કાળાબજારી:આંબલિયાસણમાં તમાકુ-ગુટખાના બે વેપારીને ત્યાં તોલમાપ વિભાગની રેડ,94 હજાર દંડ કર્યો

આંબલિયાસણ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાંચ કલાક તપાસ કરી પણ એકે કાળાબજારીયો ન પકડાયો, રેડની જાણ થતાં શટરો પાડી દીધા
  • તોલમાપ કાયદા હેઠળ સદગુરૂ કિરાણાને 25 હજાર, લક્ષ્મી ટ્રેડિંગને 69 હજાર દંડ

મહેસાણા તાલુકાના આંબલિયાસણ સ્ટેશનમાં લોકડાઉનમાં પાન-મસાલા અને ગુટખાના વેચાણ પર પ્રતિબંધને પગલે બંધાણીઓની ગરજનો ગેરલાભ લેવા કેટલાક વેપારીઓ કાળાબજાર કરતા હોવાની બૂમરાડ ઉઠી હતી. જેને પગલે શનિવારે તોલમાપ વિભાગે તમાકુ-ગુટખાના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. પરંતુ તેની જાણ થઇ જતાં એકે કાળાબજારી હાથ લાગ્યો ન હતો. પરંતુ તોલમાપ કાયદાના ભંગ બદલ સદગુરૂ કીરાણાને રૂ.25 હજાર અને લક્ષ્મી ટ્રેડિંગને રૂ.69 હજાર મળી કુલ રૂ.94 હજારનો દંડ વસૂલી તંત્રએ સંતોષ માન્યો હતો.

તોલમાપના કાયદા હેઠળ બે વેપારી પાસેથી રૂ.94 હજાર દંડ
તોલમાપ અધિકારી એન.એમ રાઠોડના નેતૃત્વ હેઠળ પી.જે. ચૌધરી, વી.એ. ચૌધરી, જયમીન ગજજર, મિતુલ પ્રજાપતિ, એસ.વી. પટેલની ટીમ દ્વારા આંબલિયાસણના બજારોમાં સવારે 9 થી 2 વાગ્યા સુધી ગ્રાહકોના સ્વાંગમાં તમાકુ અને ગુટખાના વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરાઇ હતી. પરંતુ તેની જાણ વેપારીઓને થઈ જતાં કેટલાક વેપારીઓએ દુકાનના શટર પાડી દીધા હતા. તો કેટલાક વધુ ભાવને બદલે મૂળ કિમતે જ વેચાણ શરૂ કરી દીધું હતું. જેના પરિણામે એમઆરપીથી વધારે ભાવ લેતાં એકપણ વેપારી પકડાયા નહીં. પરંતુ બે વેપારીઓને ત્યાં દુકાનમાં રહેલી પેકિંગની તમાકુ સહિતની અનેક વસ્તુઓમાં તોલમાપના કાયદા હેઠળ બે વેપારી પાસેથી રૂ.94 હજાર દંડ વસૂલ કરાયો હતો. 

ભલામણ આવી પણ કાર્યવાહી માટે અડગ રહ્યા
દુકાન બંધ કરીને જતાં રહેલા વેપારી દ્વારા ચેકિંગ ટીમ પર ભલામણ કરાવી દબાણ લાવવાનો પણ પ્રયત્ન કરાયો હતો, અધિકારી કાર્યવાહી માટે અડગ રહ્યા, જેના લીધે દોઢેક કલાક બાદ વેપારીએ દુકાન ખોલતાં કાયદેસર કાર્યવાહી શક્ય બની હતી.

અન્ય સમાચારો પણ છે...