તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોમાસુ અનલૉક,મહેસાણા લૉક:શહેરમાં એક કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ, ગોપીનાળા પાસે દીવાલ થઈ ધરાશયી

મહેસાણાએક મહિનો પહેલા
મહેસાણા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા પાણી પાણી
  • પાલિકાના પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી
  • વડાલીમાં સાૈથી વધુ 6 ઇંચ, સરસ્વતીમાં 4, વડગામમાં 3, જોટાણા-રાધનપુરમાં પોણા 3, બહુચરાજી-પાટણમાં સવા 2, અંબાજીમાં 2 ઇંચ વરસ્યો

ઉત્તર ગુજરાતમાં સામાન્ય રીતે 25 જૂને ચોમાસાની શરૂઆત થતી હોય છે. ચાલુ સાલે 8 દિવસ વહેલું ચોમાસુ પ્રવેશ્યું છે. ચાલુ સિઝને ચોમાસાનું પ્રવેશદ્વાર મહેસાણા રહ્યું છે. પ્રથમ દિવસે અરવલ્લી જિલ્લાને બાદ કરતાં 24 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.

ભારે વરસાદમાં ભમ્મરિયું નાળુ પણ જામ, ફસાયેલી લકઝરીને ફાયરે બહાર કાઢી
ભારે વરસાદમાં ભમ્મરિયું નાળુ પણ જામ, ફસાયેલી લકઝરીને ફાયરે બહાર કાઢી

2 સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ, 1 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ લાઇનના કારણે ચોમાસાના પ્રથમ દિવસે મહેસાણામાં માત્ર 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ઉ.ગુ.માં વડાલીમાં સાૈથી વધુ 6 ઇંચ, સરસ્વતીમાં પોણા 4 ઇંચ, વડગામમાં 3 ઇંચ, જોટાણા અને રાધનપુરમાં પોણા ત્રણ ઇંચ, બહુચરાજી અને પાટણમાં સવા બે અને દાંતા-અંબાજીમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, બીજીબાજુ વાવણીલાયક વરસાદથી ધરતીપુત્રોમાં આનંદ છવાયો હતો.

કારકુન ચાલીના 30 મકાનોમાં ચાલુ વરસાદે પાણી ઉલેચવાં પડ્યાં
કારકુન ચાલીના 30 મકાનોમાં ચાલુ વરસાદે પાણી ઉલેચવાં પડ્યાં

મહેસાણા શહેરમાં શુક્રવારે સાંજના 4થી 6 બે કલાકમાં સાડા ત્રણ ઇંચથી વધુ ઘોધમાર વરસાદ ખાબકતાં તમામ રસ્તા પાણીમાં ડૂબી ગયા હતા. ગોપીનાળાના એક ભાગમાં ચિક્કાર પાણી ભરાઇ ગયું હતું, આ દરમિયાન થિયેટર બાજુની દીવાલ સાથે બ્લોક ધસી પડી હતી. ભમ્મરિયું નાળુ પણ છલોછલ થઇ જતાં સિટી-1 થી 2માં આવન જાવન થંભી ગઇ હતી, અને ટ્રાફિક આંબેડકર બ્રિજ ઉપર વળતાં લાંબી કતારો જામી હતી.

શહેરના પરા ટાવર રામજી મંદિર રોડ પર વરસાદી પાણી ભરાતાં એક બાજુનો માર્ગ બંધ થઇ જતાં વાહનોની લાંબી લાઇન લાગી હતી.
શહેરના પરા ટાવર રામજી મંદિર રોડ પર વરસાદી પાણી ભરાતાં એક બાજુનો માર્ગ બંધ થઇ જતાં વાહનોની લાંબી લાઇન લાગી હતી.

