કોર્ટનો નિર્ણય:જેલમાંથી ભાગી સગીરાને ગર્ભવતી કરનારાને દુષ્કર્મીને આજીવન કેદ

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાડા ત્રણ વર્ષ પૂર્વેની ઘટના : વેકરાના શખ્સને પોક્સો કોર્ટે સજા ફટકારી

સાડા ત્રણ વર્ષ પહેલા કડીના વેકરા ગામનો શખ્સ જેલમાંથી પેરોલ રજા પછી હાજર ન થઇ ફરાર રહી 16 વર્ષ અને 10 માસની સગીરાને ભગાડી લઇ જઇ અલગ અલગ જગ્યાએ તેણીની સાથે દુષ્કર્મ કરી ગર્ભવતી કરી હતી. આ અંગેની બાવલુ પોલીસ સ્ટેશને નોંધાયેલ ફરિયાદનો કેસ મહેસાણાની પોસ્કો કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં આરોપીને આજીવન સખત કેદની સજા અને બે લાખ દંડ ફટકાર્યો છે. અને ભોગ બનનારને અઢી લાખ વળતરનો ચુકાદો કોર્ટે આપ્યો છે.

કડીના ડરણ ગામેથી એક સગીરાને ગત 1 જુલાઇ 2018ના રોજ કડીના વેકરા ગામનો શૈલેષ ગાંભાજી ઠાકોર ભગાડી લઇ ગયો હતો અને કોલર, સરદારગંજ વગેરે ગામોમાં સગીરાને રાખીને તેણીની સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી હતી. આ બનાવ અંગે ભોગ બનનારની માતાએ બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી અગાઉ ગુનામાં 10 વર્ષની સજામાં સાબરમતી જેલમાં હતો અને પેરોલ રજા પર બહાર આવેલ પછી રજા પૂર્ણ થતાં જેલમાં હાજર ન થતા ફરાર હતો અને આ શખ્સે સગીરા સાથે દુષ્કર્મ આચરેલું. આ કેસ મહેસાણામાં સ્પે.પોક્સો જજ એ.એલ.વ્યાસની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલ રેખાબેન જોષીએ સાહેદો તપાસ્યા હતા અને દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. સરકારી વકીલે દલીલો કરી કે, ભોગ બનનાર સગીર હોવા છતાં આરોપીને દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી છે.

અગાઉના ગુનામાં રજા પર છૂટી પછી ગુનો કર્યો હોઇ આ ગુનાને હળવાસથી ન લેવો જોઇએ. સભ્ય સમાજમાં લાંછનરૂપ કિસ્સો હોઇ મહત્તમ સજાની દલીલો કરી હતી, જે કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. પોક્સો કોર્ટે આરોપી શૈલેષભાઇ ગાભાજી ઠાકોર રહે. વેકરા, તા. કડીને કલમ 363માં 5 વર્ષની સજા અને રૂ. 5000 દંડ, કલમ 366માં 5 વર્ષની સજા અને રૂ. 5000 દંડ, પોક્સો કલમ 4માં 7 વર્ષની સજા અને 40 હજાર દંડ, પોક્સો કલમ 6માં આજીવન સખત કેદની સજા અને રૂ. બે લાખ દંડનો હુકમ કર્યો છે. જ્યારે ભોગ બનનારને અઢી લાખ વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...