તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Two Youths Killed In Accident Near Maktupur In Unjha, Coronated Mother Gives Birth To Healthy Baby, Car Burns On Santalpur Highway

ઉત્તર ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ:ઊંઝાના મક્તુપુર પાસે થયેલા અકસ્માતમાં બે યુવકોનાં મોત, કોરોનાગ્રસ્ત માતાએ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો, સાંતલપુર હાઈવે પર કાર સળગી

મહેસાણા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
અકસ્માતમાં બે યુવાનોનાં મોત થતાં હાઈવે પર ચક્કાજામ - Divya Bhaskar
અકસ્માતમાં બે યુવાનોનાં મોત થતાં હાઈવે પર ચક્કાજામ
  • ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સમાચારો માત્ર એક ક્લિક પર

1 ઊંઝાના મક્તુપુર પાસે થયેલા અકસ્માતમાં બે યુવકોનાં મોત થતાં હાઈવે પર ચક્કાજામ કરાયો
ઊંઝા- સિદ્ધપુર હાઈવે પર મકતુપુર ગામ નજીક શુક્રવારે સવારે ટ્રેલર અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઈકસવાર બે યુવકોના મોત થયા હતા. બંને યુવકો સિધ્ધપુર તાલુકાના ચાંદીસર ગામના હોવાની ઓળખ થઈ હતી, જયારે એક યુવાનને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનાને પગલે રોષે ભરાયેલા સ્થાનિક ગ્રામજનોએ હાઇવે પર ચક્કાજામ કરી દીધો હતો. જેને પગલે પોલીસ સહિતનું વહીવટી તંત્ર દોડતું થયું હતું. આ ઘટનાની જાણ થતા ઊંઝા મામલતદાર અને પીઆઇ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને સરપંચ સહિત ગ્રામજનોને સમજાવટ કરી હતી. ગ્રામજનોની માગણી હતી કે આ હાઇવે બની રહ્યો છે ત્યારે પૂર્વથી પશ્ચિમ તરફ અંડરબ્રિજ બનાવવાની માંગણી છેલ્લા ત્રણ વર્ષથી કરી રહ્યા છીએ છતાં સરકાર દ્વારા કોઇ કાર્યવાહી કરાતી નથી. પરિણામે અહીં વારંવાર જીવલેણ અકસ્માત થઈ રહ્યા છે.

સરકારની ગાઈડલાઈનનું પાલન કરાવવા ધાનેરામાં તંત્ર દોડતું થયું
સરકારની ગાઈડલાઈનનું પાલન કરાવવા ધાનેરામાં તંત્ર દોડતું થયું

2 ધાનેરામાં તંત્ર દ્વારા કોરોનાની ગાઈડલાઈનના પાલન અંગે સઘન ચેકિંગ હાથ ધરાયું
બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં મામલતદાર બી.એસ.ખરાડી, ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર સમીરસિંહ ડાભી સહિત તેમની ટીમ તેમજ નગરપાલિકામાંથી રામભાઈ સોલંકી તેમજ તેમની ટીમ દ્વારા શહેરી વિસ્તારમાં માસ્ક તેમજ સોશિયલ ડિસટન્સ માટે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમાં શાકભાજીની લારી ગલ્લાવાળા સહિત અવરજવર કરતાં વાહનચાલકોને માસ્ક માટે કડક સૂચના આપી હતી અને જો કોઈ વ્યક્તિ માસ્ક વગર દેખાય તો તેની સામે દંડનીય કાર્યવાહી પણ કરી હતી.શાકભાજી વેચતી મહિલાઓને પણ સૂચના આપી હતી અને માસ્ક વગર કોઈને શાકભાજીના આપવી તેમજ સોશિયલ ડિસટન્સ જળવાય તે રીતે જ શાકભાજી વેચવી તેવી સૂચના પણ આપી હતી.બીજી તરફ દુકાનદારોએ સ્વેચ્છાએ સોશિયલ ડિસટન્સ જળવાય તે માટે પોતાની દુકાન આગળ ગોળ રાઉન્ડ બનાવ્યા હતા.

પાલનપુરના અશોક ગેસ્ટ હાઉસ
પાલનપુરના અશોક ગેસ્ટ હાઉસ

3 પાલનપુરના ગેસ્ટ હાઉસમાંથી કુટણખાનું ઝડપાયું
પાલનપુરમાં જુના બસ સ્ટેશન રોડ પર આવેલ ગેસ્ટ હાઉસમાં કુટણખાનુ ચાલતુ હોવાની પોલીસને બાતમી મળી હતી. એકબીજાના મેળાપીપણાથી પોતાના આર્થિક નાણાંકીય લાભ અને ફાયદો મેળવવા માટે બહારથી છોકરીઓને પૈસાનું પ્રલોભન આપી બોલાવી ગેસ્ટ હાઉસમાં કુટણખાનું ચલાવવામાં આવતુ હતુ. આ બાતમીને આધારે મહિસા PSI બી.જે.સુથારે સ્ટાફ સાથે રેડ કરી હતી. જેથી પોલીસે રેડ કરી રોકડ રૂ.1400 મોબાઇલ નંગ 4 કિંમત રૂ.23 હજાર ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંગેની વધુ તપાસ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના પી.આઇ.કે.પી.ગઢવી ચલાવી રહ્યા છે.