જ્યારે રાધનપુર રોડથી મોઢેરા રોડ પર અંડરપાસના ખોદકામમાં પાણી ફરી વળ્યા હતા અને બંને બાજુના સર્વિસ રોડ ઉપર વાહનચાલકો ટ્રાફિકમાં ફસાયા હતા. શહેરની અંદરના નાના મોટા તમામ રસ્તા ઉપર પાણી ભરાઇ રહેતાં અનેક વાહનો બંધ પડી ગયા હતા. આમ, પહેલા વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાઇ રહેતાં તંત્રના પ્રિમોન્સૂન પ્લાનની પોલ ખૂલી ગઇ હતી. હજુ પણ ધ્યાન નહીં અપાય તો ચોમાસામાં આ સ્થિતિ રહેશે.

ગોપીનાળાનો એકબાજુનો રસ્તો બંધ કરવો પડ્યો
શહેરમાં ધોધમાર વરસાદના પગલે દર વર્ષની માફક ગોપીનાળામાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી. ભારે વરસાદના પગલે ગોપી સિનેમા પાસેની દીવાલ એકાએક ધરાશયી થઈ હતી. તો નાળામાં પણ પુષ્કળ પાણી ભરાઈ જતા એકબાજુના નાળામાં વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી.

ભારે વરસાદના પગલે બે નાળામાં પાણી ફરી વળ્યા
મહેસાણા શહેરને જોડતા બે મુખ્ય નાળા જેમાં એક ભમરીયું નાળુ અને એક ગોપી નાળુ છે. આ બને નાળા માં દર ચોમાસાની સીઝન માં સામાન્ય વરસાદ પડે તો પણ પાણી ભરાઈ જતા લોકો ને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે. ગોપી નાળામાં વરસાદી પાણી ન ભરાઈ રહે તેના માટે મોટરો પણ મુકવામાં આવી છે. જ્યાં સામાન્ય વરસાદ માં પણ ગોપી નાળાની સ્થિતિ પહેલા હતી એમ આજે પણ નજરે પડી રહી છે.

શહેરના અનેક વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાયા
મહેસાણા શહેરમાં બપોરે પડેલા વરસાદમાં શહેરમાં આવેલા પરા વિસ્તાર, સાર્વજનિક સ્કૂલ, ફુવારા સર્કલ પાસે પાણી ભરાઈ ગયા હતા. જ્યાં તંત્રની પ્રિ મોન્સૂન કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. તેમજ સામાન્ય વરસાદમાં પાણી ભરાવાથી નાગરિકો પણ પોતાના રસ્તાઓ બદલવા મજબુર બન્યા છે.

દુકાનમાં પાણી ઘૂસી જતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા
શહેરમાં પડેલા વરસાદ ના કારણે ઠેર ઠેર ઢીંચણ સમાં પાણી ભરાઈ ચુક્યા હતા, તો ક્યાંક નાળા તો ક્યાંક દુકાનો માં પણ પાણી ભરાયા હતા. શહેરમાં આવેલ ટાવર પાસેની એક ફ્લોર ફેકટરીની દુકાનમાં વરસાદના કારણે પાણી ભરાઈ ગયું હતું. જેના કારણએ દુકાનદાર પાણી ઉલેચતા જોવા મળ્યા હતા.

ઉત્તર ગુજરાતના 24 તાલુકામાં વરસાદની રમઝટ
મહેસાણા જિલ્લો :
મહેસાણામાં 89 મીમી, જોટાણામાં 69 મીમી, બહુચરાજીમાં 56 મીમી, કડીમાં 14 મીમી, વડનગરમાં 14 મીમી, વિસનગરમાં 10, ઊંઝામાં 3 મીમી
પાટણ જિલ્લો : સરસ્વતીમાં 27 મીમી, પાટણમાં 22 મીમી, શંખેશ્વરમાં 6 મીમી, સાંતલપુરમાં 5 મીમી અને ચાણસ્મામાં 2 મીમી
​​​​​​​બનાસકાંઠા જિલ્લો : વડગામમાં 74 મીમી, વાવમાં 33 મીમી, અમીરગઢમાં 20 મીમી, દાંતીવાડામાં 14 મીમી, લાખણીમાં 13 મીમી, પાલનપુરમાં 11 મીમી, કાંકરેજમાં 3 મીમી, ધાનેરામાં 2 મીમી અને ડીસામાં 1 મીમી
​​​​​​​સાબરકાંઠા જિલ્લો : વડાલીમાં 49 મીમી, વિજયનગરમાં 11 મીમી અને પોશીનામાં 5 મીમી

