મહેસાણા તાલુકાના સૌથી મોટા ગોઝારિયા અને લાંઘણજ ગામોએ તાલુકો બનાવવા શરૂ કરેલી ચળવળ સત્તાધારી ભાજપ માટે માથાનો દુ:ખાવો બની રહી છે. ગોઝારિયા ગામના આગેવાનોએ તાલુકાની માંગ સાથે ગ્રામસભા યોજ્યાના બીજા દિવસે વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે યોજાયેલા સ્ટ્રીટ લાઈટ લોકાર્પણ કાર્યક્રમમાં ગામલોકોની નારાજગી સાથે વિરોધનો સૂર સ્પષ્ટ જોવા મળ્યો હતો.
સભાસ્થળે ગામલોકોની હાજરી ન હોઇ જાહેરસભા રદ
સભા સ્થળે ભાજપના હોદ્દેદારો અને જૂજ આગેવાનો સિવાય સભાસ્થળે ગામલોકોની હાજરી ન હોઇ જાહેરસભા રદ કરવી પડી હતી. જે બાબતે સંગઠનની ચિંતા વધારી છે. ગોઝારિયામાં ધારાસભ્ય નીતિનભાઈ પટેલની 24 લાખની ગ્રાન્ટમાંથી મેઉ ચાર રસ્તાથી ચરાડું ચાર રસ્તા સુધી સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવી છે.
નીતિન પટેલે વિકાસ કામોની મુલાકાત લીધી
સોમવારે સાંજે યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં આવી પહોંચેલા નીતિનભાઈ પટેલે જિલ્લા સદસ્ય મિહિર પટેલ, તાલુકા સદસ્ય કેતન પટેલ, તાલુકાના હોદેદારો સાથે ગામમાં થયેલા વિકાસ કામોની મુલાકાત કરી હતી. ત્યાર બાદ કેળવણી મંડળના હોલમાં સરપંચ રમેશભાઈ પટેલ, ક્રેડિટ સોસાયટીના ચેરમેન શૈલેશભાઈ પટેલની આગેવાનીમાં 25 થી વધુ આગેવાનો સાથે ગોઝારિયાને તાલુકો બનાવવાની ભલામણ કરવા અને સમર્થન આપવા રજૂઆત કરાઇ હતી.
નીતિન પટેલ સ્ટ્રીટ લાઈટનું લોકાર્પણ કરી નીકળી ગયા
સભા સ્થળે તાલુકા ભાજપ પ્રમુખ સી.એચ. પટેલ, મહેન્દ્ર ચૌધરી, ભોગીલાલ પટેલ, પૂર્વ સરપંચ પરેશ પટેલ સહિત માત્ર ભાજપના હોદ્દેદારો અને અગ્રણીઓ સિવાય ગ્રામજનોની પાંખી હાજરી વચ્ચે નીતિનભાઈએ મેઈન સ્વિચનું બટન દબાવી સ્ટ્રીટ લાઈટનું લોકાર્પણ કરી નીકળી ગયા હતા. આમ સરદાર પટેલ ચોક પાસે બનાવેલ જાહેર સ્ટેજ પર કોઈ નહીં આવતાં સભા બંધ રહેતાં આ મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.
સમય વહેલો હોવાથી લોકો હાજરી ના રહ્યા : રમેશ પટેલ
કેળવણી મંડળના હોલમાં અમદાવાદથી આવેલા 10 જેટલા આગેવાનો અને સરપંચ રમેશ પટેલ (મુખી)ની આગેવાનીમાં તાલુકા મુદ્દે રજૂઆત કરવામાં આવતાં નીતિનભાઈ પટેલે આગેવાનોનેગામમાં એકસંપ થવાની ટકોર કરાઇ હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, સમય વહેલો હોવાથી લોકોની હાજરી નહીંવત રહેતાં સભા યોજાઈ નથી તેમ અગ્રણી રમેશભાઇ પટેલે જણાવ્યું હતું.
બે જૂથ તાલુકા માટે એકજૂટ થયાં
ભાજપના ચુસ્ત સમર્થક એવા ગોઝારિયા ગામમાં બે જૂથો રહ્યા છે. હાલમાં તાલુકાનો દરજ્જો મેળવવા ગ્રામસભામાં એક થઈ એકતા બતાવતાં જિલ્લા ભાજપના આગેવાનો દોડતા થયા છે. તો જિલ્લાના બંને મોટા ગામે તાલુકા માટે દાવેદારી કરતા વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ સંગઠન માટે આ પ્રશ્ન શીરદર્દ બની રહ્યો છે.
...કયા જમાઈ સાસરીને તાલુકાની ભેટ આપશે?
હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સાસરી લાંઘણજ ગામ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની સાસરી ગોઝારિયા થાય છે. આમ, બંને ગામના આગેવાનો દ્વારા તાલુકાનો દરજ્જો મેળવવા તમામ રાજકીય તાકાત અજમાવી રહ્યા છે, ત્યારે કયા જમાઈ ગામને તાલુકો અપાવવામાં સફળ થશે? તેવી ચર્ચા ઊઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.