પ્રેરણામૃત:જ્ઞાન મેળવવા અહંકારનો ત્યાગ કરવો પડે : મુનિરાજ

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા ઉપનગર જૈન સંઘમાં મુનિરાજ રાજપુણ્યવિજયજીનું નમ્રતાભાવ અંગે પ્રવચન

મહેસાણા ઉપનગર જૈન સંઘમાં શુક્રવારના પ્રેરણામૃતમાં મુનિરાજ શ્રી રાજપુણ્યવિજયજી મ.સા.એ કહ્યું કે, જીવનમાં કોઈપણ વ્યક્તિને આત્માની ઉપલબ્ધી ત્યારે જ થાય છે, જ્યારે તેઓ સાધના કરે છે. પણ સાધના અને સમર્પણમાં થોડો ફરક છે. સાધના એ પુલ જેવી છે, જેના ઉપર ચાલવામાં આવે તો જ સામે પહોંચી શકાય છે. જ્યારે સમર્પણ તો ટ્રેનના ડબ્બા જેવું છે એકવાર અહંકારનો ત્યાગ કરીને સમર્પણના ડબ્બામાં બેસી જવાનું થાય પછી તો એ જ આપણને લક્ષ્ય સુધી પહોંચાડી શકશે.

ગમે તેટલી સફળતા મળે પણ જો અહંકાર હોય નમ્રતાભાવ કે સમર્પણ ના હોય, તો એ સફળતાને નિષ્ફળતામાં પરિવર્તિત થતાં વાર નથી લાગતી. જ્ઞાનનાં સાચા પ્રકાશને મેળવવો હોય તો અહંકાર છોડવો જ પડશે. પ્રતિદિન કરાતી એક ક્રિયાને ઉદાહરણ તરીકે જોશું તો ખ્યાલ આવી જશે કે, જ્યારે પણ ઘરમાં કે ઓફિસમાં પ્રકાશની જરૂર હોય ત્યારે સ્વીચ દબાવતા હશો. એ સ્વીચ પણ ઝૂકે છે ત્યારે જ પ્રકાશ થાય છે.

આ પરિસ્થિતિ આ જ વાતનું નિરૂપણ કરે છે કે, ઘરનાં માત્ર એક રૂમમાં પ્રકાશ જોઈતો હોય તો પણ ઝુકવું જરૂરી છે. સ્વીચ પણ ના ઝૂકે તો પ્રકાશ ના થાય. તો આપણે તો આપણા સંપૂર્ણ આત્મામાં જ્ઞાનનો પ્રકાશ રેલાવવો છે. નમ્રતાભાવ નહીં આવે તો જ્ઞાનનો પ્રકાશ ક્યાંથી રેલાશે?

અરે, ગામડાની ઘટનાને આપણા પૂર્વજોની પ્રવૃત્તિને યાદ કરો તો પણ ખ્યાલ આવશે કે, તેઓ પાણી લેવા માટે કૂવા પાસે જતા હતા. બાલટીને કૂવામાં નાંખીને પછી ઝુકાવતા હતા. એક બાલટી પણ કૂવામાં ઝૂકે છે પછી જ તેમાં પાણી ભરાય છે. આપણે પણ જ્ઞાનનાં પાણીને ભરવા માટે જ્ઞાનીરૂપી કૂવા પાસે જઈએ. પરંતુ ઝુકીએ જ નહીં તો આપણે ય કેવી રીતે ભરાશું? સંક્ષેપમાં કહેવું હોય તો કહી શકાય કે, જ્ઞાન મેળવવા માટે અહંકારનો ત્યાગ કરવો, ઝુકવું, નમ્ર બનવું એ જ એક માત્ર વિકલ્પ છે.

અન્ય સમાચારો પણ છે...