ઉત્તર ગુજરાતના મહેસાણા વર્તુળ કચેરીના કડી, પાટણ સહિતની વિભાગીય કચેરીના તાબા હેઠળની બેચરાજી , દેત્રોજ, સમી તેમજ હારીજ પેટા કચેરીઓમાં 51 ટુકડીઓએ વીજ ચોરીઓ ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. અધિક્ષક ઈજનેર એ.પી. પટેલની દેખરેખ હેઠળ આ ટુકડીઓએ પોલીસ અને એસ.આર.પી.નાં બંદોબસ્ત સાથે ચેકિંગ હાથ ધર્યું હતું. વીજ ચોરીના 115 કેસ શોધી કાઢ્યા હતા. ગેરરીતિનાં આ કિસ્સાઓમાં ઝડપાયેલા જોડાણ ધારકોની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. વીજ ચોરી ડામવા માટે બે દિવસીય ચેકિંગ હાથ ધરતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો.
વીજ કંપનીની 51 ટુકડીઓએ બે દિવસમાં 5,282 વીજ જોડાણ ચેકિંગ કર્યું હતું. ઝડપાયેલા 115 કિસ્સામાં 15.53 લાખની વીજ ચોરી પકડાઈ હતી. અધિક્ષક ઈજનેર એ.પી. પટેલનાં જણાવ્યા પ્રમાણે ઉત્તર ગુજરાત વીજ કમ્પનીનાં એમ.ડી. અરુણ મહેશ બાબુ તેમજ મુખ્ય ઈજનેર વી.એમ. શ્રોફનાં માર્ગદર્શન હેઠળ તમામ પેટા વિભાગીય કચેરીઓમાં વીજ ચોરી પકડવાની કાર્યવાહી ચાલી રહી છે. વીજ ચોરી ડામવા આગામી દિવસોમાં પણ વિવિધ ટુકડીઓ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાશે અને વીજ ચોરી કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.