• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • The Youth In Kadi's Charol Was Tensed In The Flow Of Water, Even Though It Took More Than 10 Hours, No Help Was Received From The System.

નિષ્ફળ તંત્ર, લાચાર લોકો:કડીના ચારોલમાં યુવક પાણીના વહેણમાં તણાયો, 10 કલાકથી વધુ સમય થયો હોવા છતાં તંત્ર તરફથી કઈ મદદ ન મળી

મહેસાણા3 મહિનો પહેલા
  • મામલતદાર અને TDO ડોકચિયું કરીને જતા રહ્યાં, ધારાસભ્ય પણ 3 કલાક બેસીને અંતે કંટાળીને નિકળી ગયા

મહેસાણા જિલ્લામાં ગઈકાલે રાત્રે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે જિલ્લાના કડી તાલુકામાં આવેલા ચારોલ ગામે આજે વહેલી સવારે એક યુવક ખેતરમાં જતા સમયે વરસાદી પાણીના વહેણમાં ડૂબી ગયો હતો. જેથી ગામમાં દુઃખની લાગણી છવાઈ છે. આ અંગે તંત્રને જાણ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. જેથી લોકોમાં રોષ જોવા મળ્યો છે.

બે મિત્રો સવારે ખેતરે જવા નીકળ્યાં, એક ડૂબ્યો
કડી તાલુકામાં આવેલા ચારોલ ગામે બે યુવક જેમાં 30 વર્ષીય અમરતજી અંબારામ ઠાકોર અને જવાનજી ઠાકોર નામના બે મિત્રો વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં પોતાના ખેતરે ગયા હતા જ્યાં જવાનજી ઠાકોર નામનો યુવક કુદરતી હાજતે ગયો હતો અને અમરતજી ઠાકોર નામનો યુવક થોડે આગળ પાણીના વહેણ નજીક પાણી જોવા જતા તે પાણીમાં તણાઈ ગયો હતો. જેથી બીજા મિત્રને જાણ થતાં તે મદદ માટે ગામમાં દોડી આવી બુમાબુમ કરી મૂકી હતી. બાદમાં ગામના લોકો તળાવ નજીક દોડી આવી યુવકની શોધખોળ આદરી હતી.

તંત્ર તરફથી કોઈ મદદ મળી નથીઃ સ્થાનિક
ચારોલ ગામમાં યુવકના ડૂબવાની ઘટના બનતા ગામમાં રહેતા દિલીપ સિંહ ઝાલાએ મહેસાણા ડિઝાસ્ટર કન્ટ્રોલમાં આ મામલે મદદ માટે જાણ કરી હતી. જોકે, દિલીપ સિંહના જણાવ્યાં પ્રમાણે સવારથી કોઈ અધિકારી જોવા આવ્યાં નથી. સ્થાનિક TDO અને મામલતદાર જોઈને નીકળી ગયા છે. તેમજ કડીના ધારાસભ્ય પણ ત્રણ કલાક રોકાઈને નીકળી ગયા હતા. ઘટનાને થયે દસ કલાકથી વધુ સમય થયો હોવા છતાં તંત્ર તરફથી કોઈ મદદ મળી નથી.
ગાંધીનગરથી ટીમ તપાસ માટે આવશેઃ ધારાસભ્ય
આ સમગ્ર મામલે દિવ્ય ભાસ્કરે કડીના ધારાસભ્ય કરશન સોલંકીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, હજુ કામગીરી ચાલું કરવામાં આવી નથી. ગાંધીનગરથી ટીમ આવ્યાં બાદ કામગીરી ચાલુ કરવામાં આવશે.

બે નાના બાળકનો પિતા પાણીમાં ગરકાવ
પાણીમાં ડૂબેલો યુવક ઠાકોર અમરતજી ખેત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. બે નાના બાળકો અને પત્ની સાથે ચારોલ ગામમાં વસવાટ કરે છે. આ ઘટના બાદ ગામમાં શોકની લાગણી છવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...