હાલાકી:ખરાબ સ્કેનરના પાપે પાસપોર્ટ અરજદારોનો સમય બગડે છે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા પાસપોર્ટ ઓફિસમાં ચારેક મહિનાથી ડોક્યુમેન્ટ સ્કેનિંગમાં વધુ સમય લાગે છે

મહેસાણા પોસ્ટ ઓફિસ સંકુલમાં પાસપોર્ટ ઓફિસ કાર્યરત કરાતાં જિલ્લાના રહીશોને હવે પાસપોર્ટ કઢાવવા અમદાવાદ સુધી લાંબા થવું પડતું ન હોઇ ઘણી મોટી રાહત થઇ છે. જોકે, અહીં છેલ્લા ચારેક મહિનાથી સ્કેનર બરાબર કામ કરતું ન હોઇ ડોક્યુમેન્ટ સ્કેનિંગમાં વધુ સમય જતાં અરજદારોને બેસી રહેવું પડે છે. સ્કેનરમાં ઘણી વખત કાગળ ફસાઇ જવા જેવી ટેકનિકલ ખામીઓ સર્જાતી હોઇ સ્કેનર બદલવું જોઇએ તેવું અહીં પાસપોર્ટ કઢાવવા આવતા અરજદારોએ જણાવ્યું હતું.

મહેસાણા પાસપોર્ટ ઓફિસમાં અલગ અલગ ત્રણ ટેબલ પર ફરજ બજાવતા કર્મચારી, ઓફિસર દ્વારા એપોઇન્ટમેન્ટ સમય મુજબ ક્રમમાં આવતા અરજદારોના પાસપોર્ટના ડેટા તેમજ ડોક્યુમેન્ટ મેળવવા સહિતની પ્રક્રિયા કરાતી હોય છે. જેમાં ઘણા સમયથી એ-1 ટેબલ પર સ્કેનર ફોલ્ટવાળું હોઇ અરજદારદીઠ 6 મિનિટમાં કામગીરી પૂર્ણ થાય તેના બદલે 10 થી 15 મિનિટ લાગે છે.

રોજ 80 અરજદારોને એપોઇન્ટમેન્ટ મુજબ બોલાવાય છે. જેમાં 8 થી 10 રિજેક્ટ થતી હોય છે, જ્યારે મોટાભાગે ડોક્યુમેન્ટ બરોબર હોય તેમની પ્રક્રિયા પૂર્ણ કરી લેવાતી હોય છે. જોકે, સ્કેનરમાં કાગળ ફસાઇ જવો, ફાટી જવાના ક્યારેક કિસ્સા બનતાં હોય છે. ત્યારે સત્વરે આ ટેકનિકલ ખામી દૂર કરી અરજદારોનો વેફડાતો સમય બચાવવા માંગ ઉઠી છે.બે દિવસ પહેલાં પાસપોર્ટ માટેની પ્રક્રિયા કરાવતાં અરજદાર સંજયભાઇ પટેલે કહ્યું કે, બપોરે 12 વાગ્યાની અમારી એપોઇન્ટમેન્ટ હતી અને સાંજે 5 વાગે પ્રક્રિયા પૂર્ણ કરી બહાર નીકળ્યા હતા. સ્કેનરમાં તકલીફ હતી. ડોક્યુમેન્ટ સ્કેનમાં મુશ્કેલી આવતાં વાર લાગી હતી.

રિઝનલ કચેરીમાં સ્કેનરની દરખાસ્ત કરેલી છે
પાસપોર્ટ ઓફિસના સૂત્રોએ કહ્યું કે, અમદાવાદ રિજનલ ઓફિસમાં સ્કેનર ફોલ્ટ અંગે જાણ કરાયેલી છે, પણ હજુ નવું સ્કેનર કે મરામત કરાઇ નથી. સ્કેનર બરોબર થયા પછી સ્કેનિંગમાં વેગ આવશે.

અન્ય સમાચારો પણ છે...