મહેમાનગતિ મોઘીં પડી:મહેસાણાના વસાઇમાં લગ્ન પ્રસંગમાં આવેલા મહેમાનની ગાડીમાં તસ્કરો હાથ સાફ કરી ગયા

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મત તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મત તસવીર
  • પાર્ક કરેલી ગાડીમાંથી તસ્કરો સોનાના દાગીના તેમજ રોકડ રકમ ચોરી ગયા
  • તસ્કરો કુલ 80 હજારના મુદ્દામાલની ચોરી કરી રફુચક્કર

મહેસાણા જિલ્લામાં હાલમાં લગ્નગાળાની સિઝન ચાલી રહી છે. એવા સમયે તસ્કરો પણ આવા પ્રસંગમાં ચોરી કરવા માટે સક્રિય બન્યા છે. જિલ્લાના વસાઈમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા પરિવારના લોકોના સામાનની ચોરી થયાની ઘટના સામે આવી છે.

મહેસાણા જિલ્લાના વસાઈ ખાતે લગ્ન પ્રસંગમાં અમદાવાદથી આવેલા મહેમાનની ગાડીમાંથી ચોરી થઇ હતી. અમદાવાદથી આવેલો પરિવાર સાંજે પોતાની ગાડી રોડની સાઈડમાં પાર્ક કરી જમવા ગયા હતા. જ્યારે પાછા ફર્યા ત્યારે ગાડીમાં પડેલો સામાન ગાડીના કાચ તોડી અજાણ્યા ઇસમો ચોરી કરી ફરાર થઇ ગયો હોવાની જાણ થઇ હતી. આ અંગે ફરિયાદ નોંધાતા પોસીસે આગળની તપાસ હાથ ધરી છે.

મૂળ વિજાપુરના લાડોલના અને અમદાવાદ ખાતે રહેતા કમલેશ પટેલ પોતાના ભાણાની દીકરીના લગ્ન હોવાથી પોતાના પરિવાર સાથે વસાઈ ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા. એ દરમિયાન સાંજે પોતાની ગાડી સરકારી ડેરીની બાજુમાં દભલા ચોકડીથી ગોઝારીયા જતા રોડની સાઈડમાં પાર્ક કરી પોતાના પરિવાર સાથે જમવા ગયા હતા.

સાંજે જમીને પરત આવ્યા ત્યારે પોતાની ગાડીના આગળના અને પાછળના દરવાજાના કાચ તૂટેલા જોઈ ફરિયાદી ચોકી ઉઠ્યા હતા. ગાડીમાં તપાસ કરતા ગાડીમા મુકેલા થેલા અને સોનાંના દાગીના તેમજ રોકડ રકમ ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. તસ્કરો ગાડીમાંથી કુલ રૂપિયા 80 હજારના મત્તાની ચોરી કરી ફરાર થયા હોવાનું સામે આવ્યું હતું. આ અંગે કમલેશ પટેલે વસાઈ પોલીસ મથકમાં સમગ્ર મામલે અજાણ્યા ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...