હાલાકી:સર્વર ધીમું રહેતાં આયુષ્યમાન કાર્ડ કઢાવવા આવતાં અરજદારોને ધક્કા

મહેસાણા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા તાલુકા આરોગ્ય કચેરીમાં કાર્ડ માટે સવારથી લાઇનો લાગે છે
  • આવકના દાખલા ઉપર પરિવારમાંથી એક જ વ્યક્તિનું કાર્ડ નીકળે છે

વાર્ષિક રૂ.4 લાખથી ઓછી આવક ધરાવતા લોકોને આરોગ્યની સેવા વિનામૂલ્યે મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્યમાન ભારત યોજના અમલી બનાવાઇ છે. જે માટે જરૂરી આયુષ્યમાન ભારત કાર્ડ કઢાવવા મહેસાણા ખાતે તાલુકા હેલ્થ કચેરીમાં આવતા લોકોને ઈન્ટરનેટ અને સર્વર ડાઉન રહેવાના કારણે લાંબી લાઈનો વચ્ચે ધક્કા ખાવા પડે છે.

મહેસાણા તાલુકા હેલ્થ કચેરી કેમ્પસમાં શહેર અને તાલુકાના અરજદારોને આયુષ્યમાન કાર્ડ કાઢી અપાય છે. છેલ્લા 10 દિવસથી સર્વર ડાઉન રહેતું હોઇ અરજદારોની લાઈનો લાગે છે. ઈન્ટરનેટ પણ ધીમું હોવાના કારણે કામમાં કલાકો લાગી રહ્યા છે. મહેસાણાનાં આનંદીબેન મોદી બુધવારે કાર્ડ કઢાવવા આવ્યા ત્યારે ઈન્ટરનેટ બંધ હોવાનું કહી તેમને પરત મોકલતાં રિક્ષા ભાડાના 80 રૂપિયા વેડફાયા હતા. પીલુદરાનાં ચેતનાબેન વાઘેલા અને ગઢાના મહાદેવભાઈ ચૌધરીને પણ પરત ફરવું પડ્યું હતું. ગામડામાંથી આવતા લોકોને કામ થયા વગર પરત જવું પડતું હોઇ યોગ્ય આયોજન કરવા માંગ ઉઠી છે.

તમામ સભ્યોનાં કાર્ડ ન નીકળતાં ધક્કો પડે છે
આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે આવકનો દાખલો, રેશનકાર્ડ અને તમામ સભ્યોના આધારકાર્ડ રજૂ કરવા પડે છે. જોકે, આવકના દાખલા ઉપર માત્ર એક જ કાર્ડ નીકળે છે. સર્વરમાં પ્રોબ્લેમના કારણે અન્ય સભ્યોના નામ ઓપન નહીં થતાં પરિવાર સાથે આવેલા લોકોને ધક્કો પડે છે.

માત્ર અડધો કલાકનો જ પ્રોબ્લેમ હોય છે : તંત્ર
આરોગ્ય વિભાગના આયુષ્યમાન ભારત કાર્ડની જવાબદારી સંભાળતાં ખુશ્બુબેને કહ્યું કે, આવકના દાખલા ઉપરથી એક વ્યક્તિનું કાર્ડ નીકળી ગયા બાદ તમામ સભ્યોનાં નામ તેમા એડ થઈ જશે, જે બાદમાં મળશે. જ્યારે એક જ પરિવારના ઘણા સભ્યોના કાર્ડમાં નામ દાખલ થયા બાદ સર્વરમાં એપ્રુવલ લેવાની હોઇ અડધો કલાક સમસ્યા રહ્યા બાદ નિયમિત થઈ જાય છે. સર્વરની કોઈ સમસ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...