આદેશ:મનરેગાના પ્રમાણપત્રમાં તલાટી મંત્રી સહી નહીં કરે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળનો આદેશ

રાજ્ય તલાટી મંત્રી મહામંડળે તલાટીઓને મનરેગા યોજનામાં માત્ર કામોના ઠરાવો અને જોબકાર્ડનું કામ કરવા કહ્યું છે. આ ઉપરાંતની કામગીરીમાં સહીઓ ન કરવા આદેશ કર્યો છે. કેમકે કેન્દ્ર કે રાજ્ય સરકારની ગાઇડ લાઇનમાં આ કામગીરી તલાટી મંત્રીને કરવાનો કોઇ ઉલ્લેખ નથી.

રાજ્ય તલાટી મંત્રી મહામંડળના પ્રમુખ પંકજભાઇ મોદીએ જણાવ્યું છે કે, તલાટી મંત્રીઓને મનરેગા યોજના અંતર્ગતના કામોમાં ઓનલાઇન મસ્ટરમાં સહી કરવા ફરજ પાડવામાં આવે છે. કેન્દ્ર કે રાજ્ય સરકારની યોજના લક્ષી ગાઇડ લાઇનમાં ઓનલાઇન મસ્ટરમાં તલાટી મંત્રીની સહી લેવાની નક્કી કરાયું નથી. આ જવાબદારી મેટ અને ગ્રામ રોજગાર સેવકની છે.

મસ્ટર ઓનલાઇન નીકળતું હોવાથી તેમાં માનવીય ક્ષતિની કોઇ સંભાવના નથી. છતાં સહીનો બિનજરૂરી આગ્રહ રખાય છે. તલાટીની જવાબદારી માત્ર મનરેગાના કામોના ઠરાવો કરવા, જોબકાર્ડ આપવા પૂરતી છે. જેને લઇ મહામંડળે તલાટી મંત્રીઓને મનરેગાના સામૂહિક કે વ્યક્તિગત કામના ઓનલાઇન મસ્ટર કે કામના ફોટા કે કામ નિયમ મૂજબ પૂર્ણ થયાના પ્રમાણપત્રમાં સહી ન કરવાનો આદેશ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...