પ્રવચન:તીર્થંકર ભગવંતોનું સર્વોચ્ચ પ્રદાન એટલે મોક્ષમાર્ગનું પ્રવર્તન

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રીઉપનગર જૈન સંઘમાં પ્રવચનકાર પૂ.આચાર્યશ્રી જયસુંદર સૂરીશ્વરજી મ.સા.નું પ્રેરણામૃત

મહેસાણાના શ્રીઉપનગર જૈન સંઘમાં પ્રવચનકાર પૂ.આચાર્યશ્રી જયસુંદર સૂરીશ્વરજી મ.સા.અે તેમના પ્રેરણામૃતમાં કહ્યું હતુ કે, જૈન ધર્મના સિદ્ધાંતોમાં દરેક દરેક જીવોને પોત પોતાના કર્મો કૃત્થોનાં કર્તા અને તેના ફલો- પરિણામોના ભોક્તા મનાયા છે. સર્વ સારા-નરસા જીવોને સારા નરસા કર્મો કરાવવાનો કે કડવા-મીઠા ફળ ચખાડવાનો દોષ કોઈ એક નિર્દોષ આત્માને માથે મઢવામાં આવ્યો નથી. અખિલ વિશ્વ અનાદિ અનંત છે. આ પૃથ્વીનું સર્જન કોઈ અકસ્માત કે વિસ્ફોટથી થયું પછી બાલ્યાવસ્થા વિતાવીને અત્યારે યુવાવસ્થામાં વર્તી રહી છે. પત્થરયુગ, કાંસ્યયુગ એવી એવી કલ્પનાઓને જૈન ધર્મમાં સ્થાન નથી.

જૈન ધર્મના પ્રસ્થાપકો સર્વજ્ઞ તીર્થંકરો ભગવાન મહાવીર વગેરે એક સરખી વાત કરે છે કે ક્યારેક ક્યાંક ચડતો કાળ હોય છે, ક્યાંક પડતો કાળ હોય છે, તો ક્યાંક મધ્યમ દશાવાળો કાળ હોય છે. અત્યારે આ ક્ષેત્રમાં પડતો કાળ ચાલી રહ્યો હોવાથી ભલે બુદ્ધિ ઉત્તરોત્તર ભૌતિક સિદ્ધિના ઉચ્ચસ્તરો સર કરતી જતી હોય પણ જીવનમૂલ્યો પરમાર્થ, પરોપકાર, પ્રામાણિકતા, વિશ્વાસ, સહિષ્ણુતા વગેરે ઉચ્ચ કોટિના જીવનમૂલ્યો તો સતત ઘસાતા જાય છે. ગુન્હા અને ગુનેગારો વધતા જ જાય છે. તેમ છતાં આ પડતા કાળમાં પણ નિમ્નસ્તરના જીવોથી માંડી સિદ્ધ પરમાત્મા સુધીના ઉચ્ચસ્તર જીવન મુલ્યોનું પુનઃ પુનઃ પ્રસ્થાપન કરનારા સર્વજ્ઞ તીર્થંકર ભગવંતોનોપણ કાળે કાળે પ્રાદુર્ભાવ થતો જ રહે છે.

હજુ પણ એવા ઉત્તમ ઉત્તમોત્તમ સત્કર્મોની સરિતાઓ વહેતી રહી છે.શ્રીઋષભદેવ ભગવાને પૂર્વકાળમાં પ્રવર્તમાન અનેકાનેક ગેરરીતિઓ અનિષ્ટોને દફનાવીને સુયોગ્ય સર્વહિતકર રાજ્યવ્યવસ્થા, ધર્મ વ્યવસ્થા, ન્યાય, નીતિ, પ્રામાણિકતાના મૂલ્યો પ્રસ્થાપિત કર્યા.

શ્રીનેમિનાથ ભગવાને ઉચ્ચ કોટિના અનાસક્ત વિશુદ્ધ બ્રહ્મચર્ય સદ્ગુણ પ્રસ્થાપિત કર્યો, હજારો-લાખોનો ઉદ્ધાર કર્યો. શ્રીપાર્શ્વનાથ ભગવાને સંસારની ભડકે બળતી કુવાસનાઓની આગમાં શેકાતા હજારો આત્માઓનો ઉદ્ધાર કર્યો. ભગવાન મહાવીર સ્વામીએ ઘોર હિંસા, દુરાચારોની નિરંકુશતા અને લખલૂટ ઉપભોગવાદ પર લગામ તાણીને અહિંસા-સંયમ તપનો વાવટો વિશ્વમાં ફરકાવ્યો. બધા જ તીર્થકરોએ વિશુદ્ધ મોક્ષમાર્ગ પ્રસ્થાપિત કરી લાખો-કરોડોને કર્મબંધનથી મુક્તિ અપાવી.

અન્ય સમાચારો પણ છે...