાની સોલા પોલીસ સ્ટેશનમાં અરજી આપતાં ખળભળાટ મચી ગયો છે. ગત મંગળવારે ધારાસભ્ય અને એપીએમસી ચેરમેનનાં પત્નીએ ઘેર આવી ગાળો બોલી બદનામ કરવાની ધમકી આપ્યાની લેખિત અરજી આપતાં ઊંઝા સહિત મહેસાણા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જ્યારે પ્રવિણ પટેલની અરજી ટોક ઓફ ધી ટાઉન બની છે.

થોડા મહિના અગાઉ ઊંઝા એપીએમસીનું કૌભાંડ ચર્ચાસ્પદ બન્યું હતું. જેમાં ઊંઝાનાં ધારાસભ્ય આશાબેન પટેલ અને ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલ સામે આક્ષેપો થતાં રાજકારણ ગરમાયું હતું. એપીએમસી કૌભાંડ અંગે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધવા ઊંઝા કોર્ટે આદેશ કર્યા બાદ સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. તેવામાં ઊંઝાના સામાજિક કાર્યકર અને રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનો દાવો કરતા પ્રવિણ પટેલે ધારાસભ્ય આશાબેન પટેલ, એપીએમસીના ચેરમેન દિનેશ પટેલ અને તેમના પત્નીએ અમદાવાદ સ્થિત તેમના ઘેર આવી ગાળો બોલી, બદનામ કરવાની ધમકી આપ્યાની તેમજ ત્રણેયથી પોતાને જોખમ હોવાની સોલા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ અરજી આપતાં નવો વિવાદ શરૂ થયો છે.

અરજીમાં તેમણે જણાવ્યું છે કે, તા.6-7-2021ના રોજ બપોર પછી ધારાસભ્ય આશાબેન પટેલ અને એપીએમસીના ચેરમેન દિનેશભાઈના પત્નીએ તેમના ઘરે આવી રૂપિયાની ઉઘરાણી કર્યા બાદ દિનેશભાઈનાં પત્ની ઘૂણવા લાગ્યા હતા અને જોપડી માતાજી તને ખતમ કરી દેશે, તુ નુકસાનીના રૂપિયા નહીં આપે તો જોપડી માતા તારું અને તારા કુટુંબનું ધનોત પનોત કરી દેશે તેમ કહી ગાળો બોલી બદનામ કરવાની ધમકી આપી હતી. જે તે સમયે પોલીસને બોલાવવાનું નક્કી કરાતાં દિનેશભાઈના પત્ની ભાગી ગયા હતા, જ્યારે ધારાસભ્યએ પોલીસ બોલાવવાની ના કહી હતી.

તે દિવસથી પરિવાર ડરી ગયો હોવાનો પ્રવિણ પટેલે દાવો કર્યો છે. તેમના પરિવારને કંઈપણ થશે તો ધારાસભ્ય આશાબેન પટેલ, ચેરમેન દિનેશ પટેલ અને તેમના પત્નીની જવાબદારી રહેશે તેમ જાણવાજોગ અરજીમાં જણાવાયું છે. સોલા પોલીસ સ્ટેશનમાં કરેલી અરજી મામલે પ્રવિણ પટેલનો સંપર્ક કરતાં તેમણે કામમાં હોવાનું કહી કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. ધારાસભ્ય આશાબેન પટેલે ફોન રિસીવ કરવાનું ટાળ્યું હતું.

ભાજપના બે જૂથની લડાઈ વિવાદનું કારણ બની
ઊંઝા ભાજપના બે જૂથોની લડાઈના પરિણામે એપીએમસી કૌભાંડ ઉજાગર થયું હતું. તેના કારણે સમગ્ર વિવાદ હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. ધારાસભ્ય અને ચેરમેન જૂથની સામે ભાજપનું એક જૂથ સામે આવી જતાં નવા વિવાદો બહાર આવી રહ્યા છે. આ લડાઈમાં હવે પ્રવિણ પટેલે પણ ઝુકાવ્યું છે.

કોણ છે પ્રવિણ પટેલ ?
પ્રવિણ પટેલ મૂળ ઊંઝાના છે. પરંતુ હાલ અમદાવાદ રહે છે. તેમણે વર્ષ 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં ઊંઝાના ભાજપના ઉમેદવાર તરીકે પ્રદેશમાં દાવેદારી કરી હતી. પરંતુ બંને વખત ટિકિટ મળી ન હતી.

કોઈનો હાથો બનીને ખોટા આક્ષેપ કરે છે
ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશ પટેલનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે પ્રવિણ પટેલના આક્ષેપને બકવાસ ગણાવ્યા હતા. તેઓ કોઈનો હાથો બનીને ખોટા આક્ષેપ કરતા હોવાનું કહ્યું હતું. જ્યારે સમય આવ્યે બધું જ બહાર આવશે એટલે હાલમાં વધુ કંઈ કહેવા માંગતો નથી તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...