તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુકાદો:ખેરવામાં સોનાના દાગીના રોકડ પડાવી લેવા કેસમાં પૂજારી નિર્દોષ છૂટ્યાં

મહેસાણા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આરોપ બાદ કોર્ટના ધક્કા અને આર્થિક સંકડામણથી પૂજારીએ આપઘાત કર્યો હતો
  • ચીફકોર્ટે નિર્દોષ જાહેર કર્યા,મૂળ રાજસ્થાનના રાકેશભાઈ જોષી પૂજારી તરીકે રહેતા હતા

મહેસાણા તાલુકાના ખેરવા ગામના ચામુંડા માતાજીના મંદિરમાં પૂજા કરીને ગુજરાન ચલાવતા રાજસ્થાનના નાગૌરના રહેવાસી રાકેશભાઈ જોષીને મહેસાણાની ચીફ કોર્ટે તાજેતરમાં નિર્દોષ છોડી મૂક્યા છે. જો કે, કોર્ટનો ચુકાદો આવે તે પહેલાં પોતાની ઉપર લાગેલા આરોપને પગલે કોર્ટના ચક્કર અને આર્થિક સંકડામણથી કંટાળીને રાકેશભાઈ જોષીએ આત્મહત્યા કરી લીધી હતી.

ખેરવાના ચામુંડા માતાજીના મંદિરના પૂજારી દ્વારા યુવતીને વશીકરણ કરીને સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ રૂપિયા 97 હજારની મતા પડાવી લેવાના ચકચારી કેસમાં મહેસાણાની ચીફ કોર્ટે પૂજારી રાકેશભાઈ જગદીશભાઈ જોષી રહે.નકાદગેઈ, તા.જિ. નાગૌર(રાજસ્થાન) અને સત્યનારાયણ શ્રીરામ જોષી રહે.બુડસન, તા.મકરાણા, જિ.નાગૌર(રાજસ્થાન)ને નિર્દોષ જાહેર કર્યા છે.

પાંચ વર્ષથી કોર્ટના ચક્કર ખાઈ તેમજ આર્થિક સંકડામણના કારણે રાકેશભાઈ જોષીએ પોણા ચાર માસ અગાઉ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરી લીધા બાદ કોર્ટે નિર્દોષ જાહેર કરતાં મરણ બાદ ન્યાય મળ્યો તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે. મહેસાણાના છઠ્ઠા એડીશનલ ચીફ જ્યુડીશિયલ જજ એન.બી.પટેલે બચાવપક્ષના વકીલ ઉજાસભાઈ પી. યાજ્ઞિકની દલીલોને ગ્રાહ્ય રાખીને બંને આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવ્યા હતા.

વર્ષ 2016માં વશીકરણ કરીને દાગીના અને રોકડ રકમ લઈ લેવાનો આરોપ મૂકાયો હતો
ખેરવા ગામના સ્મિતાબેન રોહતકુમાર પટેલે તા.28-10-2016 ના રોજ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, તા.27-10-2016ના રોજ ડો.જયેશ પટેલના દવાખાને નર્સ તરીકે નોકરીથી બપોરે ઘેર આવી જમીને ઊંઘી ગયા બાદ તેણીના મોબાઈલ નંબર ઉપર એક ફોન આવ્યો હતો. ફોનમાં કહેલ કે, તમારા ઘરમાંથી પૈસા તથા દાગીના લઈને ચામુંડા માતાજીના મંદિરે આવો. જેથી તેણીને કોઈ ભાન રહ્યુ નહોતુ અને ઘરમાંથી રૂપિયા 85,800ના સોના-ચાંદીના દાગીના અને રૂપિયા 11,200 રોકડ રકમ મળીને કુલ રૂપિયા 97,000 ની વસ્તુ લઈ ચામુંડા માતાજીના મંદિરે ગઈ હતી.

જ્યાં આશરે 30 થી 35 વર્ષની વયના એક ભાઈ ઉભા હતા. તેઓએ સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ તેણીની પાસેથી લઈ લીધી હતી. જ્યારે ઘરે જા તેમ કહેતા તેણી ઘરે આવતા ચક્કર ખાઈને પડી હતી. 10 મિનિટ બાદ ભાન આવતા તેની માતાને કહેલ કે, સોના-ચાંદીના દાગીના અને પૈસા લઈ ચામુંડા માતાજીના મંદિરે ગઈ હતી અને તે ભાઈએ તાવિત,દોરા અને કપડાના નાના બે પુતળા આપ્યા હતા. આ વસ્તુઓ ફેંકી દેતાં ભાન આવ્યુ હતુ. ત્યારબાદ પરિવારજનોએ પૂજારી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને બંને પૂજારીની ધરપકડ કરી હતી. પાંચ વર્ષ સુધી કોર્ટના ધક્કા ખાધા બાદ બંને પૂજારી નિર્દોષ છૂટ્યા છે.

અન્ય સમાચારો પણ છે...