પાલિકાનું આકરું વલણ:સિટીબસને સપ્ટેમ્બરનું બિલ પાલિકા નહીં ચૂકવે

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • GPSથી સિટીબસના કિમીનું રિડિંગ ન મેળવતાં
  • શરતભંગ બદલ એજન્સી સામે પાલિકાનું આકરું વલણ

મહેસાણા શહેરમાં સિટીબસ સર્વિસના એક મહિનામાં ડેટા પૃથ્થકરણ માટે મોબાઇલ એપ અને કોમ્પ્યુટર સોફ્ટવેર નહીં બનાવતાં પાલિકાએ શરત ભંગ બદલ ગુરૂકૃપા ટ્રાવેલ્સ એજન્સીને સપ્ટેમ્બર મહિનાના બિલનું ચૂકવણું નહીં કરવા અને વારંવાર આવી બેદરકારી સર્જાશે તો વધુ સખત પગલાં લેવાની તાકીદ કરી છે. ડેટા પૃથ્થકરણ સોફ્ટવેરના આધારે એજન્સીએ બસના કિલોમીટર રિડિંગ લેવાના હોવા છતાં જીપીએસ નહીં લગાવતાં બિલની ચૂકવણું નહીં કરાય તેવો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે.

શહેરમાં ગત 5 સપ્ટેમ્બરથી સિટીબસ શરૂ કરાઇ છે, પરંતુ ટેન્ડરની શરતો મુજબ એજન્સી સિટીબસ ચલાવતી ન હોવાનું ધ્યાને આવતાં પાલિકાની રિવ્યુ બેઠકમાં સિટીબસ સેવા વધુ સુદ્રઢ બનાવવા અને એજન્સી કામગીરીમાં બેદરકારી અંગે પરામર્શ કરાયો હતો. દરમિયાન, ત્રણ મુદ્દાને લઇ બેદરકારી અંગે ચીફ ઓફિસર અલ્પેશ પટેલે એજન્સીને નોટિસ ફટકારી છે. જેમાં એક મહિનામાં એજન્સીએ માત્ર મોબાઇલ એપ્લીકેશન બનાવી છે, જેમાં બસના લાઇવ લોકેશન જોઇ શકાતાં નથી, જેથી આ મોબાઇલ એપ અધૂરી છે.

સિટી બસ સેવાના સુચારૂ સંચાલન અને ડેટા પૃથ્થકરણ માટેનું સોફ્ટવેર હજુ સુધી બનાવી આપ્યું નથી. જે અંગે જાણ કરવા છતાં એજન્સીએ પ્રત્યુત્તર આપ્યો નથી કે દિન-7માં ટેન્ડરની શરત મુજબ ડેટા પૃથ્થકરણ માટે મોબાઇલ એપ અને સોફ્ટવેર બનાવી નગરપાલિકા સિટીબસ ઇન્ચાર્જને સુપરત કર્યું નથી. આ ઉપરાંત, ગત 26 સપ્ટેમ્બરે 2021 ના રોજ રૂટ નં.6ની બ્રેકડાઉન બસની જગ્યાએ નવી કોઇ બસની વૈકલ્પિક વ્યવસ્થા કરાઇ નહોતી, જે ટેન્ડર શરતનો ભંગ છે.

ટેન્ડરની શરત મુજબ એજન્સીએ જાહેરાત બસ ઉપર બહારની જમણી અને ડાબી બાજુએ જ લગાવવાની હોવા છતાં અમુક બસમાં પાછળની બાજુએ જાહેરાત લગાવી શરત ભંગ કર્યો છે. એજન્સી દ્વારા શરતોનો વારંવાર ભંગ કરવામાં આવે છે. એજન્સી આવા પ્રકારની બેદરકારી હવે પછી દાખવશે તો ટેન્ડરની શરત નં.11.1 મુજબ કરાર રદ કરાશે અને એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરાશે તેની ખાસ નોંધ લેવા એજન્સીને પાલિકાએ લેખિત જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...