મહેસાણામાં રાધનપુર રોડ પર કમળપથ નજીક ગટર લાઈનના કામ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખોદકામ સમયે ગેસની પાઇપલાઇન લીકેજ થતાં ભયાનક આગ લાગી હતી. તંત્રએ આગ તો તે જ દિવસે બુઝાવી દીધી હતી, પરંતુ ઘટનાના 6 દિવસ બાદ પણ આ ખાડો ખોદીને પૂરેપૂરો પૂરવામાં નહીં આવતાં સ્થાનિક રહીશોનો રસ્તો બંધ થઈ ગયો છે.
રાધનપુર રોડની 4-5 સોસાયટીઓમાં ભરાઈ જતા પાણીના નિકાલ માટે માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ દ્વારા ગત શુક્રવારે કમળપથ નજીક જેસીબીથી ખોદકામ કરાતું હતું તે સમયે જમીનમાં નીચેથી પસાર થતી સાબરમતી ગેસની પાઇપલાઇન લીકેજ થઈ ભયાનક આગ લાગી હતી. નજીકમાં પેટ્રોલપંપ હોઇ આખુ વહીવટી તંત્ર દોડતું થયું હતું અને પાણીનો મારો ચલાવી આગને બુઝાવી લીધી હતી.
શુક્રવારે બનેલી આ ઘટનાને 6 દિવસ વિતવા છતાં માર્ગ અને મકાન વિભાગ ખાડો ખોદી તેને પૂરવાનું ભૂલી ગયું છે. આગની ઘટનાથી વિસ્તારના 3000 પરિવારોએ ગેસનો પુરવઠો બંધ થતાં હાલાકી ભોગવી હતી. હવે ખાડો અધૂરો પૂરતાં પેટ્રોલપંપ પાછળ આવેલી રબારી વસાહતમાં રહેતા લોકોનો રસ્તો બંધ થઇ ગયો છે. આ અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારી ડી.આર. પટેલે જણાવ્યું કે, પાઇપ લાઇનનું ફાઈનલ થઇ જતાં પૂરવાની કામગીરી કરાવી દઉં છું.
મંગળવારે આવી જોઈને જતા રહ્યા હતા : રમેશભાઈ રબારી ( સ્થાનિક )
પેટ્રોલ પંપ પાછળ રબારીવાસમાં રહેતા રમેશભાઈ રબારીએ જણાવ્યું કે, આ ખાડાને લઈ રસ્તો બંધ થઈ ગયો છે. તંત્રના માણસો મંગળવારે આવ્યા હતા, પણ જોઈને જતા રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.