• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • The Prime Minister Will Address The Public Today At The Same Ground In Mehsana Where He Addressed The Rally In The 2017 Elections.

ભાજપનો ગઢ સાચવવા મોદી મેદાને:વડાપ્રધાને ભાવનગરમાં કહ્યું- 'હું જ્યારે પાઈપલાઈનથી પાણી આપવાની વાત કરતો ત્યારે કૉંગ્રેસના લોકો વિધાનસભામાં મારી મજાક ઉડાવતા હતા'

મહેસાણા2 મહિનો પહેલા

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાની સરકાર બનાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસના અંતરાલ બાદ ફરી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે મોદીની ગુજરાતમાં ચાર સભા છે, વડાપ્રધાને સૌપ્રથમ બપોરે એક વાગ્યે મહેસાણા જિલ્લાની 7 વિધાનસભાની બેઠકની સંયુક્ત સભા મહેસાણાના રાધનપુર ચાર રસ્તા નજીક એરોડ્રામ ખાતે સંબોધી હતી. જ્યાંથી તેઓએ દાહોદમાં સભા સંબોધી હતી. ત્યારબાદ મોદીએ વડોદરામાં સભા સંબોધી હતી. ત્યાંથી તેઓ સીધા જ ભાવનગર પહોંચી સભાને સંબોધી હતી.

'કમળના બટન પર તમે વોટ દબાવો વિકસિત ગુજરાતની ગેરંટી હું આપું છું'
વડાપ્રધાને કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી એટલે સમસ્યાઓના સ્થાયી સમાધાન માટે દિવસ રાત જહેમત કરનારી પાર્ટી છે.. ગુજરાતમાં જે જૂની પેઢીના લોકો છે એ બધાને ખબર છે કે, કૉંગ્રેસના શાસનમાં કેવી દશા હતી. દસકાઓ સુધી કૉંગ્રેસનું રાજ રહ્યું અને કેવું રહ્યું. કૉંગ્રેસ સરકારના કામ કરવાના તરીકા કેવા હતા તે જૂની પેઢી ક્યારેય ભૂલશે નહીં.

પાણીને લઈ કૉંગ્રેસ પર પ્રહારો કર્યા
ખરાબ પાણીના કારણે ચામડીના રોગ અને બીમારીઓ સામાન્ય વાત હતી. તેના કૉંગ્રેસ પાસે બે જ ઉપાય હતા. એક પોલિટિકલ લાગવગ હોય તો હેન્ડ પંપ લગાવવાનો અને બરાબર કટકીનું કામ મળતું હોય તો ટેન્કર ચલાવવાનું. હું પાઈપલાઈનથી પાણી આપવાની વાત કરતો ત્યારે કૉંગ્રેસના લોકો વિધાનસભામાં મારી મજાક ઉડાવતા હતા.

'ગુજરાતમાં સેમી કંડકટર બનાવવાનું કામ ધોલેરામાં થશે'
પીએમ મોદીએ કહ્યું કે, આજે દુનિયા સેમિ કંડકટર વગર એક ડગલું ચાલે નહીં, એ બનાવવાનું કામ ધોલેરામાં થવાનું છે. જેનો લાભ આખા દેશને થશે. દોઢ લાખ કરોડનું રોકાણ થશે. આ પ્રોજેક્ટના કારણે બે લાખ લોકોને રોજગારી મળવાની છે.

'મેરિટાઈમ મ્યુઝિયમથી લોથલ પર્યટનનું કેન્દ્ર બનશે'
પીએમ મોદીએ ભાવનગરમાં કહ્યું હતું કે, ભાવનગરના કિનારે લોથલમાં હિન્દુસ્તાનનું પહેલું મેરિટાઈમ મ્યુઝિયમ બની રહ્યું છે.જે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે દુનિયામાંથી લોકો આવી રહ્યા છે તે રીતે લોકો ભારતની મેરિટાઈમની તાકાતનું મ્યુઝિયમ જોવા માટે લોથલમાં આવશે.

'મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને મજબૂત કરી'
વડાપ્રધાને ભાવનગરમાં મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને યાદ કરી પોતાના બાળપણના કિસ્સાને યાદ કર્યો હતો. કહ્યું હતું કે, હું જ્યારે શાળામાં ભણતો હતો ત્યારે ભાવનગર કયા ખૂણામાં આવ્યું તેની પણ ગતાગમ ન હતી.એ વખતે અમારી શાળામાં એક નાટકનો કાર્યક્રમ હતો.એ સમયે અમારી શાળાના શિક્ષક હતા એમણે મને કૃષ્ણકુમાર સિંહજીનો રોલ ભજવવા પસંદ કર્યો હતો.મારો પહેલો પરિચય હતો આ ધરતી સાથે અને શરૂઆત હતી એ મહાપુરુષ સાથે.

