એલર્ટ:ધરોઇ ડેમમાં પાણી 617.12 ફૂટની સપાટીએ, આજે સાબરમતી નદીમાં પાણી છોડાશે

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સપાટી 619 ફૂટ થતાં 10થી 15 હજાર ક્યુસેક પાણી છોડાશેે, નદીકાંઠાનાં 7 જિલ્લામાં એલર્ટ
  • ડેમની ભયજનક સપાટી 622 ફૂટે પહોંચવા હજુ 4.88 ફૂટ પાણીની જરૂરિયાત

ધરોઇ ડેમના ઉપરવાસમાં છેલ્લા 24 કલાકમાં વરસેલા ભારે વરસાદના કારણે રવિવારે સવારે 8 કલાકે એક સેકન્ડમાં 7.23 લાખ લિટરની ઝડપે પાણીની આવક શરૂ થઈ હતી. એ સમયે ડેમની સપાટી 614.69 ફૂટ હતી. બપોરે 1 વાગ્યા સુધીમાં પાણીની આવક એક સેકન્ડમાં 31.17 લાખ લિટરે પહોંચી હતી. પાણીની સતત આવકના કારણે સાંજે 6 કલાકે ડેમની સપાટી 617.12 ફૂટે પહોંચી હતી.

બીજી બાજુ 10 કલાકમાં 2.43 ફૂટ સપાટી વધતાં જમણાકાંઠાની કેનાલમાં 500 ક્યુસેક એટલે કે એક સેકન્ડમાં 14 હજાર લિટર પાણી છોડવામાં આવ્યું હતું. ધરોઇ વિભાગના જણાવ્યા મુજબ, સોમવાર સુધીમાં ડેમની સપાટી 619 ફૂટે પહોંચશે તો 10 થી 15 હજાર ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવશે. આ માટે 7 જિલ્લાને એલર્ટ આપી સાવચેત કરાયા છે. ઉલ્લેખનીય છે કે, ધરોઇ ડેમની ભયજનક સપાટી 622 ફૂટની છે. આ સપાટી સુધી પહોંચવા હજુ 4.88 ફૂટ પાણીની જરૂરિયાત છે.

ઉત્તર ગુજરાતમાં 2 વર્ષ સુધી પીવાના પાણીની ચિંતા ટળી
ધરોઇ ડેમમાંથી વર્ષે 2600 એમસીએફટી જેટલું પાણી મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં પીવા માટે અપાય છે. 3500 એમસીએફટી જેટલું પાણી બાષ્પીભવન સાથે જમીનમાં ઉતરવાનો અંદાજ છે. એટલે કે, વર્ષ દરમિયાન 6100 એમસીએફટી પાણીની જરૂર જોતાં સિંચાઈ ઉપરાંત 2 વર્ષ સુધી 4 જિલ્લાને પીવાનું પાણી આપી શકાય તેટલું પાણી છે.

82 હજાર હેકટરમાં શિયાળામાં ત્રણ પિયત અપાશે
ધરોઇ ડેમમાંથી મહેસાણાના 111 ગામ, સાબરકાંઠાના 50 ગામ અને પાટણના 16 ગામમાં સિંચાઈનું પાણી અપાય છે. હાલની સ્થિતિએ આગામી શિયાળામાં 82 હજાર હેક્ટર જમીનને સિંચાઇનું પાણી પૂરું પાડી શકાશે.

અન્ય સમાચારો પણ છે...