આજે પરશુરામ જયંતિ, રમઝાન ઈદ અને અખાત્રીજના તહેવારનો ત્રિવેણી સંગમ છે. ત્યારે મહેસાણા જિલ્લા એસપી અચલ ત્યાગી દ્વારા મહેસાણા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાયમ રહે તે માટે આજે સવારથી સાંજ સુધી 1200 જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ કોમી ભાઈચારા અને હર્ષોલ્લાસ સાથે તહેવારો ઉજવાય તે માટે અપીલ કરાઈ છે.
જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગીએ જણાવ્યું હતું કે પરશુરામ જયંતિ, અખાત્રીજ અને રમઝાન ઈદનો તહેવાર છે. ત્યારે કોમી એખલાસપૂર્ણ વાતાવરણમાં તહેવારોની ઉજવણી થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 71 પોલીસ અધિકારીઓના નેજા હેઠળ 1200 જવાનોનો ચુસ્ત બંદોબસ્ત આજે સવારે 6 વાગ્યાથી મોડી સાંજ સુધી રાખવામાં આવ્યો છે.
તમામ પોલીસ મથકો હેઠળના વિસ્તારમાં રહેતા હિન્દુ-મુસ્લિમ સમુદાયના લોકો સાથે મિટિંગ યોજી શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર યોજાય તેવી અપીલ કરાઈ છે. તેમજ ખાસ કરીને સંવેદનશીલ વિસ્તાર ગણાતા કડી, ખેરાલુ, નંદાસણ, વિજાપુર, વિસનગર, મહેસાણા શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફ ઉપરાંત તમામ બ્રાન્ચના સ્ટાફને રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી સોંપવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.