માથાકૂટ:મહેસાણાના વડોસણમાં પંચાયતની જમીન પર ફેંસિંગ કરવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ, ત્રણ લોકો ઇજાગ્રસ્ત

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા તાલુકા પોલીસ મથકમાં છ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ

મહેસાણા પાસે આવેલા વડોસણમાં ગ્રામ પંચાયતની જમીન મામલે ગામના બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી. મામલો ઉગ્ર બનતા ગામના છ જેટલા ઈસમોએ ધારીયા અને લાકડીઓ વડે હુમલો કરતા ત્રણ જેટલા લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. આ સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસમાં છ સામે નામજોગ ફરિયાદ નોંધાઇ છે.

મહેસાણા તાલુકામાં આવેલા વડોસણ ગામમાં પંચાયતની જમીન પર અગાઉ ફરિયાદીએ ફૂલો ઉગાડી તેના પર પાંજરા લગાવ્યા હતા. બાદમાં ગામના ઠાકોર અંબાલાલ અને તેમના પુત્રો મળી ગામ પંચાયતની જમીન પર ઉગાડેલા ફૂલના પાંજરા ઉખાડી ફેંકી દીધા હતા. બાદમાં ત્યાં હુમલો કરનાર ઈસમો વાડા માટે ફેંસિંગ કરી રહ્યા હતા ત્યારે ફરિયાદીએ કહેલું કે, આ જગ્યા ગ્રામ પંચાયતની છે અને કેમ અહીંયા ફેંસિંગ કરો છો? એમ કહેતા સામે પક્ષના ઠાકોર અંબાલા કુંવરજી ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને ગાળો બોલવા લાગ્યા હતા

બાદમાં મામલો વધુ બગડતા હુમલો કરનારના પુત્ર સહિત છ જેટલા ઈસમો ત્યાં ધારીયા અને લાકડીઓ લઇ આવી પહોંચતા ફરિયાદી પર હુમલો કર્યો હતો. હુમલાની જાણ ફરિયાદીના કાકા અને પરિવારને થતા તેઓ ફરિયાદીને છોડાવવા વસ્ચે પડતાં તેઓ પર ઇજાગ્રસ્ત થયા હતા.

ઇજાગ્રસ્ત થયેલા ત્રણ લોકોને 108 મારફતે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં ઇજાગ્રસ્ત થયેલા વિષ્ણુજી ગંગાજી ઠાકોરે ગામના ઠાકોર અંબાલાલ કુંવરજી, ઠાકોર જિતેન્દ્રજી અંબાલાલ, ઠાકોર દશરથજી હરચંદજી, મહેશજી ઉર્ફ ટીનાજી ભીખાજી ઠાકોર, પ્રવીણજી સોમજી ઠાકોર અને ઠાકોર કાંતિજી ધૂડાજી નામના ઈસમો સામે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...