સમસ્યા:પાટણ અને મહેસાણા જિલ્લાના 4-4 તાલુકામાં જીઆઈડીસી જ નથી

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણના ધારાસભ્યના જવાબમાં વિધાનસભામાં ઉદ્યોગમંત્રીએ કહ્યું,સરકારી જમીન અને સુવિધા ધ્યાને લઇ નવી જીઆઇડીસી બનાવાશે

મહેસાણા અને પાટણ જિલ્લાના 4-4 તાલુકા હજુ સુધી જીઆઈડીસીથી વંચિત છે. 31 ડિસેમ્બર, 2021ની સ્થિતિએ મહેસાણામાં 8 અને પાટણમાં 5 જીઆઈડીસી કાર્યરત છે. બંને જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં એક-એક નવી જીઆઈડીસી સ્થપાઈ છે. આ માહિતી પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે વિધાનસભામાં પૂછેલા પ્રશ્નના પ્રત્યુતરમાં ઉદ્યોગ મંત્રીએ આપી હતી.

સ્થાનિક બેરોજગારોને ઘરઆંગણે રોજગારી મળી રહે તે જે તાલુકામાં જીઆઈડીસી ન હોય ત્યાં નવી સ્થાપવા શું કાર્યવાહી કરાઇ તેવા પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું કે, જીઆઈડીસીની સ્થાપનાથી આર્થિક પ્રવૃત્તિને વેગ મળે તે માટે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં નવી જીઆઈડીસી સ્થાપવા એકજથ્થે ઉપલબ્ધ સરકારી જમીન, નજીકના શહેરથી સૂચિત જગ્યાનું અંતર, ટ્રાન્સપોર્ટેશન સગવડ, અંડર ગ્રાઉન્ડ કે ઓવરહેડ વીજ લાઈન અને વીજ સબ સ્ટેશન તથા તેની ક્ષમતાની સુવિધા, નેશનલ-સ્ટેટ હાઈવે અથવા બ્રોડગેજ રેલવે લાઈનથી અંતર તથા સૂચિત જગ્યાને હયાત રોડથી મળતા એપ્રોચની સગવડ, ઔદ્યોગિક એકમ માટે જરૂરી પૂરતા પ્રમાણમાં પાણીની સગવડ વગેરે પરિબળો ધ્યાને લઇ, ઉપલબ્ધ સરકારી જમીનની માહિતી જીઆઈડીસી દ્વારા તેમની ક્ષેત્રિય કચેરીઓ પાસેથી મેળવવામાં આવી રહી છે. તે માહિતી મળ્યા બાદ જીઆઈડીસી સ્થાપવી યોગ્ય જણાએથી જે-તે જિલ્લા કલેક્ટરને સરકારી જમીન જીઆઈડીસીને ફાળવવામાં આવે ત્યારે વસાહત સ્થાપવાની બાબતે વિચારણા કરી શકાય તેમ જણાવ્યું હતું.

કાર્યરત જીઆઈડીસી
પાટણ જિલ્લામાં સિદ્ધપુર, રાધનપુર, ચાણસ્મામાં 1-1 અને પાટણમાં 2 તેમજ મહેસાણા જિલ્લામાં કડી, ખેરાલુ, વિસનગરમાં 1-1, મહેસાણામાં 3 અને વિજાપુરમાં 2

હાલમાં આ તાલુકામાં જીઆઇડીસી નથી
મહેસાણા જિલ્લો : સતલાસણા, ઊંઝા, વડનગર, બહુચરાજી
પાટણ જિલ્લો : હારિજ, સમી, શંખેશ્વર, સાંતલપુર

અન્ય સમાચારો પણ છે...