બેઠક:ગાંધી શોપિંગ સેન્ટરની દુકાનો બંધ રાખી સોમવારથી રિપેરિંગ શરૂ કરાશે

મહેસાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજમહેલ રોડ પરના શોપિંગ સેન્ટરના વેપારીઓની પાલિકાના ચીફ ઓફિસર સાથે બેઠક
  • વેપારીઓએ વધુ સમય માગ્યો, સીઓએ કહ્યું- રિપેરિંગ ના કરવું હોય તો દુકાનો ભાડાપટ્ટે નથી આપવી

મહેસાણાના રાજમહેલ રોડ પરના જર્જરિત મહાત્મા ગાંધી શોપિંગ સેન્ટરનું રિપરિંગ કરાવવા છેલ્લા 6 મહિનાથી પાલિકા કહી રહી છે. છતાં કરાવાયું નથી. ત્યાં શનિવારે મળેલી બેઠકમાં વેપારીઓએ થોડોક વધુ સમય આપવા માંગણી કરી હતી. જોકે, ચીફ ઓફિસરે સ્પષ્ટ ના પાડી દીધી હતી અને તાકીદ કરતાં આખરે 15 નવેમ્બરને સોમવારથી રિનોવેશનની કામગીરી શરૂ કરવા વેપારીઓએ તૈયારી દર્શાવી હતી.

જર્જરિત શોપિંગના કારણે મોટી દુર્ઘટના બને તે પૂર્વે નગરપાલિકા દ્વારા શોપિંગના તમામ વેપારીઓને સ્વખર્ચે રિપેરિંગ કરવા જૂન મહિનામાં પહેલી નોટિસ અપાઇ હતી. છતાં રિપેરિંગ કામ ચાલુ કરાયું ન હતું અને ગત સપ્તાહે શોપિંગની ગેલેરીનો છતનો ભાગ તૂટીને નીચે પડ્યો હતો. તેના બે દિવસ પૂર્વે 2 નવેમ્બરે પાલિકાએ શોપિંગનો ઉપયોગ બંધ કરવા બીજી નોટિસ પાઠવી હતી.

વેપારીઓએ સમયની માગણી કર્યા બાદ પણ રિપેરિંગ ચાલુ કર્યું ન હતું અને શનિવારના રોજ વેપારીઓએ ચીફ ઓફિસર અલ્પેશ પટેલ અને એન્જિનિયર જતીન પટેલ સાથે બેઠક કરી થોડોક વધુ સમય આપવાની માગણી કરતાં ચીફ ઓફિસરે સમય આપવાની સ્પષ્ટ ના પાડીને શોપિંગનું રિનોવેશન તમારે ના કરાવવું હોય તો અમારે દુકાનો ભાડાપટ્ટે આપવી નથી તેમ કહી આકરા તેવર બતાવતાં વેપારીઓએ રિનોવેશન પરવાનગીનો ઓર્ડર માગી સોમવારથી શોપિંગના ત્રણેય માળની ગેલેરી સહિતના ભાગનું રિપેરિંગ કરવાની તૈયારી બતાવી હતી. જેને પગલે હવે સોમવારથી મહાત્મા ગાંધી શોપિંગ સેન્ટરના રિનોવેશનની કામગીરી ચાલુ થશે.

વેપારીઓની માંગણી : રીસેલ દુકાનના ભાડામાં ઘટાડો કરો, બંધ લિફ્ટ ચાલુ કરી આપો
ચીફ ઓફિસર સાથેની મિટિંગમાં ગાંધી શોપિંગ સેન્ટરની દુકાનના માલિક વકીલ ઉજાસ યાજ્ઞિક સહિતના વેપારીઓએ કેટલીક માગણીઓ પણ મૂકી હતી. જેમાં શોપિંગના ટોયલેટની જે લાઈનો ચોકઅપ થાય છે તે રિપેરિંગ કરી આપવી, રીસેલ દુકાનના ભાડામાં કરાયેલો છ ગણો ભાવવધારો ઘટાડવો તેમજ લિફ્ટ ચાલુ કરી આપવા માટેનું કહેતાં લિફ્ટ માટે લાઈટ બિલ કોણ ભરશેના પ્રશ્નમાં વેપારીઓએ બિલ ભરવાની તૈયારી બતાવતાં ત્રણેય માગણીઓ સ્વીકારી આગામી જાન્યુઆરી મહિનામાં તેનું નિરાકરણ લાવવા માટેની હૈયાધારણા અને ખાતરી પણ ચીફ ઓફિસરે આપી હતી.

અન્ય સમાચારો પણ છે...