ભારત સરકાર નફો કરતી એલઆઇસીનું ખાનગીકરણ કરવા જઇ રહી છે, તેના વિરોધમાં મહેસાણા સહિત તમામ 7 બ્રાન્ચના કર્મચારીઓ સોમવારથી બે દિવસ હડતાળ પર ગયા છે. જેને લઇ સોમવારે બ્રાન્ચમાં માત્ર ઓફિસર હતા, બાકી કર્મચારીઓ હડતાળમાં જોડાતાં નાણાકીય કલેક્શન ઠપ થઇ ગયું હતું. તો બ્રાન્ચ આગળ કર્મચારીઓએ પડતર માંગણીઓને લઇ સૂત્રોચ્ચાર કર્યા હતા.એલઆઇસી એમ્પ્લોઇઝ યુનિયનના હોદ્દેદારોએ કહ્યું કે, ભારત સરકાર ટૂંક સમયમાં એલઆઇસીનો આઇપીઓ લાવી 5 ટકા જેટલો હિસ્સો બજારમાં વેચવા જઈ રહી છે.
ઘણા વર્ષોથી ખાનગીકરણનો વિરોધ કરી રહ્યા છીએ, છતાં સરકાર એલઆઇસી જેવી નફો કરતી સંસ્થાનું પણ ખાનગીકરણ કરવા જઈ રહી છે. તેમજ વીમાક્ષેત્રે એફડીઆઇની મર્યાદાના વિરોધમાં, એલઆઇસીના આઇપીઓમાં એફડીઆઇના વિરોધમાં, કરાર આધારિત ભરતીના વિરોધમાં તેમજ વિવિધ માંગણીઓને લઈ ગાંધીનગર ઝોનમાં આવતા મહેસાણા, વિજાપુર, ઊંઝા, સિદ્ધપુર, ચાણસ્મા, વડનગર, વિસનગર બ્રાંચના તમામ 200 જેટલા કર્મચારીઓ સોમવારથી બે દિવસ હડતાળ પર ઉતર્યા છે. મહેસાણા બ્રાન્ચમાં દૈનિક રૂ.3 કરોડનું કલેક્શન થતું હોય છે. બે દિવસની હડતાળના કારણે આ એક જ બ્રાાન્ચમાં 6 કરોડનું કલેક્શન અટકશે. જ્યારે પાકતી પોલીસી, પ્રિમિયમ માટે આવતા ગ્રાહકોને ફેરો પડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.