ખળભળાટ:સોલર પ્લાન્ટના ચાર્જિંગ માટે વીજ કંપનીના ​એક્ઝિક્યુટિવ એન્જિનિયરે 50 લાખ માગ્યા?

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિરમગામના સોલાર પ્લાન્ટના મેનેજિંગ પાર્ટનરની ઉ.ગુ.વીજ કંપનીના એમડીને ફરિયાદ
  • મોબાઈલ પર કહ્યું, આ રકમ નહીં આપો તો હજી બે વર્ષ પ્લાન્ટ શરૂ નહીં થાય

રાજ્ય સરકાર એમએસએમઈ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા નવી નીતિઓ બનાવી રહી છે, બીજી તરફ ઉદ્યોગ સ્થાપવા અને કાર્યરત કરવામાં કેટલીક લેતી-દેતીની પેરવીમાં ઉદ્યોગકારો પીસાતા હોય છે. આવો એક કિસ્સો વિરમગામ તાલુકાના કાલિયાણા ગામે એમએસએમઈ ઉદ્યોગમાં સ્થાપિત સોલાર પ્લાન્ટના ચાર્જિંગ માટે ફોન ઉપર સોલાર સેલના એક્ઝિક્યુટિવ એન્જિનિયરે રૂ.50 લાખની માંગણી કર્યાની આક્ષેપાત્મક ફરિયાદ ઉ.ગુ.વીજ કંપની મહેસાણાના એમડીને આદિત્ય એનર્જીના મેનેજિંગ પાર્ટનરે કરતાં ખળભળાટ મચી ગયો છે.

આદિત્ય એનર્જીના મેનેજિંગ પાર્ટનર મેહુલ ગાંધીએ વીજ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર કે.એસ. રંધાવાને સંબોધીને કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે, એમએસએમઈ કેટેગરી હેઠળ 3773 મેગાવોટનો સોલાર પ્લાન્ટ ગત સપ્ટેમ્બર 2020ના રોજ જેડામાં નોંધણી કરાવી સ્થાપ્યો છે. પ્લાન્ટનું ઇન્સ્ટોલેશનનું કાર્ય જાન્યુઆરી 2021માં પૂર્ણ કર્યું છે. તમામ આધાર પુરાવા યુજીવીસીએલને આપ્યા છે તેમ છતાં 9 મહિનાથી કોઈપણ ક્વેરી ના હોવા છતાં પ્લાન્ટ ચાર્જિંગની કામગીરી કરાતી નથી. આવી પરિસ્થિતિમાં ચાર્જિંગ ન આપી ખૂબ મોટું આર્થિક નુકસાન યુજીવીસીએલના સોલાર પ્લાટના એક્ઝિક્યુટિવ એન્જિનિયર કરી રહ્યા છે.

છેલ્લા 10 મહિનામાં તેમના કારણે અંદાજે બે કરોડનું નુકસાન થયું છે. તેઓ દ્વારા અમારી પાસે પ્લાન્ટ ચાર્જ કરવો હોય તો રૂ.50 લાખ આપવા પડશે તેવી માગણી કરતાં તેમના મોબાઈલ નંબર પરથી અમારા મોબાઈલ નંબર પર 10 ઓક્ટોબરે સાંજે ફોનમાં જણાવ્યું છે. જો આ રકમ નહીં આપો તો હજી બે વર્ષ પ્લાન્ટ શરૂ નહીં થાય તેમ જણાવ્યાનો કથિત ગંભીર આક્ષેપ એક્ઝિક્યુટિવ એન્જિનિયર સામે કરાયો છે. વધુમાં આ લેખિત ફરિયાદમાં તેમણે જણાવ્યું કે, આવા અધિકારી સામે એસીબી, વિજિલન્સ તેમજ લોકપાલમાં ગુનો દાખલ કરવા લેખિત આપ્યું છે.

લેટર મળ્યો છે, તેની તપાસ કરાશે : એમડી
ઉ.ગુ.વીજ કંપનીના એમડી કે.એસ. રંધાવાએ જણાવ્યું કે, સોલાર ચાર્જિંગ બાબતે તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવા કહી દીધું છે. 50 લાખની માંગણી બાબતે કહ્યું કે, આ તપાસનો મુદ્દો છે. કોણ સાચું બોલે છે કોણ જૂઠું બોલે છે. લેટર મળ્યો છે, લેટરની તપાસ કરાશે.

અન્ય સમાચારો પણ છે...