જીરાના ભાવમાં જબ્બર ઉછાળો:ઊંઝા યાર્ડમાં જીરાની બોરીનો મુર્હત સોદાનો ભાવ પહેલીવાર 11 હજાર, સિઝનમાં ભાવ 3 હજાર ઉપર રહેવાનો અંદાજ

મહેસાણા4 મહિનો પહેલા
  • માર્કેટમાં હાલમાં જીરાનો રેગ્યુલર ભાવ 3250ની આસપાસ
  • ગોંડલ એક ખેડૂતના જીરાની બોરીનો ભાવ 11,111 બોલાયો

મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝા APMC ખાતે આજે એક જીરાની બોરીનો ભાવ 11 હજારથી વધુ બોલાયો હતો. ત્યારે ઉંઝા માર્કેટયાર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત જીરાનો ભાવ 11 હજારથી વધુ બોલાયો છે. જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગોંડલના એક ખેડૂતના જીરાની બોરીનો ભાવ 11,111 બોલાયો હતો.

મસાલા પાકનું ઉત્પાદન ઓછુ હોવાથી ભાવ ઉંચા રહેશે
ઉંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, દેશભરમાં જીરાના પાક માટે ગુજરાત અને ત્યારપછી રાજસ્થાન અગ્રેસર છે. હજુ જીરાની સિઝનની 20 થી 25 દિવસની વાર છે. તેવા સંજોગોમાં કોઇ નાનો ખેડૂત ઉત્સાહમાં જીરૂ લઇ આવ્યો હોય તો તેના જીરાના પ્રતિકાત્મક રૂપિયા 11 હજાર ભાવ બોલાયા હશે. જોકે, સાચી સ્થિતી એવી છે કે, મસાલા પાકનું ઉત્પાદન ઓછુ છે. તેથી આ વખતે મસાલાના પાકના ભાવ ઉંચા રહેશે. બે મહિના પહેલા જે જીરાના ભાવ 20 કિલોનાં રૂપિયા 2500 હતો તે હમણાં ત્રણ હજાર ઉપર જવા માંડ્યો છે. જે સિઝનમાં વધુ ઉપર જશે.

ઉંઝા એપીએમસી બજાર મોટે પાયે જીરૂ નિકાસ પણ કરે છે
આ વખતે ખેડૂતોએ જીરાના પાકને સ્થાને ચણા, રાયડો અને અન્ય પાકનું વાવેતર કર્યુ છે. તેથી જીરાનું ઉત્પાદન પ્રમાણમાં સારૂ એવું ઘટી જાય તેવી સ્થિતી સર્જાઇ છે. દેશ-વિદેશમાં જીરાના વેપાર માટે જાણીતુ ઉંઝા એપીએમસી બજાર મોટે પાયે જીરૂ નિકાસ પણ કરે છે. દેશમાં જીરાની નિકાસ વર્ષ 2015-16માં 97,790 ટન એટલે કે રૂપિયા 1553 કરોડ હતી. તે વર્ષ 2019-20માં બમણાથી વધુ વધીને 2,10,000 ટન એટલે કે રૂપિયા 3225 કરોડ થઈ છે. જોકે, તેમાં 45 ટકાથી વધુ જીરાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે.

ખેડૂતોને આકર્ષવા આટલો ભાવ આપવામાં આવ્યો હશેઃ APMC ચેરમેન

​​​​​​​ચેરમેન દિનેશ પટેલે વધુમાં જણાવ્યું કે, નવું સેમ્પલ આવ્યું હોય નવા પાકમાં કદાચ મણ કે બે મણ પાક ખેડૂત લઈને આવ્યો હોય તો ખેડૂતોને આકર્ષવા માટે આ પ્રકારે ભાવ આપવામાં આવ્યો હશે. પરંતુ એવો ભાવ મળ્યો હોય ટ્રેડ થયો હોય એ બરોબર છે. જોકે, માર્કેટમાં હાલ રુટીન ભાવ 3250 રૂપિયા આસપાસ ચાલી રહ્યો છે.

ખેડૂતને 11 હજાર ભાવ મળતા સૌ કોઈ ચોકી ઉઠ્યા
ઊંઝા APMC જીરાના બજાર માટે પ્રખ્યાત છે ત્યારે માર્કેટમાં હાલમાં જીરાનો રેગ્યુલર ભાવ 3250ની આસપાસ જોવા મળી રહ્યો છે ત્યારે આજે ગોંડલના એક વેપારીને જીરાની એક બોરીનો ભાવ 11,111 બોલાયો હતો. જેને લઈ સૌ કોઈ ચોકી ઉઠ્યા હતા. જેનો વીડિયો પણ વાયરલ થયો છે. ત્યારે અન્ય વેપારીઓને આકર્ષવા આ વીડિયો વાયરલ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેમજ જે ખેડૂત ગોંડલ થી જીરું વેચવા ઉંઝા આવ્યા હતા તેને ત્યા જીરાનો ભાવ 7 હજાર બોલાયો હોવાનું પણ ચર્ચાઈ રહ્યુ છે. જોકે, તેમ છતાં માર્કેટયાર્ડમાં જે પ્રમાણે જીરાની બોરીનો ભાવ 11 હજાર બોલાતા ઊંઝા માર્કેટયાર્ડમાં ઈતિહાસમાં પ્રથમ વખત આટલો ભાવ બોલાયો છે.

અન્ય સમાચારો પણ છે...