• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • The Police Registered A Case Against 45 People In The Scheme To Send Them To America, Now The Modus Operandi Of Sending Them Abroad Will Be Revealed.

મહેસાણા IELTS કૌભાંડ:અમેરિકા પહોંચાડવાના ખેલમાં પોલીસે 45 લોકો સામે ગુનો નોંધ્યો, હવે ગાળિયો કસાતા ઇમિગ્રેશન ફ્રોડની મોડસ ઓપરેન્ડી બહાર આવશે

મહેસાણાએક મહિનો પહેલા
  • મુંબઈ ખાતેની US એમ્બેસીએ મહેસાણા SPને તપાસ માટે જાણ કરતાં કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું હતું એજન્ટે યુવાનદીઠ રૂ. 21 લાખ લીધા હતા, પોલીસ તપાસમાં કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અમિત ચૌધરી નીકળ્યો

IELTS પરીક્ષામાં સેટિંગ કરીને મહેસાણાના 4 યુવક અમેરિકા પહોંચી તો ગયા, પણ ઘૂસણખોરી કરતા અમેરિકા પોલીસે પકડી લીધા હતા. આ મામલે મુંબઈ એમ્બેસીએ મહેસાણા SPને તપાસ માટે જાણ કરતાં IELTS કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું હતું. મહેસાણાની GIDCમાં આ 4 યુવાનને અમેરિકા પહોંચાડવાનો ખેલ ઘડાયો હતો. એજન્ટે યુવાનદીઠ રૂ. 21 લાખ લીધા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આ મામલામાં પોલીસે 45 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હવે ગાળિયો કસાતા વિદેશ મોકલવાની મોડસ ઓપરેન્ડી બહાર આવશે. આ કેસમાં બપોર બાદ મહેસાણા SP પ્રેસ-કોન્ફરન્સ યોજીને વધુ માહિતી આપશે.

આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અમિત ચૌધરી નીકળ્યો
આ કેસનો મુખ્ય સૂત્રધાર અમિત ચૌધરી અમેરિકા જવા માટે અને IELTS પાસ કરાવવા માટે વિદ્યાર્થી પાસે IELTSના ફોર્મ પોતાના ઇ-મેલ આઈડીથી ભરાવતો હતો. જે ચાર યુવક અમેરિકા ગેરકાયદે IELTS પાસ કરીને ગયા હતા તેઓ સ્નાતક સુધી ભણ્યા ન હોવા છતાં અમિત ચૌધરીએ ચારેય યુવકે પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો હોય એવું ખોટી રીતે દર્શાવી ખોટા દસ્તાવેજ બનાવ્યા હતા. ત્યાર બાદ વિદ્યાર્થીઓને નવસારી ખાતે ચાલતી IELTSની પરીક્ષાના દિવસે ફન સિટી હોટલમાં તેમજ બાજુની સુપ્રીમ હોટલમાં લઇ ગયો હતો. પરીક્ષા સમય દરમિયાન આઈ.ડી.પી. સ્પીકિંગ એક્ઝામિનર તેમજ ટી.ડી.એસ થતા રાઇટિંગ એક્ઝામિનર IELTSના પેપરમાં ઉત્તરવહી અમિત ચૌધરીએ આપી હતી તેમજ સ્પીકિંગ ઓડિયો ક્લિપ આપી પોતાના મળતિયા માણસો સાથે મળી અંગ્રેજીમાં નબળા હોય એવા વિદ્યાર્થીઓની IELTS પેપરના જવાબો લખાવી પરીક્ષા માટે રજિસ્ટ્રેશન થયેલા વિદ્યાર્થીઓને બદલે આ યુવકને 6થી 8 બેન્ડ મેળવી આપ્યા હતા.

કેનેડાથી અમેરિકાની બોર્ડર વચ્ચે પકડાયા હતા
ગુજરાતીઓમાં વિદેશ જવાની લાલસા એટલી હદે વધી ગઇ છે કે ત્યાં પહોંચવા માટે ગમે તે કરવા તૈયાર હોય છે. વિદેશ જવાની ઘેલછામાં કરોડો રૂપિયાનો ખર્ચ અને ક્રાઇમ કરવામાં પણ અચકાતા નથી. તાજેતરમાં જ આવી ઘટના મહેસાણામાંથી સામે આવી હતી. એજન્ટોએ મહેસાણાના માંકણજના ધ્રુવ રસિકભાઈ પટેલ, ધામણવાના નીલ અલ્પેશકુમાર પટેલ, જોટાણાના ઉર્વીશ શૈલેષભાઈ પટેલ અને સાંગણપુરના રાજેન્દ્રકુમાર પટેલ એમ ચાર યુવકોને નવસારીના સેન્ટરમાં IELTSની પરીક્ષા અપાવી IELTSમાં 8 બેન્ડ લાવી દીધા અને કેનેડા પહોંચાડી દીધા, જ્યાંથી ગત 28 એપ્રિલ 2022ના રોજ કેનેડાથી અમેરિકાની બોર્ડર વચ્ચે આવેલી સેન્ટ રેઝીસ નામની નદીમાં બોટ મારફત હાડ થીજવતી ઠંડીમાં અમેરિકામાં ઘૂસવાની તૈયારી કરી રહ્યા હતા. બોટ પાણીમાં ડૂબતી હોઇ યુએસએ પોલીસે રેસ્ક્યૂ કરી બચાવી લીધા હતા.

અંગ્રેજી બોલતા ન આવડતાં ભાંડો ફૂટ્યો હતો
યુવકોની બોટ ડૂબવા લાગતાં અમેરિકાની લોકલ પોલીસ તેમને બચાવી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટ કાર્યવાહી દરમિયાન આ ચારેય યુવકને અંગ્રેજીમાં સવાલ-જવાબ કરતાં યુવકોને પરસેવો છૂટી ગયો હતો. બાદમાં ટ્રાન્સલેટરને બોલાવી યુવકોને સવાલ-જવાબ કરાવ્યા હતા, જેથી સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો. અમેરિકન સરકાર અને એમ્બેસીએ આ અંગે પત્ર લખીને મુંબઈ એમ્બેસીને જાણ કરી હતી. એજન્સીના ક્રિમિનલ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસરે ગત 23 મે 2022ના રોજ મહેસાણા જિલ્લા પોલીસવડાને આ અંગે પત્ર લખ્યો હતો. ત્યાર બાદ મુંબઈ એમ્બેસીના પત્રના આધારે જિલ્લા પોલીસવડાએ મહેસાણા એસઓજીને તપાસ સોંપી હતી.

45 સામે ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આ ચારેય યુવકે નવસારીનું સેન્ટર પસંદ કર્યું હતું. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા પ્લેનેટ એ.ડી.યુ નામની સંસ્થામાં એડમિશન કરવામાં આવ્યું હતું. અમદાવાદની આ સંસ્થામાંથી આ ચારેય યુવકને નવસારી IELTSની પરીક્ષા આપવા મોકલવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ કરીને આજે 45 શખ્સ સામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઇ

અન્ય સમાચારો પણ છે...