ગેરસમજ:મતદાર યાદી સુધારણા ફોર્મ માટે વિધાનસભા બુથના બદલે પાલિકા ચૂંટણી બુથમાં પહોંચી જતાં ધક્કો પડ્યો

મહેસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા કર્વે હાઇસ્કૂલમાં મતદાર યાદી સુધારણા માટે લોકો આવ્યા હતા. - Divya Bhaskar
મહેસાણા કર્વે હાઇસ્કૂલમાં મતદાર યાદી સુધારણા માટે લોકો આવ્યા હતા.
  • ગેરસમજમાં બુથ બંધ હોવાના જિલ્લા અને તાલુકા કંટ્રોલરૂમમાં ફોન રણક્યા
  • અરજદારોને નગરપાલિકા ચૂંટણી બુથના બદલે વિધાનસભા ચૂંટણી બુથમાં જવા કહેવાયું

મહેસાણા જિલ્લામાં નવેમ્બર મહિના દરમ્યાન મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની ઝુંબેશના પ્રથમ રવિવારે સવારે 10 થી સાંજે 5 સુધી વિધાનસભા બેઠક વિસ્તારમાં સમાવિષ્ટ મતદાન મથકોએ મતદાર યાદીમાં નામ દાખલ કરવા, કમી કરવા, નામ, સરનામુ, સ્થળ બદલવા, સુધારા માટેનાં ફોર્મ ભરી બીએલઓને આપવા મતદારોનો ધસારો રહ્યો હતો. જોકે, વિધાનસભા બેઠકમાં જે શાળા-કોલેજ બુથ હોય તે પૈકી નગરપાલિકા ચૂંટણીમાં ઘણા મતદારો માટે શાળા-કોલેજ બુથમાં બદલાતાં હોય છે, જેના કારણે શહેરના ઘણા મતદારો જાણકારીના અભાવે વિધાનસભા પ્રમાણેના બુથના બદલે પાલિકા ચૂંટણી બુથે પહોંચી ગયા હતા, જ્યાં બુથની શાળા બંધ જોતાં કેટલાક મતદારોએ મામલતદાર કચેરીમાં ફોન કર્યા હતા. જ્યાં ફરજ પરના કર્મચારીઓએ વિધાનસભા ચૂંટણી બુથમાં જવા માર્ગદર્શન આપ્યું હતું.

મહેસાણા ડિઝાસ્ટર કંટ્રોલરૂમમાં ટીબી રોડ વિસ્તારના મતદારે ધારા વિદ્યાલય ખાતેના મતદાન મથકમાં ચૂંટણી કામગીરી બંધ હોવાની ફરિયાદ કરી હતી, વાસ્તવમાં આ મતદાન મથક વિધાનસભા ચૂંટણીમાં ન હોઇ ત્યાં રવિવારે કાર્યક્રમ ન હોવાનો મતદારને મેસેજ મોકલી તેમને વિધાનસભાના નાગલપુર કોલેજ ખાતેના મતદાન મથકે જવા સુચવાયું હતું. શહેરના વોર્ડ નં.11 પરા વિસ્તારની સંજયનગર પ્રા. શાળાના મતદાન મથકે ગયેલા ઘણા મતદારોને ફેરો પડ્યો હતો. સંજયનગરનું આ મતદાન મથક વિધાનસભાના બુથમાં આવતું નથી, પણ છેલ્લી નગરપાલિકાની ચૂંટણીમાં આ બુથમાં મતદાન કરેલું હોઇ તેવા મતદારો ત્યાં પહોચી ગયા હતા.

રજીસ્ટ્રેશન વગરની સોસાયટીના મતદારોને ધક્કો પડ્યો
શહેરના ઇન્દિરાનગર નજીક અચરજ હોમ્સ નવી સોસાયટી બની છે. તેમાં રહેતા કેટલાક મતદારોએ સરનામુ બદલાવીને અચરજ હોમ્સ મતદાર યાદીમાં કરાવવા ફોર્મ ભરવા ઇન્દિરાનગર બુથમાં ગયા હતા. જોકે, ફરજના કર્મીએ કહ્યું કે, આ સોસાયટી સેક્શન યાદીમાં નથી. મતદાર યાદી નાયબ મામલતદાર સૂત્રોએ કહ્યું કે, નવી સોસાયટી હોય તો અરજીમાં મકાનની સંખ્યા, અંદાજિત વ્યક્તિઓની સંખ્યા વગેરે સાથે કચેરીએ અરજી કરે ત્યાર પછી તે સોસાયટીનું નામ મતદાર સેક્શનમાં આવી જશે.

8 થી 10 કોલ આવ્યા
મહેસાણા મામલતદાર કચેરી મતદાર યાદી શાખાના સૂત્રોએ કહ્યું કે, રવિવારે 8 થી 10 કોલ આવ્યા કે બુથમાં કોઇ નથી, વાસ્તવમાં તેઓ વિધાનસભા બુથના બદલે ગેરસમજ કે અજાણતામાં નગરપાલિકા ચૂંટણી બુથમાં ગયા હતા. જેમને વિધાનસભા બુથમાં જવા સુચવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...