મને રાજકારણની બારાક્ષરી હરિસિંહ દાદાએ શીખવાડી- PM મોદી
વડાપ્રધાને ભાવનગરમાં હરિસિંહ દાદાને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે, મારું તો સૌભાગ્ય છે કે, અમે હરિસિંહ દાદાની આંગળી પકડીને મોટા થયા છીએ.
બારાક્ષરી રાજકારણની કેમ લખાય તે હરિસિંહ દાદાએ મને શીખવાડ્યું છે.

ગુજરાતના નાગરિકો ગુજરાતને વિકસિત બનાવશે
વડોદરામાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, દુનિયાના વિકસિત દેશોની જેમ ગુજરાત પણ વિકસિત હોવું જોઈએ, ગુજરાતના નાગરિકો ગુજરાતને વિકસિત બનાવશે. માણસના જીવનમાં 25 વર્ષ મહત્વના હોય છે, તેવી જ રીતે ગુજરાતના અને દેશના જીવન માટે આગામી 25 વર્ષ અંત્યત મહત્વના છે. પહેલા ગુજરાતમાં છાસવારે તોફાનો થતાં હતા, અસામાજિક તત્વોની દહેશત હતી, ગાંધીનગરમાં બેઠેલા લોકો તેમને આશ્રય આપતા હતા, તે કોંગ્રેસના જમાનાની રાજનીતિ હતી. ભય અને ઉચાટનું વાતાવરણ હતું, તે વિકાસને રોકતુ હતું, પણ આપણે શરૂઆતમાં જ એવી આંખ લાલ કરી, એવી આંખ લાલ કરી કે....

આપણે 5માં નંબરે પહોંચી ગયા છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાત આજે ઓટો હબ, પેટ્રો હબ, કેમિકલ હબ અને ફાર્મા હબ બની ગયું છે. 300 કરોડ કરતા વધુ મુડીરોકાણવાળી ડઝનો કંપનીઓ આપણા વડોદરામાં છે, ઘણી જગ્યાઓએ એકપણ નથી હોતી. વડોદરા, હાલોલ, કાલોલ, દાહોદને જોડતો હાઇટેક એન્જિયરિંગ કોરીડોર બની જશે. આજે અહીં સાઇકલ બને છે, બાઇક પણ બને છે, રેલવે બને છે અને હવાઈ જહાજ પણ બનાવાના છે. 8 વર્ષ પહેલા ભારત દુનિયામાં 10માં નંબરની અર્થવ્યવસ્થા હતા, આટલા ટૂંકાગાળામાં આપણે 5માં નંબરે પહોંચી ગયા છે.

વડાપ્રધાન મોદીએ વડોદરામાં સભા સંબોધી હતી.
વડાપ્રધાન મોદીએ વડોદરામાં સભા સંબોધી હતી.

ઇકોલોજી અને ઇકોનોમીમાં સંતુલન જાળવ્યું
ભારત ઇકોલોજીમાં પણ મજબૂતી બનાવી રહ્યું છે, ઇકોલોજી અને ઇકોનોમીમાં સંતુલન જાળવ્યું છે, ઇકોલોજીમાં દુનિયામાં આપણે 8માં નંબરે પહોંચી ગયા છીએ. સૌરઉર્જામાં વિશ્વમાં ભારત 5માં નંબરે અને દેશમાં ગુજરાત પહેલા નંબરે પહોંચી ગયું છે. આ તો સયાજીરાવની નગરી છે. હું સયાજીરાવે બનાવેલી શાળામાં ભણીને આવ્યો છું. ગુજરાતમાં 20 વર્ષમાં ઉચ્ચ માધ્યમિક શાળાઓની સંખ્યામાં બે ગણો વધારો કર્યો છે, કોલેજ અને યુનિવર્સિટીઓની સંખ્યા પણ વધારી છે. વડોદરામાં જ ડિગ્રી અને ડિપ્લોમાની 30 કોલેજો બની ગઈ છે, વડોદરામાં જ ગતિ શક્તિ યુનિવર્સિટી બની રહી છે.

