ઘર કા ભેદી લંકા ઢાયે:મહેસાણા પોલીસ ચોકીમાંથી TRB જવાને જ તેના મિત્ર સાથે મળીને ચોરી કરી હતી, ચોરીના પૈસાથી પ્રવાસ પણ કરી આવ્યા

મહેસાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાફિક શાખામાંથી 2.55 લાખ ચોરી 25 એપ્રિલના રાત્રે થઇ હતી
  • TRB જવાનના ઝડપાયેલા મિત્રે પોલીસ સમક્ષ કબૂલાત કરી

મહેસાણા રેલવે સ્ટેશન નજીક આવેલી ટ્રાફિક પોલીસ ચોકીમાં 25 એપ્રિલના રાત્રે રૂપિયા 2.55 લાખની ચોરી થઈ હતી. જે કેસમાં મહેસાણા એલસીબી પાસે જતા પોલીસે આ કેસમાં TRB જવાન અને તેના મિત્રે ચોરી કરી હોવાની ચોંકાવનારી વિગતો શોધી લાવી હતી. ત્યારબાદ ચોરી કરનાર TRB જવાનના મિત્રને મહેસાણા એલસીબી ટીમે ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા ચોરે પૂછપરછમાં જણાવ્યું હતું કે, ચોરી કર્યા બાદ બંને મિત્રો રાજસ્થાન, મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર ફરી આવ્યા હતા.

મહેસાણા એલસીબી પી.આઈ એ એમ. વાળાએ જણાવ્યું હતું કે, ટ્રાફિક પોલીસ ચોકીમાં ચોરીની ઘટના બાદ ટેક્નિકલ સર્વેલન્સ, બાતમીદારો થતા અન્ય મધ્યમોથી ભેદ ઉકેલવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. આ ચોરીમાં બે શખ્સો હોવાનું અને એમાંય TRB જવાનએ પોતાના મિત્રને સાથે રાખી ચોરીની ઘટનાને અંજામ આપ્યાનું સામે આવ્યા બાદ વધુ તપાસ આદરી હતી.

મહેસાણા પરા ટાવર પાસે પીકઅપ સ્ટેન્ડ પાસેથી રમેશ ફતાજી ઠાકોરને એલસીબી ટીમે બાતમી આધારે ઝડપી પાડ્યો હતો. ઝડપયા બાદ પૂછપરછ દરમિયાન તેણે ટીઆરબી જવાન નરેશ રાઠોડ સાથે મળી ટ્રાફિક પોલીસ ચોકીની ઓફિસમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ચોરી કર્યા બાદ બંને મિત્રો ચોરીમાં વપરાયેલા એક્સેસ સ્કૂટીને મહેસાણા સિવિલમાં મૂકી ફરાર થઈ ગયા હતા. બાદમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં ફર્યા બાદ બગદાણાથી બંને છુટા પડ્યા હતા.

પોલીસે આરોપી પાસેથી રૂ 30 હજારનું એક્સેસ, ચોરી કરાયેલી રકમમાંથી 20 હજાર રૂપિયા, ચોરી કર્યા બાદ કચરામાં ફેંકી દીધેલી લોખંડની કોસ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો કરી ફરાર આરોપી TRB જવાનને ઝડપવા ચક્રોગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...