મુખ્યમંત્રી સુધી રજૂઆત:લાંઘણજને તાલુકો બનાવવાની દરખાસ્ત હવે મહેસાણા પ્રાંત અધિકારીને મોકલાશે

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 31 ગામનો નવો લાંઘણજ તાલુકો બનાવવા મુખ્યમંત્રી સુધી રજૂઆત
  • 2 ડેલીગેટ અને 25 ગામોના સરપંચોએ લેટરપેડ સાથે સંમતી આપી હોવાનો દાવો

મહેસાણા તાલુકાના લાંઘણજ ગામને અલગ તાલુકો બનાવવા લાંઘણજથી 12 કિમીની ત્રિજ્યામાં આવતાં 31 ગામોના રહીશો છેલ્લા કેટલાક સમયથી માંગણી કરી રહ્યા છે. લાંઘણજ સહિત 25 ગામોના સરપંચ દ્વારા લાંઘણજને તાલુકો બનાવવાના ઠરાવ સાથે 25 એપ્રિલે મહેસાણા ગ્રામ્ય મામલતદારને રજૂઆત કરી હતી.

જેને પગલે આ દરખાસ્ત ગ્રામ્ય મામલતદાર કચેરી દ્વારા અભિપ્રાય સાથે આગળની કાર્યવાહી માટે પ્રાંત અધિકારીને મોકલવા તજવીજ હાથ ધરાઇ છે. મહેસાણા તાલુકામાં ગોઝારિયા અને લાંઘણજ એમ બે તરફથી તાલુકો બનાવવા માંગ ઉઠી છે. લાંઘણજ ગામ દ્વારા મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરાઇ છે.

જેમાં 33 ગામનો ટેકો હોવાનો દાવો કરાયો છે. જેમાં આજુબાજુની 12 કિમીની રેન્જમાં 50 ગામો આવે છે, જે સારા પાકા રોડ અને રેલવેથી લાંઘણજ સાથે સંકળાયેલા છે. લાંઘણજ તાલુકો બને તો ખૂબ જ સરળતાથી તાલુકા મથકે પહોંચી શકે તેમ હોવાનું જણાવ્યું છે. તાલુકા મથક બનાવવા માટે ઉપલબ્ધ સુવિધાઓને ટાંકી છે.

જેમાં પોલીસ સ્ટેશન, ગાયકવાડ સરકારે બનાવેલ સરકારી ગેસ્ટ હાઉસ, સરકારી હોસ્પિટલ તેમજ ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહ સુધીની શૈક્ષણિક સુવિધાનો સમાવેશ થાય છે.ઉલ્લેખનિય છે કે, શનિવારે રાત્રે ગોઝારિયા ગામના લોકોએ પણ ગોઝારિયાને તાલુકા જાહેર કરવાની માંગ સાથે ગ્રામસભા યોજી ચળવળ શરૂ કરી છે.

મહેસાણાના 18 અને કડી તાલુકાના 7 ગામ સંમત
લાંઘણજને તાલુકો બનાવવા માટેની દરખાસ્તને ટેકો આપનાર ગામોમાં લાંઘણજ, ચરાડુ, સાલડી, વડસ્મા, શંકરપુરા, હાડવી, જોરણંગ, ધનપુરા(જો), નવી શેઢાવી, જુની શેઢાવી, જમનાપુર, બદલપુરા, બળવંતપુરા, જેતલપુર, ભાકરીયા (ગેરતપુર), ચલુવા, પઢારીયા, આખજ જે હાલ મહેસાણા તાલુકામાં છે. જ્યારે ડાંગરવા, કરજીસણ, વડુ, નારોલા, ટાંકિયા, વડપુરા અને કૈયલ ગામ કડી તાલુકામાં છે. આ ઉપરાંત, મહેસાણા તાલુકા પંચાયતનાં સદસ્યા કલ્પનાબેન પટેલ તેમજ જિલ્લા પંચાયતનાં સદસ્યા મીનાબેન પટેલે પણ લાંઘણજને અલગ તાલુકો બનાવવા માટે ભલામણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...