તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવલેણ અકસ્માત:મક્તુપુર પાસે ટ્રેલરે બે કિશોરોને કચડતાં હાઇવે ચક્કાજામ

મહેસાણા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
કમનસીબ મૃતકો - બિપીન ભાવસંગજી ઠાકોર (15) અને આકાશ રણજીતજી ઠાકોર (16) - Divya Bhaskar
કમનસીબ મૃતકો - બિપીન ભાવસંગજી ઠાકોર (15) અને આકાશ રણજીતજી ઠાકોર (16)
  • હાઇવે પર બાઇકની બાજુમાં ઊભેલા સિદ્ધપુરના ચાંદણસરના બે કિશોરોને ફંગોળ્યા
  • બાઇકચાલકને પણ ગંભીર ઇજા

ફઇના ઘરે જવા શુક્રવારે સવારે ઊંઝાના મક્તુપુર ગામે હાઇવે ઉપર ઉભેલા સિદ્ધપુરના ચાંદણસર ગામના બે કિશોરો ઉપર ટ્રેલર ફરી વળતાં બંનેનાં ઘટના સ્થળે જ મોત થયાં હતાં. જ્યારે તેમને લેવા આવેલા બાઇક ચાલકને ગંભીર ઇજા થઇ હતી. કિશોરોના મોતને પગલે રોષે ભરાયેલા ગ્રામજનોએ ચક્કાજામ કરતાં 2 કલાક સુધી ટ્રાફિક અટવાયો હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસની સમજાવટ બાદ લોકોએ માર્ગ ખુલ્લો કર્યો હતો. બનાવ અંગે ટ્રેલર મૂકી ભાગી લુટેલા ચાલક સામે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

સિદ્ધપુર તાલુકાના ચાંદણસર ગામના ભાવસંગજી ઠાકોરનો પુત્ર બિપીનજી ભાવસંગજી ઠાકોર (15) હાલમાં સ્કૂલમાં રજાઓ હોઇ શુક્રવારે તેના કુટુંબી ભાઇ આકાશ રણજીતસિંહ ઠાકોર (16) સાથે રિક્ષામાં બેસી ઊંઝાના મક્તુપુર ગામે રહેતાં ફોઇના ઘરે જવા નીકળ્યા હતા. તેમણે મક્તુપુર પહોંચી તેમના સંબંધી નીતિનજી ઠાકોરને ફોન કરી અમે રોડ પર આવી ગયા છીએ છે તેમ કહેતાં તે બાઇક (જીજે 02 એડી 2542) પર પિતરાઇ ભાઇને બેસાડી હાઇવે પર રિલીફ ફેકટરી સામે ઉભેલા બીપીન અને આકાશને લેવા નીકળ્યા હતા. આ સમયે સિદ્ધપુર તરફથી આવતા ટ્રેલર (જીજે 12 બીડબલ્યૂ 4551)ના ચાલકે રોડ પર ઊભેલા બાઇક ચાલક અદાજી નથાજી ઠાકોરને તેમજ બાજુમાં ઊભેલા બિપીનજી અને આકારને ટક્કર હતી. જેમાં રોડ પર ફંગોળાયેલા આકાશ અને બિપીન ટ્રેલરના ટાયર નીચે કચડાતાં ઘટના સ્થળે જ બંને કિશોરોનાં મોત થયા હતા. તેમજ અદાજીને ગંભીર ઇજા થતાં ધારપુર સિવિલમાં સારવાર માટે ખસેડ્યા હતા. ઊંઝા પોલીસે ભાવસંગ ઠાકોરની ફરિયાદ આધારે ટ્રેલર ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

અંડરપાસ નહીં બનાવાતાં જીવલેણ અકસ્માતો સર્જાઇ રહ્યાના આક્રોશ સાથે ગામલોકોએ 2 કલાક સુધી વાહનો રોક્યા
અંડરપાસ નહીં બનાવાતાં જીવલેણ અકસ્માતો સર્જાઇ રહ્યાના આક્રોશ સાથે ગામલોકોએ 2 કલાક સુધી વાહનો રોક્યા

આક્રોશ - મહેસાણા-પાલનપુર હાઇવે પર ઊંઝાના મક્તુપુરથી બ્રાહ્મણવાડા સુધી સાડા ચાર કિલોમીટર સુધી વાહનોનો ખડકલો
અકસ્માતને પગલે 200થી વધુના ટોળાએ ચક્કાજામ કરતાં 4 કિમી લાંબી વાહનોની કતાર લાગી હતી. અકસ્માતના પગલે ઊંઝા મામલતદાર એ.પી. ઝાલા, પીઆઈ જે.એસ. પટેલ સહિતે ઘટના સ્થળે પહોંચી ગામલોકોને સમજાવ્યા હતા. ગામલોકોએ નાળાની માંગ 2019થી કરી રહ્યાનો બળાપો ઠાલવ્યો હતો. બીજીબાજુ મૃતકના પરિવારજનોએ પણ યોગ્ય ન્યાયની અપીલ સ્વીકારતાં મૃતદેહને જગ્યાએથી ખસેડવા દીધો હતો.

અકસ્માત સર્જનાર ટ્રેલર
અકસ્માત સર્જનાર ટ્રેલર

અંડરપાસ બનાવવાની ગામલોકોની માગણી અંગે પોલીસ-મામલતદારના આશ્વાસન બાદ રસ્તો ખુલ્લો કરાયો
અકસ્માતમાં બે કિશોરોના મોતની ઘટનાને પગલે રોષે ભરાયેલા ગ્રામજનો રોડ પર ઉતરી આવ્યા હતા અને લોખંડની એંગલો મૂકી વાહનો મૂકી ચક્કાજામ કરતાં લગભગ 2 કલાક સુધી ટ્રાફિકજામ થયો હતો. જેને લઇ મક્તુપુરથી બ્રાહ્મણવાડા સુધીનો સાડા ચાર કિલોમીટરના રસ્તા પર ટ્રાફિકમાં ફસાયેલા વાહન ચાલકો અટવાયા હતા. બીજીબાજુ, ઘટના સ્થળે પહોંચેલા ઊંઝા પીઆઇ અને મામલતદારે ગામલોકોને સમજાવ્યા હતા અને અંડરપાસ અંગેની રજૂઆત સરકારમાં મોકલવાની ખાતરી આપતાં ગામલોકો રોડ પરથી હટતાં વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો.

અંડરપાસ બનાવવાની ગામલોકોની માંગણી
ગામના અગ્રણી મફતલાલ પટેલે જણાવ્યું કે, મક્તુપુર હાઇવે છ લેનનો થતો હોઇ બે વર્ષથી પૂર્વથી પશ્ચિમમાં જવા અંડરપાસ બનાવવાની માંગણી કરી રહ્યા છીએ. છતાં કોઇ કાર્યવાહી ન થતાં જીવલેણ અકસ્માત સર્જાતા રહ્યા છે. માર્ગ મકાન વિભાગ, મામલતદાર સાથે મળીને સમસ્યાનું નિકાલ લાવવા પોલીસે બાંહેધરી આપી હતી. આમ છતાં અમારી માંગણી નહીં સંતોષાય તો ફરી ચક્કાજામ કરવાની ફરજ પડશે.

અન્ય સમાચારો પણ છે...