​​​​​​​

મોઢેરા રોડથી રાધનપુર રોડ પર વરસાદના કારણે ટ્રાફિકજામ થતાં ચાલુ વરસાદમાં વાહનચાલકો હેરાન પરેશાન થયા હતા.
મોઢેરા રોડથી રાધનપુર રોડ પર વરસાદના કારણે ટ્રાફિકજામ થતાં ચાલુ વરસાદમાં વાહનચાલકો હેરાન પરેશાન થયા હતા.

​​​​​​​પરા, વિસનગર લીંક રોડ સહિત વિસ્તારોમાં પાણી
શહેરના પરા ટાવર અંબાજી માતા મંદિર રોડ, સોમનાથ રોડ અંડરપાસમાં પાણી ભરાઇ રહેતાં સ્કૂલ સાઇડનો રસ્તો બંધ થયો હતો. ઊંઝા અંડરપાસમાં પાણી ભરાઇ રહેતાં ઓવરબ્રિજમાં વાહનોનો ટ્રાફિકજામ સર્જાયો હતો. નાગલપુર કોલેજ રોડ, મોઢેરા રોડથી અર્બન રોડ, વિસનગર લીંક રોડ, જીઇબી રોડ સાઇડ, અરવિંદબાગ રોડ, સંકેતનગરથી એકલવ્ય રોડ પર પાણી ભરાઇ રહેતાં વાહનચાલકો અને રાહદારીઓને આવન જાવનમાં મુશ્કેલી સર્જાઇ હતી.

હિરાનગર રોડ પર વરસાદ પાણી ભરાતાં જ્યાં નજર જાય ત્યાં પાણી જ પાણી દેખાતું હતું.
હિરાનગર રોડ પર વરસાદ પાણી ભરાતાં જ્યાં નજર જાય ત્યાં પાણી જ પાણી દેખાતું હતું.

વરસાદી પાણીના નિકાલ માટે ગટરનાં ઢાંકણાં ખોલ્યાં
​​​​​​​શહેરના સોસાયટી વિસ્તારોમાં પગથિયાં સુધી પાણી આવતાં નિકાલ માટે ગટરનાં ઢાંકણાં ખોલાયાં હતાં. બિલાડી બાગ ઓફિસ આગળ ઢાંકણું ખોલી ગટરમાં નિકાલ કરાયો હતો.

હીરાનગર, મામલતદાર રોડ પર વાહનો ખોટવાયાં
બિલાડીબાગથી આંબેડકર ચોક તરફ જતાં હીરાનગર રોડ પર ઢીંચણસમા પાણી ભરાઇ ગયા હતા. જેમાં એક રિક્ષા અને બાઇક ફસાઇ જતાં ધક્કા મારી બહાર કાઢવા પડ્યા હતા. ટી.જે. હાઇસ્કૂલથી મામલતદાર કચેરી તરફના રોડ પર એક સ્કૂટર બંધ પડતાં ચાલકને દોરીને બહાર કાઢ્યું હતું. મ્યુનિસિપલ ગ્રાઉન્ડનું કામ ચાલતું હોઇ હજુ મામલતદાર કચેરીના રસ્તેથી પાણી નિકાલની વ્યવસ્થા ન થતાં મુશ્કેલી યથાવત રહી છે.

આગાહી, આજે પણ ઉ.ગુ.માં હળવાથી પોણા ત્રણ ઇંચ સુધીના વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગાહી મુજબ, શનિવારે પણ સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે. જેના કારણે 2.5 મીમીથી પોણા ત્રણ ઇંચ સુધી વરસાદ વરસવાની શક્યતા છે. જોકે, આ વરસાદ સાર્વત્રિક નહીં રહે. વરસાદ દરમિયાન ભારે પવન સાથે ગાજવીજ થવાની શક્યતા પણ છે.

અન્ય સમાચારો પણ છે...