તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ગણેશ વિવાન બંગ્લોઝના બે મકાનોમાં ચોરી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણાના રાધનપુર રોડ પર તસ્કરો ત્રાટક્યા, બંને પરિવારો ઘરની બહાર સૂતાં હોઇ તક મળી
  • મકાનની પાછળ બેડરૂમની બારીનો સળિયો તોડી રૂ.3.93 લાખની મત્તા ચોરી ગયા

મહેસાણાના રાધનપુર રોડ પર ગણેશ વિવાન બંગલોઝમાં રવિવારે વહેલી સવારે તસ્કરો ત્રાટક્યા હતા. પરિવાર બહાર ઉંઘતો હોવાથી બેડરૂમના પાછળના ભાગનો સળિયો ઉંચો કરી અંદર ઘૂસી બંને મકાનમાંથી સોનાના દાગીના અને રૂ.35 હજારની રોકડ મળી કુલ રૂ.3.93 લાખની મત્તા ચોરી ગયા હતા. પોલીસે ઘટના સ્થળની મુલાકાત લઈ તસ્કરોને પકડવા કવાયત હાથ ધરી હતી.

ગણેશ વિવાન બંગલોઝના 73 નંબરના મકાન માલિક જીતેન્દ્રભાઈ પરસોત્તમ ભાઈ રામી અને તેમનો પરિવાર શનિવારે રાત્રે મકાનની બહાર ઉંઘ્યો હતો. મોડી રાત્રે મકાનના પાછળના ભાગે બેડરૂમની બારીનો સળિયો તોડી તસ્કરોએ અંદર ઘૂસી બેડરૂમની તિજોરીનું લોક તોડી રૂ.35 હજારની રોકડ રકમ તેમજ સોનાના દાગીનાની ચોરી કરી હતી. જ્યારે 67 નંબરના મકાનમાં રહેતા ગણેશભાઈ મફતલાલ પટેલનો પરિવાર પણ બહાર ઉંઘતો હોઇ તસ્કરોએ બારી તોડી બેડરૂમમાં ઘૂસી ડ્રોઅરમાં પડેલાં સોનાના દાગીના ચોરી ગયા હતા.

વહેલી સવારે બંને પરિવારો જાગતાં ચોરી થયાની જાણ થઈ હતી. બંને પરિવારની ફરિયાદના આધારે મહેસાણા તાલુકા પોલીસે અજાણ્યા શખ્સો સામે રોકડ અને સોનાના દાગીના મળી કુલ રૂ.3,93,200ની ચોરીનો ગુનો નોંધી એફએસએલ તેમજ ડોગ સ્કવોડની મદદથી તસ્કરોને પકડવા તપાસ શરૂ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ગણેશ વિવાન બંગલોઝની ફરતે ખુલ્લા ખેતરો હોવાથી તસ્કરોને ચોરી કરવા માટે મોકળું મેદાન મળી જાય છે. રાધનપુર રોડ ઉપર પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...