તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Trafficking In Government Food Scam In Mehsana, Ahmedabad Crime Branch Nabbed 3 Administrators Of Mehsana And An Intermediary From Siddhpur, A Total Of 11 Arrested From UG

મહેસાણામાં સરકારી અનાજ કૌભાંડનું પગેરું:અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શહેરના 3 સંચાલકો સહિત સિદ્ધપુરના એક વચેટિયાને ઉઠાવ્યો, ઉત્તર ગુજરાતના કુલ 11 પકડાયા

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપીઓની તસવીર - Divya Bhaskar
આરોપીઓની તસવીર
  • જિલ્લા પુરવઠા વિભાગની "સબ સલામત'ની ડંફાશો વચ્ચે મહેસાણાના જ ત્રણ સંચાલકોની સંડોવણી ખૂલતાં હડકંપ
  • અનાજ ખરીદ્યું ન હોય તેવા ગ્રાહકોના ઓનલાઈન ખોટા બિલો બનાવી અનાજ સગેવગે કરવાના કૌભાંડની જાળ ઉત્તર ગુજરાતમાં

બનાસકાંઠા સરકારી અનાજ કૌભાંડનું પગેરું હવે મહેસાણા જિલ્લામાં પહોંચ્યું છે. અનાજના કૌભાંડમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અગાઉ પકડેલા અનાજખોરોની તપાસમાં વધુ પાંચ આરોપીઓનાં નામ ખુલતાં ધરપકડ કરાઇ છે. જેમાં મહેસાણાની સસ્તા અનાજની દુકાનના 3 સંચાલકો અને સિદ્ધપુર શહેરનો એક વચેટિયો પણ છે. ક્રાઈમ બ્રાન્ચે પાંચે આરોપીઓના રિમાન્ડ મેળવી અનાજ કૌભાંડના તાર ક્યાં સુધી ફેલાયેલા છે તે જાણવા આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે.

બીજી બાજુ, અનાજ કૌભાંડમાં મહેસાણા શહેરના જ ત્રણ સંચાલકોની ધરપકડ થતાં સબ સલામતની ડંફાશો મારતા જિલ્લા પુરવઠા વિભાગમાં પણ હલચલ મચી ગઇ છે. ઉલ્લેખનીય છે કે, ક્રાઈમ બ્રાન્ચે અનાજ કૌભાંડમાં ધરપકડ કરેલાં 13 આરોપી પૈકી 11 આરોપીઓ ઉત્તર ગુજરાતના હોઇ મહેસાણા સહિત ઉ.ગુ.ના જિલ્લાઓમાં મસમોટા અનાજ કૌભાંડનો પર્દાફાશ થાય તેવી શક્યતા તપાસ કરતી પોલીસે વ્યક્ત કરી હતી.

સરકારી સસ્તા અનાજની દુકાનમાંથી જે ગ્રાહકોએ અનાજ ખરીદ્યું ન હોય તેમના ઓનલાઈન ખોટા બિલો બનાવવા રેશનિંગની દુકાનોના સંચાલકો પાસેથી માહિતી મેળવી ખોટા બિલો બનાવી આવા ગ્રાહકોના અનાજનું બારોબારિયું કરવાના કૌભાંડનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 15 દિવસ અગાઉ પર્દાફાશ કરી 8 શખ્સોની ધરપકડ કરી હતી. જેમની પૂછપરછમાં મહેસાણાના 3, સિદ્ધપુર અને અમદાવાદના એક-એક મળી વધુ 5 શખ્સોનાં નામ ખૂલતાં ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. જેમની પૂછપરછમાં સિદ્ધપુરના શખ્સની ભૂમિકા વચેટિયા તરીકે, જ્યારે મહેસાણાના 3 સંચાલકોએ અનાજ ખરીદ કરેલ ન હોય તેવા ગ્રાહકોના ખોટા બિલો બનાવી સરકાર તેમજ ગ્રાહકો સાથે છેતરપિંડી કરી હોવાનું ખૂલ્યું છે. જ્યારે બનાસકાંઠાના હિતેષ ચૌધરીને સેવ ડેટા નામની એપ્લીકેશન અમદાવાદના નરોડાના શખ્સે બનાવી આપી હોવાથી તેની પણ ધરપકડ કરી પૂછપરછ શરૂ કરાઈ છે.