ભાજપે આસ્થાના સ્થળો વિકસિત કરવાનું કામ કર્યું
તમારા બધાના વેક્સિન લાગ્યા છે ને? મફતમાં લાગ્યા છે ને? કોરોના કાળમાં આપણે ખૂબ કામ કર્યું છે. ભાજપે આસ્થાના સ્થળો વિકસિત કરવાનું કામ કર્યું છે, આજે સદીઓ બાદ આ અમારું પાવાગઢનું મંદિર પર જૂન મહિનામાં ધ્વજ ફરકાવી છે. પાવાગઢ જવાની સંખ્યા હવે 5થી 6 ઘણી થઈ ગઈ છે, શનિવારે અને રવિવારે દોઢ લાખ ભક્તો દર્શને પહોંચે છે. લારી ગલ્લાવાળાઓને વ્યાજમુક્ત કર્યાં છે. આજે વડોદરા પાસે કંઇક માંગવા આવ્યો છું, હાથ ઉંચા કરીને કહો માંગુ?, આ વખતે આપણે મતદાનના બધા રેકોર્ડ તોડવા છે, તેમાંથી કમળ નીકળવા જોઈએ. બીજું મારું અંગત કામ કરશો? બધા વડીલોને મળો ત્યારે હાથ જોડીને કહેજો, આપણા નરેન્દ્રભાઈ વડોદરા આવ્યા હતા અને તમને પ્રણામ પાઠવ્યા છે.

અમે હંમેશા તમારી સાથે ઊભા છીએ: PM મોદી
દાહોદમાં વડાપ્રધાને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસે 60 વર્ષ રાજ કર્યું પણ આદિવાસીને રાષ્ટ્રપતિ ન બનાવ્યા. પંચાયતથી પાર્લામેન્ટ સુધી સરકાર હતી પણ તમારી ચિંતા ન કરી. રાહુલ ગાંધીનું નામ લીધા વગર પ્રહાર કરતા કહ્યું કે, એકભાઇ પદ માટે પદયાત્રા કરી રહ્યા છે અને આદિવાસીઓની વાત કરે છે, હું તેમને પૂછીશ કે જ્યારે ભાજપે આદિવાસી બહેનને રાષ્ટ્રપતિ બનાવ્યા ત્યારે ક્યાં હતા? તેમણે મોઢુ તો ન બતાવ્યું પણ ઉપરથી એમને હરાવવા માટે પેતરા કર્યા, આ કોંગ્રસની માનસિકતા છે. કોંગ્રેસ જીતે તો એ લોકો મોઢું જ ન બતાવે, અમે હંમેશા તમારી સાથે ઊભા છીએ.

હું આદિવાસી બહેનોના રોટલા ખાઇને મોટો થયો છું: PM મોદી
દાહોદની યાદો વાગોળતા વડાપ્રધાને કહ્યું કે, દાહોદ તો મારૂ જૂનુ ને જાણીતું એક ફોન કરીએ તો પણ કામ થઇ જાય. મારા ઘડતરમાં, સંસ્કારમાં તમારો મોટો ફાળો છે. હું આદિવાસી બહેનોના રોટલા ખાઇને મોટો થયો છું, એટલે આજે નિરાંતે વાત કરવાનું મન થાય છે. હું દાહોદમાં સાઇકલ પરેલ જતો, ધીરે ધીરે આખુ પરેલ ખતમ થઇ ગયું, કોંગ્રેસે કચ્ચરઘાણ વાળી દીધો. હું દિલ્હી ગયો અને મને પરેલ યાદ આવ્યું. તમને એવો પ્રધાનમંત્રી મળ્યો છે, જેને દાહોદની તમામ શેરીઓના નામ યાદ છે. હું દાહોદમાં હતો ત્યારે સંગમ ટ્રેલરવાળા મારા કપડા બનાવતા આજે એ મારા માટે જેકેટ લઇને આવ્યા છે.

