IELTS પરીક્ષા કૌભાંડ:બ્રાહ્મણવાડાના ગાંધીનગરમાં રહેતા યુવકનું નામ ખૂલ્યું

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારી પરીક્ષાના સેન્ટર હેડ અને ફેકલ્ટીની SOGએ પૂછપરછ માટે બોલાવ્યા
  • અમિત ચૌધરી​​​​​​​ નામના યુવકની અગાઉ પૂછપરછ કરાઇ હતી, હજુ કરાશે : પોલીસ

અંગ્રેજીમાં ઢ હોવા છતાં IELTSની પરીક્ષામાં 8 બેન્ડ લાવનારા વિદ્યાર્થીઓ મામલે તપાસ કરી રહેલી મહેસાણા એસઓજીની ટીમે નવસારી ખાતે પરીક્ષા લેનાર સેન્ટર હેડ અને ફેકલ્ટીઓને નોટિસ આપી પૂછપરછ માટે બોલાવ્યા છે, ત્યારે તેમની પૂછપરછ બાદ વધુ ખુલાસા થઈ શકે છે. જ્યારે આ પરીક્ષા કૌભાંડમાં બ્રાહ્મણવાડાના વતની અને ગાંધીનગરમાં રહેતા યુવકનું નામ પણ ખૂલ્યું છે.

મહેસાણા જિલ્લાના લોકોને અંગ્રેજીમાં ઢ હોવા છતાં IELTSની પરીક્ષામાં ઊંચા બેન્ડ લાવીને અમેરિકા મોકલવાના કૌભાંડમાં મહેસાણા એસઓજીની ટીમે પોતાની તપાસ નવસારી સુધી લંબાવી છે. જેમાં અમેરિકા ગયેલા 4 વિદ્યાર્થીઓને IELTSની પરીક્ષા લેનાર પરીક્ષાના સેન્ટર હેડ એવા અમદાવાદના ઇન્દ્રસિંહ રાજપુત અને અમદાવાદ તેમજ નવસારી 7 થી 8 જેટલી ફેકલ્ટીઓને પણ એસઓજીની ટીમે નોટિસ આપી પૂછપરછ માટે બોલાવ્યા છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હોટલના બેન્કવેટ હોલ અને ખાનગી પાર્ટી પ્લોટોમાં યોજાતી IELTSની પરીક્ષામાં ગરબડ થતી હોવાનું બહાર આવ્યું છે. આ પ્રકરણમાં મૂળ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામના રહેવાસી અને ગાંધીનગર રહેતા અમિત ચૌધરી નામના યુવકની પણ કેટલાક દિવસો પૂર્વે પૂછપરછ કરાઇ હતી.

અને આગામી દિવસોમાં પણ તેની પૂછપરછ કરવામાં આવશે તેમ પીઆઇ ભાવેશ રાઠોડે જણાવ્યું હતું. બીજી તરફ પરીક્ષા લેનાર સેન્ટર હેડ તેમજ પ્લેનેટ એજ્યુકેશનના સંચાલક તેમજ ફેકલ્ટીઓની તપાસ અને પૂછપરછ બાદ વધુ રહસ્યો ખુલવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...