મહેસાણા ઉપનગર જૈન સંઘમાં સોમવારના પ્રેરણામૃત પ્રવચનકાર પૂ.આચાર્યશ્રી જયસુંદર સૂરીશ્વરજી મ.સા.એ કહ્યું કે, મોહ કહો કે લાલસા, લાલચ કહો કે વાસના. એ પરવશતાનું મૂલ છે, લાખો-કરો ઉપાસના. એક વિચારકને એક પ્રશ્ન થયો લાખો વર્ષ પછી પણ દુનિયામાં આટલી બધી ખરીદી અને બેરોજગારી કેમ છે? દુનિયામાં આટલી બધી લડાઈઓ કેમ થાય છે? તક મળે ત્યારે શું ગરીબ કે શું તવંગર, એકબીજાનું પડાવી લેવા, છીનવી લેવા, ફાંફા કેમ મારે છે?
એ વિચાર કે પુસ્તકાલયમાં બેઠા બેઠા દુનિયાભરના થોથાં વીંખી નાખ્યા. અચ્છા અચ્છા લેખકોના લેખો ઉથલાવી નાખ્યા પણ એને સંતોષકારક અને તથ્ય પૂર્ણ જવાબ ના મળ્યો. એણે ભ્રાંત કાલ્પનિક અવળી દિશામાં દોરી જનાર જવાબ મળ્યો હશે કે બધા દોષ આ સૂરજ અને ચાંદનો જ છે. દિવસે સૂરજ અને રાત્રે ચાંદો જે પ્રકાશ ફેલાવે છે, બધાને આંજી નાખે છે.
એનાથી લોકો એને લૂંટી લેવા, એનો કબજો લેવા એને પોતાના ઘરની તિજોરીમાં લાવીને પૂરી દેવા એના ઉપર એકાધિકાર જમાવવા, એકબીજા સાથે લડાઈઓ લડે છે, એકબીજાને પછાડવા અને પાછળ પાડી દેવા, એકબીજાને ઓવરટેક કરી દેવા થાય તે બધું જ કરી છૂટે છે. એટલે બધો વાંક આ સૂરજ ચાંદાનો જ છે.
પોતાની બુદ્ધિની અવળચંડાઈને તે પીછાની શકતો નથી, પોતાના વિચારોની તુચ્છતાનું એને ભાન પડતું નથી. જેમ દુર્જન માણસને બધા સચ્ચાઈના શત્રુ જેવા જ દેખાય એમ પોતાને બીજા સત્યશોધકોના વિચારો પણ જુઠ્ઠા જ દેખાય. માત્ર એને વિચાર વાયુના કારણે પોતે વિચારી વિચારીને જે નિષ્કર્ષ કાઢ્યો હોય તે જ તેને સાચો દેખાય. ધન, સંપત્તિ, વાહ-વાહ, કીર્તિ, મિલકત, આ બધાના મોહ કરતાં પણ આજે દરેકને પોતાના મૌલિક વિચારોનો ભયંકર મોહ નામની જે બીમારી લાગુ પડી છે એ જ સર્વ અનર્થનું મૂળ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.