રિમાન્ડ મંજૂર:કડીમાં ટ્રકમાં દારુની હેરાફેરી કરવા મામલે બે આરોપીઓના રિમાન્ડ મંજૂર કરાયા

મહેસાણાએક મહિનો પહેલા

કડી પોલીસે થોડાં દિવસો પહેલાં ડાક ઘર લખેલી ટ્રકમાંથી વિદેશી દારુનો મોટાપાયે જથ્થો ઝડપ્યો હતો. જેમાં બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ કેસમાં કોર્ટ દ્વારા સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખવામાં આવી છે અને ગુનાના મૂળ સુધી જવાં આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે.
પોલીસે 20 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો
કડી તાલુકાના જાસલપુરથી સરસાવ જવાના રસ્તા ઉપરથી વિદેશી દારૂની હેરાફેરી કરતી ડાક ઘર લખેલી ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટાપાયે જથ્થો ઝડપવામાં આવ્યો હતો. જેમાં કડી પોલીસ સ્ટેશન સ્ટાફ કડી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ પર હતા. તે દરમિયાન પોલીસ સ્ટાફના માણસોને બાતમી મળતા તેઓએ જાસલપુરથી સરસાવ જવાના રસ્તા ઉપર એક પરપ્રાંતીય ટ્રકને ઝડપી હતી. તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કડી તાલુકાના જાસલપુરથી સરસાવ જવાના રસ્તા ઉપરથી ડાક ઘર લખેલી ટ્રકમાંથી 292 પેટી વિદેશી દારૂની મળી આવી હતી. જેની કિંમત ₹15 લાખ 9 હજાર 600 તેમજ ટ્રક મોબાઈલ સહિત કુલ કિંમત 20 લાખ 19 હજાર 600નો મુદ્દામાલ કબજે કરીને પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસમાં પોલીસે સોઢા વિનોદ અને પ્રકાશ મદનલાલને ઝડપી પાડ્યા હતા
કોર્ટ દ્વારા સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રખાઈ
આ કેસમાં કડી પોલીસે રિમાન્ડની માંગણી કરતા સરકારી વકીલ પરેશકુમાર દવે એ દલીલો કરી હતી કે, આરોપીઓ મુદ્દામાલ સાથે રેડ દરમિયાન ઝડપાઇ ગયા છે. તેમજ મુદ્દામાલ ખૂબ મોટી કિંમતમાં છે. આ વિદેશી દારૂ ક્યાંથી લાવામાં આવ્યો અને ક્યાં લઇ જવામાં આવતો હતો, તેની આરોપીઓની હાજરીમાં તપાસ કરવી જરૂરી છે. જેથી ગુનાના મૂળ સુધી જઇ શકાય. તેમજ આ ગુનામાં હજી કેટલા આરોપીઓ સંડોવાયેલા છે. તેની તપાસ કરવી જરૂરી છે. કોર્ટ સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી બે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...