ગેરસમજ:સ્પોર્ટસ સેન્ટરમાં સ્વિમિંગ માટે 250 સભ્યો પાસેથી બમણી ફી ખંખેરી લીધી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા પાલિકાએ ફી નક્કી કરી માસિક રૂ.500, ઉઘરાવી રૂ.1000
  • હવે પાલિકાની સૂચનાથી એજન્સી બીજા મહિને મજરે કે પરત આપશે

મહેસાણા નગરપાલિકા દ્વારા નિર્મિત અટલ સ્પોર્ટસ સેન્ટરના સ્વિમિંગ પુલમાં માસિક રૂ.500 ફી નક્કી કરાયેલી હોવા છતાં રૂ.1000 તેમજ રૂ.180 સર્વિસ ટેક્ષ સાથે રૂ. 1180 ફી વસૂલાતી હોવાની વિપક્ષ નેતાની રજૂઆત પછી હરકતમાં આવેલા સત્તાધિશો અને અધિકારીએ એજન્સીની પૂછપરછ કરી હતી. સુમાહિતગાર સૂત્રો મુજબ, એજન્સી સાથે વાતચીત થઇ તેમાં સ્વિમિંગ શિખવા આવનારને કોચિંગ, તેમને દેખરેખમાં રૂ.1000 ફી હોવાની ગેરસમજ હતી. એજન્સીએ જ ફી પરત કે મજરે આપવા સંમતી આપી છે. અંદાજે 250 થી 300 સભ્યો પાસેથી રૂ.500ના બદલે રૂ.1000 ફી વસૂલાઇ છે.

જેમને બીજા મહિને સ્વિમિંગમાં આવનારને મજરે આપશે કે પરત કરાશે.ચીફ ઓફિસર અલ્પેશ પટેલે કહ્યું કે, અટલ સ્પોર્ટ સેન્ટર લોકોની સુવિધા, સગવડો માટે ટેન્ડરમાં કરાયેલી શરતોનું પાલન કરવાનું હોય છે. પાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેને જો સભ્યોથી વધુ ભાવ લેવાયા હશે તો પરત આપવાના રહેશે તેમ સૂચવ્યું છે. રજૂઆત બાબતે જાણ થતાં એજન્સી સાથે મૌખિક વાતચીત થઇ છે. અટલ સ્પોર્ટસ સંકુલ પાટીદાર પ્લાઝા એજન્સીને સંચાલન માટે સોંપાયું છે. જેમાં નિયત કરતાં વધુ ફી લેવાઇ હોય તો પરત આપશે કે બીજા મહિને મજરે આપવાની રહેશે.

જો સ્ટેટ કે નેશનલ કક્ષા માટે સ્વિમિંગ સ્પેશિયલ કોચિંગ હોય તો વધુ ફી માટે પાલિકાની પૂર્વ મંજૂરી લેવાની રહે છે. આવી કોઇ મંજૂરી એજન્સીએ લીધી નથી કે પાલિકાએ આપી નથી. એજન્સીને શરતભંગ અંગે નોટિસ આપી વધુ ફી લેવાઇ હોય તેમને પરત કરવા તાકીદ કરાશે. નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેન કૌશિકભાઇ વ્યાસે કહ્યું કે, સ્વિમિંગ ફી જેવા કોઇ પ્રશ્નો ઉપસ્થિત થતા હોય તો તેના નિવારણ તેમજ દેખરેખ, સુચારું વ્યવસ્થા સૂચનો માટે અટલ સ્પોર્ટ સેન્ટર માટે ભવિષ્યમાં પાલિકા કમિટી બનાવશે.

અન્ય સમાચારો પણ છે...