મુલાકાત:મહેસાણા રેલવે સ્ટેશનનું નિરીક્ષણ થવાની શક્યતાએ રેલવે તંત્ર દોડતું થયું

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર 3 ડિસેમ્બરે મહેસાણા રેલવે સ્ટેશન ઉપર આવે તેવી શક્યતા
  • જીએમની મુલાકાતની સંભાવનાએ સ્થાનિક રેલવે તંત્રએ પેસેન્જરોને મળતી સુવિધાની સમીક્ષા કરી

મહેસાણા રેલવે સ્ટેશનનું આગામી ડિસેમ્બર માસમાં ઈન્સપેક્શન થવાની શક્યતાએ સ્થાનિક રેલવે તંત્ર દોડતું થઈ ગયું છે. રેલવેના સ્થાનિક અધિકારીઓ દ્વારા પેસેન્જરોને મળતી સુવિધાઓની સમીક્ષા કરી તાત્કાલિક કામગીરી કરવામાં લાગી ગયા છે. ઉલ્લેખનીય છે કે, 38 જેટલા પેસેન્જરોએ મહેસાણા રેલવે સ્ટેશન ઉપર મળતી સુવિધાઓ અંગે રેલવે મંત્રાલયને રજૂઆતો કરી હતી તેની પૂર્તતા કરવા તંત્ર કામે લાગ્યું છે.

મહેસાણા રેલવે સ્ટેશન ઉપર હાલમાં 48 જેટલી ટ્રેનોની અવરજવર થઈ રહી છે. હાલમાં તારંગા રેલવે લાઈન ઉપર પ્લેટફોર્મ નંબર-1, નવા રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ-5 અને 6 તેમજ ફ્રેઈટ કોરીડોરની કામગીરી ચાલી રહી હોવાથી તમામ પેસેન્જર ટ્રેનોને પ્લેટફોર્મ નંબર-2 અને 3 ઉપર ઉભી રાખવામાં આવે છે. પ્લેટફોર્મ નં.2 અને 3 ઉપર અડધા ભાગમાં શેડ નહીં હોવાથી લોકોને તડકે ઉભું રહેવું પડી રહ્યું છે. જ્યારે જૂનો શેડ તોડવાની જગ્યા ઉપર હજુ પણ ખીલા અને ઈલેક્ટ્રીક વાયરો ખુલ્લા છે.

તેવા સમયે આગામી 3 ડિસેમ્બરના રોજ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલ મહેસાણા રેલવે સ્ટેશને ઈન્સ્પેક્શનમાં આવવાની શક્યતાએ સ્થાનિક અધિકારીઓએ અધૂરા કામોની કામગીરી તાબડતોબ શરૂ કરી દીધી છે. મહેસાણા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મની સફાઈ સહિત પિવાના પાણીની પરબો તેમજ અસ્તવ્યસ્ત પહેલા સામાનનો સરખો કરવામાં આવી રહ્યો છે. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલ મહેસાણા રેલ્વે સ્ટેશનની મુલાકાત લઈ ઈન્સપેક્શન કરવાના હોવાની શક્યતાઓને પગલે રેલ્વે વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે.

કોરોનાકાળ અગાઉની તુલનાએ 20 % પેસેન્જર થયા
કોરોનાકાળ અગાઉ મહેસાણા રેલવે સ્ટેશન ઉપર દૈનિક 4 થી 5 હજાર પેસેન્જરોની અવરજવર રહેતાં રૂ.3 થી 4 લાખની આવક થતી હતી. હાલમાં 1000 થી 1100 પેસેન્જરોની હેરફેર થતાં રૂ.સવા લાખની આવક થાય છે. રિઝર્વેશન વગર જનરલ કોચમાં મુસાફરીની પરવાનગી મળે તો પેસેન્જરો વધે તેમ હોવાથી રેલવે મંત્રાલય વિચારણા કરે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...