આદેશ:300 બેડ નવી સિવિલનું 8 માળનું બિલ્ડિંગ હયાત જગ્યાએ જ બનશે

મહેસાણા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા સિવિલ હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં નિર્ણય
  • સમિતિની બેઠક 20 મહિને મળતાં કલેક્ટરનો દર 3 મહિને કરવા આદેશ

મહેસાણા સિવિલ હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં 300 બેડની નવી સિવિલ હોસ્પિટલનું ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત 8 માળની બિલ્ડિંગ હયાત જગ્યાએ જ બનાવવા નિર્ણય કરાયો છે. જોકે, 2 વર્ષથી 10 કરોડ ફાળવાયા હોવા છતાં નવી સિવિલનો પ્લાન બનાવવા આર્કિટેક્ટને અપાયો હોવાનું પીઆઈયુ વિભાગે કહ્યું હતું. તેથી પ્લાન આવ્યા બાદ રાજ્ય સરકારમાં રજૂ કરી મંજૂરી મંગાશે.

અધિક કલેક્ટર આઈ.આર. વાળાના અધ્યક્ષસ્થાને સિવિલ હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિની બેઠક મળી હતી. જેમાં સિવિલ સત્તાધિશોએ 13 અને પીઆઈયુ વિભાગે 17 જેટલા એજન્ડા રજૂ કર્યા હતા. સભ્યોએ દર 3 મહિને બેઠક બોલાવવા અંગે જવાબ માંગતા સત્તાધિશોએ કોરોના મહામારીનું કારણ આગળ ધર્યું હતું.

બેઠક બાદ કલેક્ટર ઉદિત અગ્રવાલ સાથેની શુભેચ્છા મુલાકાતમાં રોગી કલ્યાણ સમિતિની બેઠક અંગે રજૂઆત કરાતાં કલેક્ટરે સંંબંધિત અધિકારીઓને દર 3 મહિને બેઠક કરવા આદેશ કર્યો હતો. સિવિલના સત્તાવાળાઓ દ્વારા રોગી કલ્યાણ સમિતિ સમક્ષ અત્યાર સુધીના ખર્ચના હિસાબો રજૂ કરાયા હતા.

જોકે, તમામ હિસાબો અંગ્રેજીમાં હોવાથી તેમજ ટૂંકા નામ લખેલા હોવાથી ગુજરાતીમાં વિગતવાર હિસાબો આપવા સભ્યોએ માગણી કરી હતી. બેઠકમાં ઈન્ચાર્જ સિવિલ સર્જન ડો.પી.એમ. જોશી, પીઆઈયુના કાર્યપાલક ઈજનેર એન.આર. પટેલ, સમિતિના સભ્યો રાજુ ચૌધરી, રાકેશ શાહ, પ્રવિણાબેન જોશી, નિરંજન ચાવડા, યોગેન્દ્ર ગોસ્વામી અને રીનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

ઓક્સિજન પ્લાન્ટ સાંઈક્રિષ્નામાં રાખવા નિર્ણય
હાલમાં સાંઈક્રિષ્ના હોસ્પિટલમાં દૂધસાગર ડેરીના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ બનાવાયો છે. પરંતુ, સાંઈક્રિષ્નાનું એમઓયુ પૂર્ણ થયું હોવા છતાં ત્રીજી લહેરની શક્યતાને લઇ ત્યાં જ ઓક્સિજન પ્લાન્ટ રાખવા નિર્ણય કર્યો છે.

સમિતિના હિસાબોનું બે વર્ષથી ઓડિટ જ થયું નથી
રોગી કલ્યાણ સમિતિમાં સિવિલના સત્તાધિશોએ રૂ.9 કરોડનો ખર્ચ રજૂ કરી રૂ.5 કરોડ ચૂકવાયા હોવાનું કહ્યું હતું. જ્યારે રૂ.4 કરોડ હજુ ચુકવવાના બાકી છે. જોકે, આ સમિતિના હિસાબોનું બે વર્ષથી ઓડિટ જ થયું નથી. જેમાં એકાઉન્ટન્ટ નહીં હોવાથી ઓડિટ નહીં થયાનું કારણ અપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...