કોંગ્રેસના જમાનામાં લોન નહોતી મળતી: PM મોદી
વિકાસની વાત કરતા વડાપ્રધાને કહ્યું કે, અમે ત્રણ કરોડથી વધુ પરિવારોને પાક્કુ ઘર આપ્યું, અને રોજગારી આપી. અમે ગામડાની પણ ચિંતા કરીએ અને વિશ્વ લેવલે ભારતની પણ ચિંતા કરીએ છીએ. હાઇવે બનાવ્યા, મેટ્રો-બુલેટ ટ્રેન લાવ્યા આદિવાસી વિસ્તારનો વિકાસ વધે તે માટે અનેક કામ કર્યા. વ્યપાર વધે તે માટે ભીમ,યુપીઆઇ લાવ્યા તો નાનામાં નાના માણસને ફાયદો થયો, વેપાર વધ્યો.1 08 લાવ્યા તો મેગા સીટી પૂરતી જ નહીં પણ ગામડાના લોકોને પણ સારવાર મળી રહી છે. એક સમયે દાહોદમાં પાણીના વલખા હતા, આજે દાહોદ સીટી સ્માર્ટ સીટી બની ગયુ છે. પહેલાંની સરકારમાં હેડપંપનો જમાનો હતો, તમારા દીકરાએ નળથી ઘર સુધી જળ પહોંચાડ્યું છે. દાહોદ જિલ્લાની દીકરીઓ નર્સીંગ ભણીને વિદેશ જઇ રહી છે. કોંગ્રેસના જમાનામાં લોન નહોતી મળતી, મળતી તો કટકી કરતા. કોંગ્રેસીઓ કહેતા આટલી લોન આપીએ પાંચ મરઘી લાવો, પાંચ ઇંડા લાવો આવી ડિમાન્ડ કરતા હતા. એ ડિમાન્ડ પૂરી કરવામાં જ આદિવાસી ભાઇઓ દેવામાં આવી જતા હતા.

કોંગ્રેસ તમને પછાત રાખવા ઇચ્છે છે: PM મોદી
મહેસાણાના રાધનપુર રોડ પર આવેલા એરોડ્રામ ગ્રાઉન્ડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભાને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મહેસાણાની માટીએ મને મોટો કરીને મારૂ ઘડતર કર્યું છે. મહેસાણા જિલ્લો ગુજરાતનું ભવિષ્ય નક્કી કરે છે, આ ચૂંટણી હું નથી લડતો, ગુજરાતની ચૂંટણી જનતા લડે છે. હવે તો ગુજરાતના યુવાનોએ વિજયનો ધ્વજ પોતાના હાથમાં લીધો છે. જ્યાં જાઉ ત્યાં એક જ નારો સંભળાય છે, ફીર એકબાર મોદી સરકાર...

કોંગ્રેસનું મોડેલ એટલે ભ્રષ્ટાચાર: PM મોદી
કોંગ્રેસ પર આક્ષેપ કરતા વડાપ્રધાને જણાવ્યું કે, કોંગ્રેસનું મોડેલ એટલે અબજો-ખરબોનો ભ્રષ્ટાચાર, કોંગ્રેસનું મોડેલ એટલે જાતિવાદ-પરિવારવાદ, સંપ્રદાયવાદ, કોંગ્રેસે સત્તામાં ટકી રહેવા ભાગલા પાડ્યા, અંદરો અંદર ઝઘડાવ્યા છે. કોંગ્રેસ તમને આગળ લઇ જવા નહીં પણ પછાત રાખવા ઇચ્છે છે, પરંતુ અમારી ગળથુંથીમાં છે, સૌનૌ સાથ સૌનો વિકાસ... વડાપ્રધાને વધુમાં કહ્યું કે,દેશના યુવાનોને અમારા પર ભરોસો છે, એટલે જ મને અવસર મળવાનો છે અને હું જ યુવાનોનું ભવિષ્ય બનાવીશ. દેશમાં કેવા દુષ્કાળ હતા એ યુવાનોને નથી ખબર, કુદરતના પ્રકોપ વચ્ચે આપણે ગુજરાતને આગસ વધાર્યું છે. પહેલાં વીજળીની ગામે ગામ સમસ્યા હતી, આજે જોઇ લો તમે ઘરે ઘરે વીજળી છે.

