પાલિકા દબાણ સ્પષ્ટ કરવામાં જ દબાણમાં?:ધારા વિદ્યાલય પાસે ટાયગર પાર્લર સીલ કરાયું,ચીફ ઓફિસરે કહ્યું-માલિકી પુરાવા રજૂ કરવા તક અપાઇ

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
સોમવારે પાલિકાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે ટાયગર પાર્લર સીલ કર્યું. - Divya Bhaskar
સોમવારે પાલિકાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે ટાયગર પાર્લર સીલ કર્યું.
  • ટીબી રોડ પર ગેરકાયદે બાંધકામ દૂર કરવા બબ્બે નોટિસ આપનાર પાલિકાએ સીલ કરતાં આશ્ચર્ય

મહેસાણાના ટીબી રોડ પર ધારા વિદ્યાલયની બાજુમાં આવેલ ટાયગર પાર્લરનું ગેરકાયદે બાંધકામ દૂર કરવા પાલિકાએ બબ્બે નોટિસ આપ્યા બાદ સોમવારે પાલિકાની ટીમે ગેરકાયદે વાણિજ્ય બાંધકામ હોઇ સીલ કરી કાર્યવાહી આટોપી લીધી હતી. જેને લઇ એક જ દબાણ સ્પષ્ટ કરવામાં નગરપાલિકા ખુદ કાર્યવાહી મુદ્દે દબાણમાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.

નાગલપુર સીમમાં ટીબી રોડ પર આવેલ ટાઇગર પાર્લર અને બાજુનું બાંધકામ ગેરકાયદે હોઇ દૂર કરવા રજૂઆતના પગલે નગરપાલિકાએ વિકાસ પરવાનગી વગરનું ગેરકાયદે દુકાનનું બાંધકામ દૂર કરવા ભોગવટેદારને તા. 10 અને 18 ફેબ્રુઆરીએ નોટિસ આપી હતી. જેમાં ગેરકાયદે બાંધકામ દૂર નહીં કરાય તો ભોગવટેદારના ખર્ચે દૂર કરાશે તેમ જણાવાયું હતું.

આ દબાણ દૂર કરવા નગરપાલિકા ટીમ સોમવારે પોલીસ બંદોબસ્ત સાથે સાંજે સ્થળ પર પહોંચી હતી. જ્યાં ટાઇગર પાર્લરવાળી મિલકત ગેરકાયદે વાણિજ્ય બાંધકામ હોઇ તેનો ઉપયોગ બંધ ન કરતાં સીલ કરવામાં આવે છે અને મંજૂરી વગર સીલ ખોલવું નહીં તેવી નોટિસ લગાવી હતી. આખું બાંધકામ ગેરકાયદે છે કે પછી રહેણાકમાં કોમર્શિયલ તે નક્કી કરવામાં પાલિકા ગોથા ખાઇ રહી છે.

જોકે, ચીફ ઓફિસર અલ્પેશ પટેલે કહ્યું કે, જે-તે વખતે નાગલપુર સીમમાં આ મિલકત આવતી હોઇ તેના પૂરતા ડોક્યુમેન્ટ પાલિકામાં જમા થયેલા નથી. સ્થળ પર મહિલાઓએ માલિકીના પુરાવા રજૂ કરવા સમય માગ્યો છે. ત્યારે કંઇ ખોટું ન થાય અને દસ્તાવેજ પુરાવા રજુ કરવા 10 દિવસની તક અપાઇ છે. ગેરકાયદે વાણિજ્ય ઉપયોગ ન થાય એટલે સીલ કાર્યવાહી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...