સુવિધા:મહેસાણાના પરા અને બિલાડી બાગ વિસ્તારમાં ગટરનું પાણી ઉભરાવાની સમસ્યા હળવી થશે

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3.36 કરોડના ખર્ચે નવા બે ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશનની કામગીરી પૂર્ણતાએ

મહેસાણાના બિલાડી બાગ પાછળ ગાયત્રી મંદિર રોડ, કેનાલ તેમજ કલેક્ટર બંગ્લોઝ સામે રોડ ઉપર ભૂગર્ભ ગટરના પાણી કુંડીમાંથી ઉભરાઇને બહાર રસ્તામાં ફેલાવાની કાયમી બનેલી સમસ્યા સિટી 1 વિસ્તારમાં આગામી એક મહિનામાં હળવી થઇ જશે. આ બંને વિસ્તારમાં રૂ. 3.36 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટરના નવા પમ્પિંગ સ્ટેશન બનાવાની કામગીરી પૂર્ણતાએ છે. આગામી એક મહિનામાં તૈયાર થઇને કાર્યાન્વીત થઇ જશે તેમ નગરપાલિકાના સૂત્રોએ કહ્યું હતું.

શહેરમાં તાવડીયા રોડ, સોમનાથ રોડ, જીઇબી લીંક રોડ, ગાયત્રી મંદિર રોડ સાઇડ ગટરના જોડાણના પાણીનો નગરપાલિકાના બિલાડી બાગ ખાતે હયાત ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન મારફતે નિકાલ થતો હતો. જોકે આ પમ્પિંગ સ્ટેશનની ક્ષમતા ઓછી હોવાના કારણે ગટરના પાણી વારંવાર બેક મારીને પાછળ ગાયત્રી મંદિર તરફના રોડની કેનાલમાં જતા હોઇ વિસ્તારના રહીશો તોબા પોકારી ઉઠતા હોય છે. એમાયે પમ્પિંગની મોટર બળી જવાની સમસ્યા પણ વારંવાર સર્જાતી હતી. ત્યારે અહીંયાંના બિલાડી બાગમાં રોજ 6 મિલીયન લિટર ડ્રેનેજ પાણી પમ્પિંગ કરવાની ક્ષમતા ધરાવતું પમ્પિંગ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે, હવે ઇલેક્ટ્રીસિટીમાં એચ.ટી લાઇનના ટ્રાન્સફોર્મરની કામગીરી બાકી હોઇ આગામી 15 દિવસમાં ટ્રાન્સફોર્મર લાગશે અને નવું પમ્પિંગ સ્ટેશન ચાલુ થશે.

વિસ્તારમાં ગટરના પાણી બેક મારવાની સમસ્યા હળવી થશે. કલેક્ટર બંગ્લોઝ રોડ, પરા, ગાંધીનગર લીંક રોડ, ગાયત્રી મંદિર રોડ સાઇડના ગટરના પાણીનો પરા પમ્પિંગમાં નિકાલ કરાતો હતો. જ્યાં નવું 6 એમ.એલ.ડી ક્ષમતાનું પમ્પિંગ સ્ટેશન તૈયાર કરી દેવાયું છે. ત્યારે કલેક્ટર કચેરી બંગ્લોઝ રોડમાં બેક મારી ગટરના પાણી બહાર રોડ પર આવતા હતા, જે વધુ ક્ષમતાના પમ્પિંગ કાર્યવાન્વિત થયે સમસ્યા હળવી થશે. જોકે પરા પમ્પિંગમાં રાઇઝિંગ લાઇન બાદ હવે મેઇન લાઇન જોડાણની કામગીરી બાકી હોઇ આગામી એક મહિનામાં આ પમ્પિંગ સ્ટેશન કાર્યરત થશે તેમ ડ્રેનેજ શાખાના સૂત્રોએ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...