લોખંડ,સિમેન્ટ,પીવીસી પાઇપ સહિત મટિરીયલના ભાવોમાં તોતિંગ ભાવ વધારા, મોંઘવારીની અસર હવે સરકારી કામોના વાર્ષિક ટેન્ડરોમાં એજન્સીઓના આવતા ભાવોમાં દેખાવા લાગી છે.ગુરુવારે મહેસાણા નગરપાલિકામાં શહેરમાં પાણી લીકેજ મરામતના વાર્ષિક કામ તેમજ પાણીના નવા બોર બનાવા માટેના અલગ અલગ ટેન્ડરોમાં આવેલા એજન્સીઓના ભાવ પાલિકાની અપસેટ કિમંત કરતાં 15 થી 47 ટકા વધુ ખુલ્યા હતા.સુત્રોએ કહ્યુ કે, મટિરીયલ ના ભાવો વધતાં ભાવ ઊંચા ભરાઇને આવ્યા છે.
મહેસાણા શહેરના ટી.બી રોડ ઉપર પ્રા.શાળા નં. 7 પાસે ઓવરહેડ ટાંકી નજીક નવો પાણીનો બોર વિવેકાધિન ગ્રાન્ટમાંથી બનાવવા માટે નગરપાલિકા દ્વારા ટેન્ડર કરાયુ હતું.જેમાં પાલિકાએ આ કામ માટે અંદાજે રૂ. 18.44 લાખ ભાવ દર્શાવાયા છે.જેમાં બે એજન્સીઓના આવેલા ટેન્ડરો ગુરુવારે ખોલવામાં આવ્યા હતા.જેમાં પાણીનો બોર બનાવા પાલિકા સુચિત ભાવ કરતાં પમ્પસેલ્સ એન્ડ સર્વિસ એજન્સીએ 40.59 ટકા ઊંચા ભાવ અને અંબિકા એન્ટરપ્રાઇઝના 47 ટકા ઊંચા ભાવ આવ્યા છે.
હવે આ બંન્ને ટેન્ડર આગામી કારોબારીમાં રજુ કરીને એજન્સી નક્કી કરવાનો નિર્ણય લેવાશે.જ્યારે શહેરમાં પાણીના લિકેજમાં માલ સામાન સાથે વાર્ષિક કોન્ટ્રાન્ટના ટેન્ડરમાં પાલિકાએ અંદાજે રૂ. 1.5 કરોડ ભાવ દર્શાવેલા છે.તેની સામે ત્રણ એજન્સીઓના આવેલા ટેન્ડરોના ભાવ ગુરુવારે ખોલવામાં આવ્યા તો એક એજન્સીના રૂ. 1.75 કરોડ, બીજી એજન્સીના રૂ. 1.77 કરોડ અને ત્રીજી એજન્સીના રુ. 1.88 કરોડ જેટલા ઊંચા ભાવના ટેન્ડરો આવ્યા છે.
સીટી -1માં ગટર સાફ સફાઇ મોંઘી થશે
શહેરના ગામતળને આવરી લઇને સીટી 1 વિસ્તારમાં પમ્પીંગ સ્ટેશનો તેમજ ગટર લાઇનની સાફસફાઇ માટે બે વર્ષ એજન્સીરાહે કામ માટે અંદાજે બે કરોડ અપસેટ કિંમત નક્કી કરાઇ છે.જેમાં ચાર એજન્સીઓ પૈકી બે પાસે પૂરતા સાધનો ન હોવા અને એક એજન્સી પાસે ઇલેકટ્રીકલ કોન્ટ્રાક્ટરનું સર્ટી ન હોવાથી ભાવ ખોલ્યા નહોતા.જ્યારે માન્ય એક એજન્સીના ભાવ ખોલ્યા તેમાં પણ અપસેટ કરતાં 44 ટકા ઊંચા ભાવ આવ્યા છે.સુત્રોએ કહ્યુ કે,સીટી 1માં ગટરલાઇનો ઊંડી હોઇ તેમજ સાધનો મોંઘા હોઇ ભાવ ઊંચા આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.