તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:મહેસાણામાં સ્ટ્રીટલાઇટોનાં 207 ટાઇમર ખરીદી પાલિકા કંપની પાસેથી ખર્ચ વસૂલશે

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણામાં સ્ટ્રીટલાઇટનો અનુકૂળ સમય સેટ કરવા કંપનીના ઠાગાઠૈયા
  • સવારે 5-30ના બદલે 6-30 વાગે બંધ કરવા અને સાંજના 7-30ના બદલે 7 વાગે સ્ટ્રીટલાઇટ ચાલુ કરવા પાલિકાની સૂચના EESL કંપની ઘોળીને પી ગઇ

મહેસાણા શહેરમાં હાલ વહેલી સવારે 5.30 વાગે સ્ટ્રીટલાઇટો બંધ થઇ જાય છે, તો સાંજે 7 વાગે અંધારું થવા છતાં 7.30 વાગે ચાલુ થાય છે. પરિણામે લોકોને મુશ્કેલી સર્જાતી હોઇ સમય બદલવા EESL કંપનીને વારંવાર ફરિયાદો કરવા છતાં હજુ સમય બદલાયો નથી. આથી શહેરમાં સ્ટ્રીટલાઇટ મરામત, નિભાવણી સહિત ટાઇમર સેટનું કામ કરતી EESL કંપનીથી કંટાળેલી પાલિકાએ હવે શહેરના તમામ પોલને આવરી લઇ 207 ટાઇમર નવા ખરીદીને લગાવવા અને તેનો ખર્ચ કંપની પાસેથી વસૂલવા શુક્રવારે નિર્ણય કર્યો હતો.

શહેરમાં સ્ટ્રીટલાઇટ સાંજે 7 વાગે ચાલુ કરવા અને સવારે 6.30 વાગે બંધ કરવાની રજૂઆતો કારોબારી ચેરમેન સહિત પદાધિકારીઓને વિસ્તારમાં રહીશો દ્વારા મળતાં તેમણે યોગ્ય કરવા અધિકારીનું ધ્યાન દોર્યુ હતું. જેને પગલે ચીફ ઓફિસરે કંપનીના ઓનર્સ સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. પરંતુ ક્યારથી સમય બદલાશે તે અંગે સ્પષ્ટ પ્રત્યુત્તર ન મળતાં આખરે પાલિકારાહે જ નવા 207 ટાઇમર ખરીદી સંચાલન કરવાનો નિર્ણય લેવાયો હતો. ટાઇમરદીઠ અંદાજે રૂ.એક હજાર ખર્ચ થશે.

ચીફ ઓફિસર અલ્પેશ પટેલે કહ્યું કે, સમગ્ર રાજ્યના પાલિકા વિસ્તારોમાં એનર્જી એફીસીયન્સી ર્વિસ લી. દ્વારા સ્ટ્રીટલાઇટ મરામત અને નિભાવણીની કામગીરી કરાય છે. મહેસાણામાં સાંજે અંધારા પહેલાં 7 વાગે સ્ટ્રીટલાઇટ ચાલુ કરવી જોઇએ તેના બદલે 7.30 વાગે ચાલુ કરાય છે અને સવારે 6.30 વાગે બંધ કરવી જોઇએ તેના બદલે 5.30 વાગે બંધ થતી હોવાની શહેરીજનોની ફરિયાદો પાલિકામાં આવી રહી છે. ઇઇએસએલ કંપનીને લોકોને જાહેર રસ્તામાં અંધારાનો સામનો ન કરવો પડે તે રીતે સમય સેટ કરવા સૂચના આપવા છતાં સમયમાં બદલાવ ન કરતાં હવે નગરપાલિકા જ નવા ટાઇમર ખરીદ કરી લગાવશે અને તેનો ખર્ચ આ કંપની પાસેથી પાલિકા વસૂલ કરશે.

કંપનીનું ઓનલાઇન સમય બદલવાનું સોફ્ટવેર જ બંધ
સૂત્રો મુજબ રાજ્યમાં આ કંપની ઓનલાઇન સિસ્ટમનું કામ બીજી એજન્સી મારફતે કરાવે છે. જેમાં અંદાજે 5 કરોડ ડ્યુ હોઇ આંતરિક ડખામાં એજન્સીએ ટાઇમ ચેન્જ કરવાનું સોફ્ટવેર બંધ કરેલું લાગે છે.

પ્રાદેશિક કમિશ્નરને જિલ્લાની તમામ પાલિકાઓની ફરિયાદ
મહેસાણા ખાતે અગાઉ પ્રાદેશિક કમિશ્નર સાથે મળેલી બેઠકમાં જિલ્લાની તમામ પાલિકાના પદાધિકારીઓએ ઇઇએસએલ કંપનીને સ્ટ્રીટલાઇટ કામગીરીમાંથી મુક્ત કરવા ફરિયાદ કરી હતી. સ્ટ્રીટલાઇટ સર્વિસ બરોબર ન આપતી હોઇ સરકાર દ્વારા મૂકાયેલ આ કંપનીને પાલિકા કામગીરીમાંથી મુક્ત કરવા સામુહિક રજુઆત થયેલી છે.

આ 19 જગ્યાએ ખોટવાયેલાં ટાઇમર પાલિકાએ બદલ્યા
રાધનપુર રોડ પ્રાર્થના કોમ્પલેક્ષ, લકીપાર્ક મનમોહન લાયબ્રેરી સામે, રાધનપુર ચોકડી હાઇ માસ્ટપોલ, મગપરા, બીકે રોડ, હિના ટાઉનશીપ, ગાયત્રી મંદિર હાઇમાસ્ટ પોલ, ગુડલક શો રૂમ હાઇવે, જીઆઇડીસી, રંગોલી ફ્લેટ, ગોપીનાળા બહાર બાવલા આગળ, ધોબીધાટ સાંઇરામ લોજ, વિસનગર લિંક રોડ વન ટેન હોટલ, તોરણવાળી ચોક હાઇમાસ્ટ પોલ, ગંજબજાર હાઇમાસ્ટ પોલ, ચકેશ્વરી ફ્લેટ, અક્ષરધામ ફ્લેટ, રોયલ ફ્લેટ નિરમા ફેક્ટરી આગળ કંપનીના ટાઇમર ખોટવાયેલાં હોઇ પાલિકાએ મેન્યુઅલી જઇ સ્ટ્રીટલાઇટ ચાલુ- બંધ કરવી પડતી હતી. છેવટે ગત ઓગસ્ટમાં અહીં પાલિકાએ ટાઇમર બોક્સ ઇન્સ્ટોલ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...