ગુજરાત વિશ્વભરમાં નંબર વન: PM મોદી
કોંગ્રેસનું મોડેલ હતું તમે વીજળી માંગો તો તમને ગોળીઓથી વિંધી નાખતા હતા. તમે કનેક્શન માંગો અને કદાચ આપે તોય વચ્ચે ભ્રષ્ચાર તો હોય જ, અમે એટલા કામ કર્યા છે કે, વિપક્ષ પ્રશ્ન પૂછતાં પણ મુઝાય છે. 20 વર્ષ પહેલા 55 લાખ વીજળીના કનેક્શન હતા આજે બે કરોડ થયા છે. 20 વર્ષ પહેલાં ગુજરાતમાં સૌરઉર્જાનો કોઇ અવકાશ નહોતો, આજે 8000 મેગાવોટ વીજળી સૌરઉર્જાથી ઉત્પન્ન થાય છે. 20 વર્ષ પહેલાં ગુજરાતમાં ગેસથી પેદા થનારી વીજળી 2 હજાર મેગાવોટ થતી, આજે 4 હજાર મેગાવોટ થાય છે. આજે ગુજરાત વિશ્વભરમાં નંબર વન છે, આજે તમે ઘરમાં વીજળી પેદા કરીને વેચી શકો છો. ગુજરાતને અંધકારના યુગમાંથી અજવાળામાં ભાજપ સરકારે લાવ્યું છે.

મહેસાણા જિલ્લામાં ઘરે ઘરે શિક્ષક: PM મોદી
પી.એમ મોદીએ કહ્યું કે, પહેલાં જવાની આવ્યા પછી ઘડપણ આવી જતું, એટલી મજૂરી કરવી પડતી પણ અમારી સરકારમાં ખેડૂતોને પાણી મળ્યું તો ખેડૂતોએ મન લગાવીને મહેનત કરી અને દુધ ક્ષેત્રે દુનિયામાં ગુજરાતે રેકોર્ડ તોડ્યા. તમે ઊંઝાનો દાખલો લઇ લો, વિશ્વસ્તરે દેખાઇ રહ્યું છે. આજે ગુજરાતમાં 12 લાખથી વધુ બહેનો પશુપાલનનો વ્યવસાય કરે છે. આપણો મહેસાણા જિલ્લામાં ઘરે ઘરે શિક્ષક છે. તમે ગમે ત્યાં જાઓ શિક્ષક મહેસાણાનો જ હોય. 20 વર્ષ પહેલાં મહેસાણાં એન્જિનિયરીંગની 600 સીટ હતી, આજે વધીને 2000થી વધુ થઇ છે.

મહેસાણાથી ગાડીઓ જાપાન જાય છે: PM મોદી
મહેસાણા જિલ્લાનો બેચરાજીનો પટ્ટો ઉધોગનું હબ બન્યો છે. મહેસાણાથી ગાડીઓ જાપાન જાય છે, હવે ઇલેક્ટ્રીક વાહનોનું હબ બનાવીને દુનિયાનું બજાર કબજે કરીશું. મહેસાણા જિલ્લો આત્મનિર્ભર બને તે માટે કંઇપણ કરીશું. આ તમારા દીકરાએ મહેસાણાથી આબુ-તારંગાની નવી રેલ લાઇન જોડવાનું કામ કર્યું, ધરોઇ ડેમથી અંબાજી સુધીના આખો પટ્ટો વિકાસનું મોડેલ બન્યો. તમે મને જીતાડવાનું તો નક્કી કરી દીધું છે, પણ વધુમાં વધુ મતદાન થાય એની તમારે ચિંતા કરવાની છે, ગામે ગામથી તમારે કમળ ખીલવાડવાનું છે, તમારો દીકરો તમારી પાસે માંગવા આવ્યો છે અને છેલ્લે વડાપ્રધાને કહ્યું કે, તમારે ઘરે ઘરે જઇને વડીલોને સંદેશો આપવાનો છે, બધાને કહેવાનું કે આપણા નરેન્દ્રભાઇ આવ્યા હતા અને તમને પ્રમાણ કર્યા છે. મહત્વનું છે કે 5 વર્ષ પૂર્વે 9 ડિસેમ્બર 2017ના રોજ આ જ મેદાન ઉપર મોદીએ ચૂંટણીસભા યોજી હતી.

આવતીકાલે પાલનપુર અને મોડાસામાં સભા કરશે
ઉત્તર ગુજરાતમાં અત્યારસુધી શુષ્ક જણાતા પ્રચારને વેગવાન બનાવવા મંગળવારે પાટણ જિલ્લામાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ચાણસ્મા અને પાટણમાં તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે થરાદ અને ડીસામાં, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સભાઓ સંબોધી હતી, જ્યારે આજે વડાપ્રધાન મહેસાણામાં જાહેરસભા સંબોધી હતી. જ્યારે આવતીકાલે પાલનપુર અને મોડાસામાં ચૂંટણીસભા સંબોધશે.

અન્ય સમાચારો પણ છે...