4 મહેસાણા અને કડીના નાગરિકો માટે નીતિન પટેલની અપીલ,
મહેસાણા જિલ્લામાં દિવાળી બાદ કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને કડીના ધારાસભ્ય નીતિન પટેલે ટ્વિટ કરીને જિલ્લાના નાગરીકોને અપીલ કરી હતી કે કોરોનાની સારવારમાં કોઈપણ પ્રકારની મદદની જરૂર હોય તો તેઓ તેમના PA અશ્વિન ભટ્ટનો સંપર્ક કરે. મહેસાણા જિલ્લામાં એક જ દિવસમાં કુલ 31 કેસ નોંધાયા છે. જેમાં 15,વિસનગર-6,વડનગર-2,વિજાપુર -4,કડી -2 ,ખેરાલુ અને ઊંઝામા 1-1 પોઝિટિવ કેસ આવતા તમામ દર્દીઓને દવાખાના અને હોમ આઇસોલેટ કરાયા છે.

સાંતલપુર હાઈવે પર કારમાં આગ લાગી પાંચનો આબાદ બચાવ
સાંતલપુર હાઈવે પર કારમાં આગ લાગી પાંચનો આબાદ બચાવ

5 સાંતલપુર હાઈવે પર કારમાં આગ લાગતાં પાંચનો આબાદ બચાવ થયો
ઉત્તર ગુજરાતમાં પાટણમાં સાંતલપુર હાઈવે પર કારમાં અચાનક આગ લાગતાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી. પ્રાથમિક ધોરણે કારમાં સોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. કારમાં પાંચ લોકો સવાર હતાં. આ પાંચેય જણાનો આબાદ બચાવ થયો હતો.

બનાસકાંઠામાં આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ગાટન
બનાસકાંઠામાં આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ગાટન

6 આમ આદમી પાર્ટીએ બનાસકાંઠા જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું
આમ આદમી પાર્ટી દ્વારા આજે બનાસકાંઠા જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા કાર્યકરોએ પક્ષને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મજબૂતીથી લડવા અને સંગઠનને વધુ મજબૂત કરવાનો સંકલ્પ લીધો હતો. બનાસકાંઠામાં આમ આદમી પાર્ટી સક્રિય થતાં અત્યારથી જ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રદેશ અધ્યક્ષ ભેમાભાઈ ચોધરીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું.

સિંચાઈ માટે કેનાલમાં પાણી નહીં છોડાતા ખેડૂતોએ આંદોલનની ચીમકી આપી
સિંચાઈ માટે કેનાલમાં પાણી નહીં છોડાતા ખેડૂતોએ આંદોલનની ચીમકી આપી

7 દિયોદર તાલુકાના ખેડૂતોએ સિંચાઈ માટે પાણી નહીં મળતાં આંદોલનની ચીમકી ઉચ્ચારી
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ખેડૂતોએ સિંચાઈ માટે પાણી નહીં મળતાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. તાલુકાના જશાલી પંથકના ખેડૂતોને સુજલામ સૂફલામ કેનાલમાં સિંચાઈ માટે પાણી આપવા માટે ગત દિવસોમાં નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી. ત્યાર બાદ કલ્પસર વિભાગે પાણી છોડવાનું નક્કી કર્યું હતું. પરંતુ ખેડૂતોને હજી સુધી પાણી નહીં મળતાં તેમનામાં રોષ વધી રહ્યો છે. આગામી સમયમાં પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

એમ્બ્યુલન્સમાં જ દર્દીનું માં કાર્ડ તૈયાર કરવાની તજવીજ હાથ ધરાઈ
એમ્બ્યુલન્સમાં જ દર્દીનું માં કાર્ડ તૈયાર કરવાની તજવીજ હાથ ધરાઈ

8 પાલનપુરમાં યુવા રાજકીય કાર્યકરે એમ્બ્યુલન્સમાં જ દર્દીને માં કાર્ડ અપાવ્યું
ડીસા પંથકના દર્દીની અચાનક તબિયત લથડતાં તેની સારવાર માટે દોડધામ મચી ગઈ હતી. દર્દીને એમ્બ્યુલન્સ મારફતે સારવાર હેઠળ લઈ જવામાં આવે તે પહેલાં જ સારવારના ખર્ચની ચિંતા ઉભી થતાં યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યો હરેશ ચૌધરી, જગદીશ અને અનિલભાઈને જાણ કરતા તેઓ આરોગ્ય ટીમ સાથે તરત જ સ્થળ પર પહોંચી ગયાં હતાં. તેઓ દર્દીનો સારવારનો ખર્ચ બચાવવા માટે તાત્કાલિક ધોરણે તેનું માં કાર્ડ તૈયાર કરવા કામે લાગી ગયાં હતાં. બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના કાંતિલાલ ઠક્કરની તબિયત બગડતાં પરિવાર ચિંતાગ્રસ્ત બન્યો હતો. કોવિડ ગાઇડલાઇન અને મહામારીથી બચીને સારવાર કરાવવા દોડ્યા હતા. જોકે બાયપાસ સર્જરી કરવાની સંભાવના વચ્ચે સરેરાશ બે થી અઢી લાખનો ખર્ચ થવાની વાત બની હતી.

કોરોના પોઝિટિવ માતાએ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો
કોરોના પોઝિટિવ માતાએ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો

9 કોરોના પોઝિટિવ માતાએ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો
સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ભાદરડી ગામના ગરીબ પરિવારમાં કોરોના પોઝિટિવ માતાએ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો છે. ચંદ્રિકાબેન વણકરને 19 નવેમ્બરે કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને 9 મહિનાના ગર્ભ સાથે GMERS મેડિકલ કોલેડ સંલગ્ન જનરલ હોસ્પિટલ હિંમતનગર ખાતે પ્રસૂતિ અને સ્ત્રી રોગ વિભાગમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમણે 3 કિલો વજન ધરાવતી બાળકીને જન્મ આપ્યો હતો. આ નવજાત બાળકીનો RT PCR રીપોર્ટ કરાવતાં તે નેગેટિવ આવતાં પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...