ઉત્તર ગુજરાતના 4 સહિત 5ની ધરપકડ

1. દિલીપસિંહ ધનાજી સોલંકી (સંચાલક) રહે. અક્ષરધામ ફ્લેટ, માલ ગોડાઉન રોડ, મહેસાણા 2. સાહિલખાન ઈબ્રાહિમખાન પઠાણ (સંચાલક) રહે. ગોરીવાસ, સિદ્ધપુરી બજાર, મહેસાણા 3. કનૈયાલાલ નગીનલાલ જયસ્વાલ (સંચાલક) રહે. ચરાડુ, તા.જિ. મહેસાણા 4. કમલેશ જીતેન્દ્રભાઈ મોદી (વચેટિયો) રહે.585, જૂની મિલની ચાલી, સિદ્ધપુર 5. હિતેષ નવનીતભાઇ ઘોડાસરા (એપ બનાવનાર) રહે. નવા નરોડા, અમદાવાદ

ઉ.ગુ.ના કુલ 11ની ધરપકડ
અનાજ કૌભાંડમાં અત્યાર સુધીમાં બનાસકાંઠાના 7, પાટણના 1 અને મહેસાણાના 3 મળી ઉત્તર ગુજરાતના 11 શખ્સોની ધરપકડ કરાઈ છે. આ કૌભાંડ મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાઓમાં ફેલાયેલું હોવાથી આગામી દિવસોમાં વધુ સસ્તા અનાજની દુકાનોના સંચાલકો અને વચેટિયાઓની ધરપકડ થાય તેવી સંભાવના છે.

ખોટા બિલો બનાવવા એપનો ઉપયોગ કરતા
ગેમસ્કેન અને સેવડેટા નામની એપ્લીકેશનમાં તમામ ગ્રાહકોના નામ, આધારકાર્ડ નંબર, રાશનકાર્ડ નંબર, સરનામુ, આગળની છાપોનો ડેટાસેવ કરી જે રેશનકાર્ડ ધારકોએ અનાજ ખરીદેલું ના હોય તેમના કાર્ડનંબર અને આધારકાર્ડ નંબરની માહિતી મેળવી તેમજ દુકાનના યુઝર આઈડી, પાસવર્ડ, દુકાનના કાર્ડ મેળવી ઓનલાઈન ખોટા બિલો બનાવવા માટે મોકલી આપવામાં આવતા હતા.

બનાસકાંઠા અનાજ કૌભાંડ તપાસ
દાંતા તાલુકાના 10 ગામોમાં 3500 પરિવારોનાં નિવેદન લેવાયાં, જેમાં કેટલાક પરિવારો ખેતમજૂર તરીકે બહાર રહેતા હોવાનું ખૂલ્યું છે.

ગેમસ્કેન એપમાંથી 53 સંચાલકોનાં નામ મળ્યા
ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી કબજે કરેલા 12 મોબાઈલ અને 4 લેપટોપની તપાસ કરતાં તેમાંથી ગેમસ્કેન અને સેવડેટા નામની એપ્લીકેશન મળી આવી હતી. ગેમસ્કેન એપમાંથી 35,692 એન્ટ્રી થઈ હતી. જેની તપાસમાં 3 ફિંગરપ્રિન્ટ ડીવાઈસના સિરિયલ નંબરના આધારે ડીસી કોડ અને યુઝર આઈડી અને પાસવર્ડ મળ્યા હતા. આ એપથી 53 સસ્તા અનાજની દુકાનધારકોના નામ સરનામાં મળી આવ્યા હતા.

સેવડેટા એપમાં 31 હજાર રેશનકાર્ડનો ડેટા છે
હિતેષ ચૌધરીએ અમદાવાદના હિતેષ ઘોડાસરા પાસેથી સેવડેટા એપ્લીકેશન બનાવી હતી. જેની તપાસ કરતાં આશરે 31 હજાર રેશનકાર્ડ ધારકોના ફિંગરપ્રિન્ટ, આધારકાર્ડ નંબર, રેશનકાર્ડ નંબર સહિતનો ડેટા મળી આવ્યો છે. જેના આધારે આગામી બે-ત્રણ દિવસમાં વધુ સસ્તા અનાજના સંચાલકોનાં નામ બહાર આવશે.

જિલ્લા પુરવઠા વિભાગની કામગીરી શંકાના ઘેરામાં
ક્રાઈમ બ્રાન્ચે અનાજ કૌભાંડનો પર્દાફાશ કર્યા બાદ મહેસાણાના 3 સસ્તા અનાજની દુકાનોના સંચાલકોની ધરપકડ કરી છે. બીજી બાજુ સમયાંતરે સસ્તા અનાજની દુકાનોનું ચેકિંગ કરાતું હોવા છતાં આટલું મોટું કૌભાંડ ધ્યાને નહીં આવતાં જિલ્લા પુરવઠા વિભાગની કામગીરી જ શંકાના ઘેરામાં છે.

અન્ય સમાચારો પણ છે...