નિર્ણય:નવી સોસાયટી જે ભાગમાં આવતી હોય તે મુજબ મતદાર યાદીમાં દાખલ કરાશે

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા વિધાનસભા મતદાર યાદી અંગે પ્રાંત અધિકારીનું માર્ગદર્શન
  • 18 વર્ષના યુવાનનું નામ મતદાર યાદીમાં ન રહી જાય તે જોવા અનુરોધ

મહેસાણા શહેરમાં વિધાનસભા વિસ્તારના મતદાન મથકોમાં રવિવારે મતદાર યાદીમાં નામ દાખલ, કમી, સુધારા-વધારાના ફોર્મ ભરવાની ઝુંબેશ ચાલુ હોઇ કોઇ મતદારો વંચિત ન રહી જાય અને વિસ્તારના મતદાન મથકે જઇ નિયત ફોર્મ ભરી આપે તેમાં કોર્પોરેટરો તેમના વિસ્તારમાં લોકજાગૃતિમાં સહયોગી બને તે માટે બુધવારે સાંજે નગરપાલિકામાં મળેલી બેઠકમાં પ્રાંત અધિકારી એમ.બી. પટેલે માર્ગદર્શન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, મતદાર યાદીના જે-તે ભાગ વિસ્તારમાં નવી સોસાયટી બની હોય અને તેનો યાદીના ભાગમાં સમાવેશ ન હોય તો તંત્રને સૂચવેથી મતદાર યાદીના આવતા ભાગમાં તે સોસાયટી દાખલ કરવામાં આવશે.

નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, ચીફ ઓફિસર અલ્પેશ પટેલની હાજરીમાં મળેલી બેઠકમાં નવેમ્બર મહિનામાં વિધાનસભા વિસ્તારમાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ ચાલુ છે. જેમાં રવિવારે બુથમાં સવારથી સાંજ સુધી હાજર બીએલઓ દ્વારા 18 વર્ષ થયા હોય એવા યુવા મતદારોને મતદાર યાદીમાં સમાવિષ્ટ કરવા સહિત જરૂરી નામ, સરનામા સુધારા ઇચ્છુક મતદારોને નિયત ફોર્મ ભરવા માહિતગાર કરવા સદસ્યોને માર્ગદર્શન અપાયું હતું. બેઠકમાં ટીપી ચેરમેન કનુભાઇ પટેલ, જનકભાઇ બ્રહ્મભટ્ટ, સંજય બ્રહ્મભટ્ટ, વિપક્ષ નેતા કમલેશ સુતરીયા સહિત સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા અને સૂચનો રજૂ કર્યા હતા. પ્રાંત અધિકારીએ કહ્યું કે, 18 વર્ષ થયા છે એવા મતદારો મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા ફોર્મ ભરે તેવા પ્રયાસો કરવા જોઇએ.

અન્ય સમાચારો પણ છે...