આદેશ:પાલિકાના 6 શોપિંગ સેન્ટરોની 80 દુકાનોનું ભાડું બાકી હોઇ પરત લેવાશે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 5 વર્ષથી 16.50 લાખથી વધુ ભાડુ બાકી હોઇ આકરું વલણ
  • લીઝ એગ્રીમેન્ટ રદ કરી દુકાનો સીલ કરવા ચીફ ઓફિસરનો આદેશ

મહેસાણા નગરપાલિકાએ શહેરમાં બનાવેલા 6 શોપિંગ સેન્ટરોમાં ભાડેથી આપેલી દુકાનો પૈકી 80 દુકાનના ભાડૂઆતોનું છેલ્લા 5 વર્ષનું કુલ રૂ.16.50 લાખથી વધુ ભાડુ બાકી હોઇ તેમને 7 દિવસમાં બાકી ભાડુ ભરો નહીં તો લીઝ એગ્રીમેન્ટ રદ કરી દુકાનનો કબજો પરત લેવાશે તેવી નોટિસ અપાઇ હતી. આ નોટિસો અપાયાના 7 દિવસ વિતી ગયા છતાં ભાડું ભરવા માટે એકપણ કબજેદાર નહીં આવતાં પાલિકાએ આકરી કાર્યવાહીનો નિર્ણય કરતાં આ 80 દુકાનો સીલ કરી કબજો પરત લેવા ચીફ ઓફિસરે અલ્પેશ પટેલે સોમવારે ઇમારત બાંધકામ લાગત શાખાને હુકમ કર્યો હતો.

શહેરમાં રાજમહેલ રોડ, મહાત્મા ગાંધી શોપિંગ સેન્ટર, પિલાજીગંજ, ટીબી રોડ, પરા તળાવ, પાલિકા નીચે રંગમહેલ ટેકરા મળી 6 શોપિંગ સેન્ટરોમાં કુલ 716 દુકાનો ભાડા એગ્રીમેન્ટથી અપાઇ છે. જેમાં દર વર્ષે દુકાન દીઠ નિયત ભાડુ પાલિકામાં જમા કરાવવાનું હોય છે, જેમાં પાલિકાને વર્ષે રૂ.19 થી 20 લાખ ભાડાની આવક થાય છે. જોકે, 80 જેટલી દુકાનનું ભાડું છેલ્લા 5 વર્ષથી ભરાયું ન હોવાનું પાલિકાની તપાસમાં બહાર આવતાં ગત સપ્ટેમ્બર મહિનાથી નોટિસો અપાતી હતી. 7 દિવસમાં ભાડાપેટે બાકી રકમ ભરવા નોટિસ છતાં ભાડૂઆત ન ફરકતાં આખરે આવી દુકાનો સામે એગ્રીમેન્ટની શરતભંગ હેઠળ કાર્યવાહી કરવા તજવીજ કરાઇ છે.

20થી 30 દુકાનોનાં ભાડૂઆતો જ ના મળ્યા
પાલિકા ટીમ આ શોપિંગ સેન્ટરોમાં ભાડૂઆતને નોટિસ બજાવવા ગઇ તો 20 થી 30 દુકાનો બંધ હતી. ભાડુઆત જ બહાર રહેતા હોઇ બાકી ભાડાની નોટિસ દુકાન બહાર ચીપકાવી દેવાઇ હતી. જ્યારે પાલિકાની પૂરતી કાળજીના અભાવે કે રહેમનજરમાં ભાડાપટ્ટાની બે-ત્રણ દુકાનો સળંગ કરી દેવાઇ છે, કેટલાકે બારી, બારણું અલગથી બહાર કાઢ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...