અમદાવાદથી અંબાજી જઇ રહેલા પરિવારની કાર શુક્રવારે વહેલી સવારે ખેરાલુના નાનીવાડા નજીક અચાનક આગમાં લપેટાઇ ગઇ હતી. જેમાં 70 વર્ષનાં દાદી તેમજ 12 અને 17 વર્ષની બે પૌત્રી કારમાં જ ભડથું થઇ ગયાં હતાં. જ્યારે કારચાલક અને તેમનાં પત્નીને બચાવી લેવાયાં હતાં, પરંતુ ગંભીર રીતે દાઝી ગયાં હોઇ મહેસાણા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કારના આગળના ભાગે આગ લાગતાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં તે રોડની રોંગ સાઇડે ઝાડ સાથે અથડાઇ હતી અને તે પછી આગ વધુ ભડકતાં કરુણાંતિકા સર્જાઇ હતી.
સીએનજી કારના ત્રણે દરવાજા લોક થઇ ગયા, સાથે બે માસૂમો સહિત ત્રણ-ત્રણ જિંદગી પણ...
વડનગરના કરબટિયા ગામના અને અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં શિખર રેસીડેન્સીમાં રહેતા અને શેરબજારની ઓફિસ ધરાવતા પટેલ રાકેશભાઇ રણછોડભાઇ તેમની પત્ની વર્ષાબેન, માતા અંબાબેન, બે દીકરીઓ લાલી (આસ્થા) અને હેનીને લઇ શુક્રવારે વહેલી સવારે વેગેનાર કાર (જીજે 01 કેઆર 1531) લઇ અમદાવાદથી અંબાજી દર્શનાર્થે જવા નીકળ્યા હતા. તેઓ સવારે 5-45 વાગે ખેરાલુ- સતલાસણા હાઇવે પર નાનીવાડા નજીકથી પસાર થતા હતા, ત્યારે કારના આગળના ભાગે આગ લાગતાં રાકેશભાઇએ સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં કાર ખેંચાઇને રોંગ સાઇડે લીમડાના ઝાડ સાથે અથડાઇ વધુ સળગી ઊઠી હતી. જેમાં રાકેશભાઇ અને તેમની પત્નીને બચાવી લેવાયાં હતાં, પરંતુ પાછળનો દરવાજો નહીં ખુલતાં તેમની બે દીકરીઓ અને માતા સળગી જવાથી ત્રણે ભડથું થઇ ગયાં હતાં.
લાશ ઓળખાય તેવી સ્થિતિમાં પણ ન હતી. સિવિલમાં પોસ્ટમોર્ટમ બાદ ત્રણેયનાં મૃતદેહો વતન કરબટિયા લઇ જવાતાં આખુ ગામ હિબકે ચડ્યું હતું.પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બચી ગયેલું દંપતી ગંભીર હાલતમાં સારવાર અર્થે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયું હોવાથી નિવેદન લઇ શકાયું નથી. ખેરાલુ પોલીસે રાજેન્દ્ર મંગળદાસ પટેલની ફરિયાદ આધારે કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ખેરાલુ ફાયરની ટીમને સવારે 6-05 વાગે કોલ મળતાં 10 મિનિટમાં ઘટના સ્થળે પહોંચી હતી. આ સમયે આખી કાર ભડભડ સળગતી હતી. આગ ઓલવાઇ ત્યારે કાર હાડપિંજર બની ગઇ હતી. આગ એટલી હદે ભયંકર હતી કે ઝાડની ડાળીઓ પણ બળી ગઇ હતી. તો કારમાં સવાર દાદી અને બે પૌત્રીઓની લાશોને પ્લાસ્ટિકના મિણિયામાં પોટલા બાંધીને પીએમ માટે લઇ જવી પડી હતી.
કારનો દરવાજો ખુલી જતાં રાકેશભાઇ બહાર ફેંકાઇ ગયા, વર્ષાબેનને કાચમાંથી બહાર કાઢ્યાં - ફર્સ્ટ પર્શન
રાકેશભાઇ કાર હંકારી રહ્યા હતા, જ્યારે તેમની પત્ની વર્ષાબેન આગળના ભાગે અને રાકેશભાઇની માતા અંબાબેન, દીકરી લાલી (આસ્થા) અને હેની પાછળના ભાગે બેઠેલા હતા. કાર ઝાડ સાથે અથડાતાં દરવાજો ખુલી જતાં રાકેશભાઇ બહાર ફેંકાઇ ગયા હતા. જ્યારે બાકીના ત્રણે દરવાજા લોક થઇ ગયા હતા, પરંતુ આગળનો કાચ ખુલ્લો હોઇ વર્ષાબેનને સ્થાનિકોની મદદથી કાચમાંથી બહાર કાઢ્યાં હતાં. જોકે, આ દરમિયાન આખી કાર આગમાં લપેટાઇ જતાં અન્યોને બચાવવાની તક ન રહી. - પ્રવિણ ચૌધરી અને ગૌરવ ચૌધરી, ઘટનાસ્થળથી 50 મીટરના અંતરે રહે છે, ધડાકો સાંભળતાં જ પહોંચ્યા હતા
કારચાલક રાકેશભાઇને માથાના પાછળના ભાગે ઇજા, વર્ષાબેન શરીરે 50 ટકા જેટલાં દાઝી ગયાં....
ઘટના સ્થળે દોડી આવેલી ખેરાલુ પોલીસે ઘાયલ પટેલ રાકેશભાઇ રણછોડભાઇ (45) અને પટેલ વર્ષાબેન રાકેશભાઇ (42) ને તાત્કાલિક સારવાર અર્થે વડનગર સિવિલ ખસેડ્યા હતા અને ત્યાંથી મહેસાણા રીફર કરાયા હતા. વર્ષાબેન 50 ટકા જેટલાં દાઝી ગયાં છે, જ્યારે રાકેશભાઇને માથાના ભાગે ઇજા તેમજ તેઓ પણ દાઝ્યાં છે.
(તસવીર અને માહિતી: ઈન્દ્રવદન ભટ્ટ, વીસનગર)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.