લગ્નની દાવતનાં દૃશ્યો:આખું ગામ ફૂડ-પોઇઝનિંગની ઝપટમાં આવ્યું એ સ્થળના વીડિયો, ચિકન-મટન બાદ દૂધીનો હલવો ખાતાં મહેમાનોની તબિયત બગડી

મહેસાણા7 મહિનો પહેલાલેખક: અપૂર્વ રાવળ
  • ફૂડ-પોઇઝનિંગની અસર બાદ જે ભોજન અધૂરું મૂક્યું એ હજુ પણ હટાવ્યું નથી
  • કેટરર્સની બેદરકારીના કારણે આ બનાવ બન્યો​ હોવાનું વઝીરખાન પઠાણે જણાવ્યું
  • તમામ લોકોની સારવારનો ખર્ચ વઝીરખાન પઠાણે ઉઠાવ્યો

કોંગ્રેસના નેતા વઝીરખાન પઠાણના પુત્ર શાહરુખ ખાનના લગ્ન પ્રસંગમાં હાજર રહેલું આખેઆખું સવાલા ગામ ફૂડ-પોઇઝનિંગની ઝપટમાં આવી ગયું છે, જેમાં 1221 લોકોને ફૂડ-પોઇઝનિંગની અસર થઈ છે. ત્યારે જે સ્થળે ભોજન સમારંભ રખાયો હતો ત્યાંના વીડિયો સામે આવ્યા છે. એમાં જોવા મળે છે કે જ્યાં ભોજન બનાવ્યું એ સ્થળ ગંદકીથી ખદબદી રહ્યું છે. લોકોએ ફૂડ-પોઇઝનિંગની અસર બાદ જે ભોજન અધૂરું મૂક્યું એ હજુ પણ હટાવ્યું નથી. આજે એના એ જ સ્થળે વેજ જમણવાર પણ યોજાવાનો હતો. કેટરર્સની બેદરકારીના કારણે આ બનાવ બન્યો ​​​​​​હોવાનું વઝીરખાન પઠાણે જણાવ્યું હતું. જ્યારે તમામ લોકોની સારવારનો ખર્ચ પણ વઝીરખાન પઠાણે ઉઠાવ્યો છે. આ અંગે વાત કરતા કરતા તેઓ રડી પડ્યા હતા.

મટન બાદ દૂધીનો હલવો અને ફૂટ્સ સલાટ પીરસ્યા
દાવતમાં વિવિધ પ્રકારની વાનગી બનાવવામાં આવી હતી. જોકે ભોજન લેતાં જ 1200થી વધુ લોકોની હાલત ખરાબ થઈ ગઈ હતી. જમવામાં મટન બાદ, દૂધીનો હલવો, ફૂટ્સ સલાટ જેવી વાનગીઓ ખાતાં એકાએક લોકોને ઊલટીઓ થવાનું શરૂ થતાં દોડધામ મચી જવા પામી હતી. જ્યારે આ વાનગી જે સ્થળે બનાવી એના વીડિયો સામે આવ્યા છે. એમાં જોઇ શકાય છે કે સ્થળ ગંદકીથી ખદબદી રહ્યું છે.

ફૂડ-પોઇઝનિંગની અસર થતાં હોસ્પિટલો ઊભરાઈ
લગ્ન પ્રસંગમાં ભોજન આરોગ્યા બાદ મોટી સંખ્યામાં લોકોને ફૂડ-પોઇઝનિંગ થઈ જતાં તાત્કાલિક જે વાહન મળ્યાં એમાં બેસી વિસનગર, વડનગર, મહેસાણા સહિતની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મોડી રાત્રે જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ, મહેસાણા એસપી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હોસ્પિટલ દોડી આવ્યા હતા.

જમ્યા બાદ ઊલટીઓ થવા લાગી: દર્દી
આ અંગે દર્દી મહમદભાઈએ જણાવ્યું હતું કે જમવાને આવ્યા બાદ અચાનક ઊલટીઓ થવા લાગી હતી. મારા પરિવારમાં કુલ પાંચ લોકોને ઊલટીઓ થવા લાગી. એમાં ત્રણ દીકરી અને બાકીનાં પરિવારજનોને ઊલટીઓ થતાં સારવાર માટે આવ્યા છીએ. મને પણ અસર થઈ હતી, ઇન્જેક્શન લીધા બાદ સારું છે.

