મિલન:પરિણીતાના પ્રેમમાં પડેલા દીકરાનું પોલીસે માતા સાથે મિલન કરાવ્યુ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દારૂડીયા પતિના ત્રાસથી આધેડ મહિલા પુત્ર સાથે રહેતાં હતાં
  • 19 વર્ષનો દીકરો 30 વર્ષની પરિણીત મહિલા સાથે અમદાવાદ ચાલ્યો ગયો હતો

મહેસાણા જિલ્લાના આધેડ વયની માતાના દીકરાને પરિણીત મહિલા પાસેથી છોડાવીને પોલીસ સહાયતા કેન્દ્રએ દીકરાનું માતા સાથે મિલન કરાવ્યુ હતુ. દારૂડીયા પતિના ત્રાસથી આધેડ મહિલા બે સંતાનો સાથે અલગ રહેતા હતા. જિલ્લાના એક શહેરમાં દારૂડીયા પતિની મારઝુડથી કંટાળીને 40 વર્ષિય મહિલા પતિને છોડીને દીકરો અને દીકરી સાથે અલગથી રહેવા લાગ્યા હતા. જો કે, 19 વર્ષિય દીકરાને 30 વર્ષિય પરિણીત મહિલા સાથે પ્રેમ સંબંધ થઈ જતા તે માતાને છોડીને પરિણીત મહિલા સાથે અમદાવાદ રહેવા ચાલી ગયો હતો. તેથી માતાનો આધાર છીનવાઈ જતાં માતાએ પોલીસ સહાયતા કેન્દ્રનો સંપર્ક કર્યો હતો.

અરજદાર બહેન પાસે દીકરાનું સરનામુ નહી હોવાથી પોલીસ સહાયતા કેન્દ્રએ મહેનત કરીને દીકરાનો મોબાઈલ નંબર મેળવ્યો હતો. દીકરાને મોબાઈલ ઉપર વાતચીત કરતો શરૂ કરીને સહાયતા કેન્દ્રના યામીનીબેન રાઠોડ અને નિલમબેન પટેલે કાઉન્સેલીંગ શરૂ કર્યુ હતુ. 3 વખત મોબાઈલ ઉપર કાઉન્સેલીંગ કરાયા બાદ દીકરો માતા સાથે રહેવા તૈયાર થયો હતો. દીકરાને તેની ભૂલ સમજાતા માતાના ઘરે પરત આવી ગયો હતો. એકાદ માસ બાદ પોલીસ સહાયતા કેન્દ્રએ ફોલોઅપ લેતા હાલમાં માતા અને દીકરો સારી રીતે રહેતા હોવાનુ માલૂમ પડ્યુ હતુ. આમ, પોલીસ સહાયતા કેન્દ્રના પ્રયાસથી નિરાધાર માતાને દીકરો પરત મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...