મહેસાણા શહેરમાં છેલ્લા 12 વર્ષથી ઊભા કરી દેવાયેલા અને અત્યાર સુધી નગરપાલિકાને વેરા પેટે એક ફદિયું પણ ન આપનારી મોબાઈલ કંપનીના ટાવરો પાસેથી કરોડો રૂપિયાનો બાકી નીકળતો વેરો વસૂલવા નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખે અલ્ટીમેટમ આપ્યું છે. આગામી 31 માર્ચ સુધી પાલિકાનો વેરો ના ભો તો અંદાજિત 50થી વધુ મોબાઈલ કંપનીના ટાવરોને સીલ મારી દેવામાં આવશે. એવિએશન કંપની વેરો નહીં ભરે તો તેને પણ સીલ કરાશે.
રાજ્ય સરકારે 2011માં મોબાઈલ કંપનીઓના ટાવર પાસેથી વેરો વસૂલવાની નગરપાલિકાને સત્તા આપી હતી. આમ છતાં મહેસાણા નગરપાલિકા દ્વારા અત્યાર સુધી 50થી વધુ મોબાઈલ કંપનીના ટાવરો પૈકી એકપણ ટાવરનું માગણા બિલ પણ તૈયાર કરાયું નથી. આ બાબત નગરપાલિકાના ઇ. પ્રમુખ કાનજીભાઈ દેસાઈના ધ્યાને આવતાં તેમણે શનિવારે તમામ મોબાઇલના ટાવરોનો સર્વે કરી તેનું માગણા બિલ બનાવવા પાલિકાની ટીમોને સૂચના આપી હતી. તેમના જણાવ્યા મુજબ શહેરમાં આવેલા મોબાઈલ ટાવરો પાસેથી વેરા પેટે રૂ.3 કરોડથી વધુની રકમ લેવાની નીકળે છે.
આગામી દિવસોમાં આ તમામ કંપનીઓને માગણા બિલ મોકલી અપાશે અને 31 માર્ચ સુધીમાં જો વેરો નહીં ભરે તો 1લી એપ્રિલથી આ તમામ ટાવરોને સીલ મારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી વેરો નહીં ભરતા રીઢા બાકીદારોની મિલકતો સીલ મારવાની કાર્યવાહી કરાઇ રહી છે.
રીઢા બાકીદારોની અન્ય મિલકતોનાં પાણી અને ગટર જોડાણ કપાશે પાલિકા આવી દુકાનોને સીલ મારે છે, પરંતુ વર્ષોથી વેરો ન ભરતા આવા રીઢા બાકીદારોની મકાન અને ફેક્ટરી સહિતની અન્ય મિલકતોના પાણી અને ગટર જોડાણ પણ પાલિકા દ્વારા કાપી નાખવામાં આવશે તેમ ઇન્ચાર્જ પ્રમુખ કાનજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું. સોમવારે વેરો ન ભરે તો બ્લુ રે એવીએશન કંપની સામે પણ સીલ મારવાની કાર્યવાહી કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.