કેટરર્સના કર્મચારીઓને પણ અસર થઈ
લગ્નમાં દિલ્હી દરબાર નામના કેટરર્સ દ્વારા જમવાનું બનાવવામાં આવ્યું હતું. કેટરર્સના કર્મચારીઓએ જણાવ્યું હતુ કે અમે મુંબઈથી કામ કરવા આવ્યા છીએ. રાત્રે કામ કર્યા બાદ હલવો અને ચિકન ખાધા બાદ પેટમાં ગડબડ થવા લાગી હતી અને ઊલટી થઇ હતી. દાવતમાં 20 હજાર લોકો ઉપસ્થિત હતા. ઘણા લોકોને આવું થયું હતું. એમાં અમારા ગ્રુપમાં 10 લોકો પણ ભોગ બન્યા છે. અમને અમારો માલિક મહેસાણા સિવિલ ખાતે સારવાર માટે મૂકી ગયો છે. જોકે કેટરર્સના કર્મચારીએ માલિકનું નામ જણાવવાનો ઇનકાર કર્યો હતો.

વઝીરખાન પઠાણ
વઝીરખાન પઠાણ

સંપૂર્ણ જવાબદારી કેટરર્સને આપનામાં આવી હતી
આ અંગે વઝીરખાન પઠાણે જણાવ્યું હતું કે, મારા ઘરે કોઇ પ્રસંગ હોય તો વધુમાં વધુ લોકો જમે તેવું આયોજન હું કરતો આવ્યો છું. આ વખતે પણ મારે છેવાડાના લોકોને ખવડાવવું હતુ તેથી કોરોના કાળમાં દિકરાના લગ્ન મૌકુફ રાખ્યા હતા. હવે કોરોના નિયમો હળવા થતાં દિકરાના લગ્નનું આયોજન કરી દેશની બ્રાન્ડ કહેવાય તેવા મુંબઇના દિલ્હી દરબાર કેટરર્સનો સંપર્ક કરી આ ઓર્ડર આપ્યો હતો. દાવતની સંપૂર્ણ જવાબદારી કેટરર્સને આપવામાં આવી હતી.

જે લોકોએ નોનવેજ ખાધા બાદ દુધીનો હલવો ખાધો તેમને અસર થઇ
રાત્રે જમ્યા પછી અચાનક લોકોને ઉલ્ટીઓ થવા લાગી. મે તપાસ કરતાં જાણવા મળ્યુ કે, જે લોકોએ નોનવેજ ખાધા બાદ દુધીનો હલવો ખાધો તેમને ફૂડ-પોઇઝનિંગની અસર થઇ હતી. લગ્નમાં 18થી 20 હજાર મહેમાનો આવ્યા હતા. જેમાંથી 1200 જેટલા લોકો ફૂડ-પોઇઝનિંગની ઝપેટમાં આવ્યા. હવે મોટાભાગના લોકોની તબીયત સારી છે. હોસ્પિટલથી પણ રજા અપાઇ છે.

કેટરર્સની બેદરકારીના કારણે આ બનાવ બન્યો
આમાં ભુલ કેટરર્સની છે. સંપૂર્ણ ધ્યાન કેટરર્સે રાખવાનું હતુ, પણ કેટરર્સની બેદરકારીના કારણે આ બનાવ બન્યો છે. જેટલા લોકો ફૂડ-પોઇઝનિંગની ઝપેટમાં આવ્યા તેમની સારવારનો તમામ ખર્ચ મે ઉઠાવ્યો છે. આમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનો મને ઘણો સ્પોર્ટ રહ્યો છે. મને બહુ દુ:ખ લાગ્યુ છે કે, મારા આંગણે જમવા આવેલા લોકો હેરાન થઇ ગયા.. આટલી વાત કરતા વઝીરખાન રડી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...